Western Times News

Gujarati News

ગેરકાયદે લાયન શો મામલે ૧૮ શકમંદોને વન વિભાગનું તેડું

જૂનાગઢ, દેવળિયા રેન્જ હેઠળના મેંદરડા તાલુકાના ગુંદિયાળી ગામે ખાનગી ફાર્મમાં સિંહને જીવીત પશુ આપી ગેરકાયદે લાયન શો મામલે ૧૮ શકમંદોને વન વિભાગે સમન્સ પાઠવ્યું છે. તા.ર૪ના આર.એફ.ઓ. સમક્ષ ઉપસ્થિત રહેનાર છે. નિવેદન બાદ ધરપકડ થવાની શકયતા નકારી શકાતી નથી. તેમાં મોટા માથાની સંડોવણી હોવાની સંભાવના છે.

ગુંદિયાળી ગામે તાજેતરમાં એક ખાનગી ફાર્મમાં જીવીત પશુ આપી ગેરકાયદે લાયન શોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. બાદમાં વન વિભાગ હરકતમાં આવી વીડિયોમાં દેખાતા અજાણ્યા ૧ર શખસો સામે ફરિયાદ નોંધી વન વિભાગે તપાસ હાથ ધરી હતી.

વન વિભાગે જયાં ગેરકાયદે લાયન શો યોજાયો તે સ્થળની તપાસ કરતા આ ખાનગી ફાર્મ પોલીસ મેનનું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.

આ બનાવની તપાસ કરનાર માળિયાના આર.એફ.ઓ. અમીને જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા ૧ર સહિત કુલ ૧૮ લોકોને સમન્સ મોકલાયો છે તેઓના નિવેદન લેવાશે અને કબુલાત કરનારાઓની અટકાયતની સંભાવના છે. આગામી એક-બે દી’માં ખાનગી ફાર્મના માલિકની પણ ઓળખ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.