Western Times News

Gujarati News

ટોરેન્ટ પાવરના કર્મચારીને ભાડુઆતે હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી

અમદાવાદ, ફતેવાડી વિસ્તારમાં વીજ ચોરી ચકાસણી કરવા ગયેલા ટોરેન્ટ પાવરના જુનિયર એક્ઝિક્યુટિવને ભાડુઆતના બે દીકરાએ હાથ પગ તોડી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. નારણપુરા ટોરેન્ટ પાવર સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા અને વાસણા ખાતે જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા ચિંતનભાઇ પ્રજાપતિએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગઇકાલે ચિંતનભાઇ વાસણા ટોરેન્ટ ઓફિસમાં ટેક્નિશિયન સ્ટાફના માણસો સાથે હાજર હતા. તે દરમિયાનમાં ચિંતનભાઇ તથા ચંદુભાઇ પટેલ તેમજ લેડીઝ ગાર્ડ સાથે અન્ય કર્મચારી વીજ ચોરીની ચકાસણી કરવા માટે ફતેવાડી જવા નીકળ્યા હતા. તેઓ ફરતા ફરતા મન્સૂરી સોસાયટી ડુપ્લેક્સ નંબર-૨૯ ખાતે વીજ મીટરની ચકાસણી કરવા માટે ગયા હતા.

આ મકાનમાં ભાડે રહેતા મહંમદ સિંધીને ત્યાં તે બધા વીજ વપરાશ ચેક કરતા હતા. દરમિયાન ભાડુઆત હુસેન સિંધીએ અમારા ઘરે આવી મીટર કેમ ચેક કરો છો. તેમ કહીને ચિંતનભાઇ તેમજ અન્ય કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. જેથી ચિંતનભાઇ તે ગાળો ન બોલવાની અને શાંતિથી વાત કરવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયા હતા.

મહંમદહુસેનના બે દીકરાએ ચિંતનભાઇને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. ચિંતનભાઇએ આ અંગે પોલીસને જાણ કરતા તે ઘટના સ્થળ પર આવી ગઇ હતી. ચિંતનભાઇએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.