Western Times News

Gujarati News

સુરત વિશ્વનું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સંભાવના ધરાવે છેઃ પિયુષ ગોયલ

પ્રતિકાત્મક

ડાયમંડ કટિંગ અને પૉલિશિંગમાં આપણે આપણી જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી છે: પિયુષ ગોયલ

નવી દિલ્હી,  કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને ટેક્સ્ટાઇલ મંત્રી પિયુષ ગોયલે આજે કહ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે ઊભરી શકે છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન (એસજીએમએ) દ્વારા આયોજિત “જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શૉ-૨૦૨૧”ના ઉદઘાટન સમારોહ દરમ્યાન એક વીડિયો સંદેશમાં પિયુષ ગોયલે કહ્યું કે સરકારે નિકાસ પ્રોત્સાહન માટે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને ફોકસ એરિયા તરીકે જાહેર કર્યું છે.

“ડાયમંડ કટિંગ અને પૉલિશિંગમાં આપણે આપણી જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી છે, આપણે સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ડાયમંડ ટ્રેડિંગ હબ બની શકીએ છીએ”. જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ આ નાણાકીય વર્ષનાં પ્રથમ ૭ મહિનામાં ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં ૨૩.૬૨ અબજ ડૉલર હતી જે અગાઉના વર્ષના એ જ સમયગાળામાં ૧૧.૬૯ અબજ ડૉલર ( ૧૦૨.૦૯%) હતી.

“આપણા ઉત્પાદકો-વસ્તુ નિર્માતાઓની ચઢિયાતી ગુણવત્તાએ આપણને દુબઈ-યુએઈ, યુએસએ, રશિયા, સિંગાપોર, હાૅંગકાૅંગ અને લેટિન અમેરિકા જેવા બજારોમાં પેસવા સમર્થ બનાવ્યા છે”. પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકારે આ ક્ષેત્રની વૃદ્ધિ માટે રોકાણને ઉત્તેજન આપવા વિવિધ પગલાં લીધા છે,- ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ સુધારી, ગોલ્ડની આયાત ડ્યુટીમાં ઘટાડો અને ફરજિયાત હૉલમાર્કિંગ.

“વિશ્વમાં ડિઝાઇનિંગ અને હસ્તકલા માટે આપણી પાસે શ્રેષ્ઠ કારીગર-કસબી દળ છે, કારીગરોની સર્જનશીલતા અને યોજનાબદ્ધ કૌશલ્ય વિકાસને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે” એમ તેમણે જણાવતા ઉમેર્યું હતું કે, “હાલનાં બજારોમાં હાજરીને ગાઢ બનાવવા અને નવાં બજારોમાં વધુ વિસ્તરણ કરવા આપણે આપણી પ્રોડક્ટ્‌સને ગુણવત્તાનો માનદંડ બનાવવી જાેઇએ.”

ભારતના જેમ્સ અને જ્વેલરીને વિશ્વમાં અગ્રેસર ઉદ્યોગ બનાવવા ગોયલે ચાર મુદ્દા તૈયાર કર્યા હતાઃ
૧. આપણી વસ્તુઓની મૂલ્ય વૃદ્ધિ વધારવા અને આપના ઉત્પાદનને વધુ નફાકારક બનાવવા ડિઝાઇન (પેટન્ટેડ ડિઝાઇનનું સર્જન) પર ધ્યાન કેન્દ્રીત કરવું.

૨. નિકાસ પ્રોડક્ટ્‌સનું વૈવિધ્યઃ મોતી, ચાંદી, પ્લેટિનમ, સિન્થેટિક સ્ટૉન્સ, કૃત્રિમ હીરા, ફેશન જ્વેલરી, બિન-સોનાનાં ઝવેરાત ઇત્યાદિ જેવી પ્રોડક્ટ્‌સ પર ભાર.
૩. મિશ્ર-ફ્યુશન જ્વેલરીના ઉત્પાદનને વધારવા ખર્ચ અસરકારક પદ્ધતિઓ માટે અન્ય દેશો સાથે સહયોગ.

૪. લૅબ-ગ્રોન ડાયમંડને પ્રોત્સાહનઃ આ હીરા પર્યાવરણીય રીતે અનુકૂળ છે અને પરવડે એવા છે અને રોજગાર સર્જનની સાથે ભારતની નિકાસમાં યોગદાન આપશે. પિયુષ ગોયલે કહ્યું કે સુરત, કદાચ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને ૪૫૦થી વધારે સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો ધરાવે છે.

તેની પાસે વિશ્વનું જ્વેલરી ઉત્પાદન હબ બનવાની ક્ષમતા અને સંભાવના છે. “પ્રધાનમંત્રીના જન્મદિને સપ્ટેમ્બરમાં મેં ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી અને વિશ્વની સૌથી મોટી ઑફિસ બિલ્ડિંગ ઊભી કરવા કરાયેલાં પ્રયાસોથી હું પ્રભાવિત થયો હતો જે તમામ ડાયમંડ ટ્રેડિંગ પ્રવૃત્તિઓના હબ તરીકે કામ કરશે.

આ પ્રધાનમંત્રીની આર્ત્મનિભરતા અને તમારા આત્મવિશ્વાસનું ઉદાહરણ છે. આ એ હકીકતની સાબિતી છે કે જાે આપણે પૂરતી ઇચ્છા રાખીએ તો આપણે આપણી જાતે કંઇ પણ કરી શકીએ છીએ. જ્વેલર્સ આપણા રાષ્ટ્રના તાણામાં વણાયેલા છે. આપણા દેશમાં લોકો જ્યારે સોનું અને ઝવેરાત ખરીદે છે ત્યારે માત્ર નાણાં નથી ખર્ચતા પણ એમનાં જીવનની બચતનું રોકાણ કરે છે. જ્વેલર્સ આપણાં લોકોનાં વિશ્વાસ અને શ્રદ્ધાનાં સંગ્રાહક છે”.

મંત્રીએ કહ્યું કે એસજીએમએ, ૨૦૧૬માં એની શરૂઆતથી જ સુરતમાં જ્વેલરી ઉદ્યોગને સુધારવા અગ્રેસર છે. “તેમના ‘મેક ઇન સુરત કાર્યક્રમે તંદુરસ્ત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવા નવીનીકરણ સુગમ બનાવ્યું છે અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.”

ભારતનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સમગ્ર વિશ્વમાં એની મોહકતા અને ખર્ચ અસરકારકતા માટે જાણીતું છે એમ જણાવતા પિયુષ ગોયલે કહ્યું કે આ ક્ષેત્ર નૂતન ભારતની ભાવનાને સાકાર કરે છે, ભારતના કુલ જીડીપીમાં ૭% યોગદાન આપે છે અને ૫૦ લાખથી વધુ કામદારોને રોજગાર આપે છે. “ આપણા ઝવેરીઓ-જ્વેલર્સ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને ઝવેરાત બનાવવાની કલામાં પાવરધા છે અને ‘મેક ઇન ઇન્ડિયા’નું એને ઝળહળતું ઉદાહરણ બનાવ્યું છે”.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.