Western Times News

Gujarati News

મોટાભાગની ક્રિપ્ટો કરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ જશે

નવી દિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે, હાલ અસ્તિત્વ ધરાવતી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ જશે. રાજનનું માનવું છે કે, હાલ છ હજાર જેટલી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં છે, જેમાંથી માંડ એકાદ-બે જ પોતાનું અસ્તિત્વ જાળવી શકશે.

એક ઈન્ટર્વ્યુમાં અર્થશાસ્ત્રી એવા રાજને કહ્યું હતું કે કોઈ વસ્તુ માત્ર મોંઘી હોવાના કારણે જ તેનું મૂલ્ય વધારે હોય તો સમજી લેવું કે તેનો ફુગ્ગો ગમે ત્યારે ફુટી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક કોઈન્સ માત્ર એટલા માટે જ વેલ્યૂ ધરાવે છે કે કેટલાક મૂર્ખ તેમાં રોકાણ કરવા તૈયાર બેઠા હોય છે.

રઘુરામ રાજનનું કહેવું છે કે, ક્રિપ્ટોકરન્સી પણ ચીટ ફંડ્‌સ જેવી સમસ્યાઓ સર્જી શકે છે. ચીટ ફંડ્‌સ લોકો પાસેથી રુપિયા ઉઘરાવે છે અને એક દિવસ તેમનો ફુગ્ગો ફુટી જાય છે. ક્રિપ્ટો એસેટ્‌સ ધરાવતા ઘણા લોકો સરકારના આ વર્તનથી નારાજ હશે.

તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના ક્રિપ્ટોમાં કોઈ પરમેનન્ટ વેલ્યૂ નથી, પરંતુ કેટલીક ક્રિપ્ટોકરન્સી ક્રોસ-બોર્ડર પેમેન્ટને સરળ બનાવવાનો હેતુ સારી રીતે પૂરો પાડતી હોવાથી તે કદાચ ટકી જાય. બ્લોકચેઈન ટેક્નોલોજી પર તેમણે જણાવ્યું હતું કે સરકારે તેને વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ કરવા જાેઈએ.

સરકાર ક્રિપ્ટોને નિયમિત કરવા માટે કોઈ વચલો રસ્તો શોધી રહી છે, અને આ અંગે કોઈ ખરડો શિયાળુ સત્રમાં આવી શકે છે. દેશની મધ્યસ્થ બેન્કે પણ અગાઉ ક્રિપ્ટો સામે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો હતો. તેના ગવર્નર શક્તિકાંત દાસે તો ક્રિપ્ટોકરન્સીને આર્થિક સ્થિરતા સામે જાેખમ પણ ગણાવી દીધી હતી.

ભારત સરકાર શિયાળુ સત્રમાં સંસદમાં ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટે એક ખરડો લાવી છે, જેમાં પ્રાઈવેટ કોઈન્સને પ્રતિબંધિત કરવાની જાેગવાઈ છે.

આ ઉપરાંત, રિઝર્વ બેન્ક દ્વારા સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી લૉન્ચ કરવાનું ફ્રેમવર્ક પણ તૈયાર કરવાનો તેનો હેતુ છે. સરકાર લગભગ તમામ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાની તૈયારીમાં છે, પરંતુ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અને ટેક્નોલોજીને પ્રમોટ કરવા કેટલીક બાંધછોડ જાહેર થઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.