Western Times News

Gujarati News

“ઇ-શ્રમ” પોર્ટલ પર નોંધાયેલા શ્રમયોગીને ૧ વર્ષ માટે રૂ. ૨ લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે

પ્રતિકાત્મક તસવીર

અસંગઠિત શ્રેત્રના શ્રમયોગીઓ માટે ‘‘ઈ-શ્રમ” યોજના હેઠળ નોંધણી અંગે જરૂરી માર્ગદર્શન

રાજપીપલા,ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા તા.૨૬/૦૮/૨૦૨૧ના રોજ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે “ઇ-શ્રમ” પોર્ટલને લોન્ચ કરેલ છે. પહેલી વાર ૩૮ કરોડ જેટલા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા એક વ્યવસ્થાના ભાગરૂપે જેંમા અસંગઠિત તથા સ્થળાંતરિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવશે

એટલું જ નહિ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અમલી કરાઇ રહેલી વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓ અસંગઠિત શ્રમયોગીઓ સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થશે. e-shram.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે અસંગઠિત શ્રમયોગીઓએ આધાર કાર્ડ, આધાર સાથે લીંક મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેશે.

e-SHRAM પોર્ટલ ઉપર અસંગઠિત શ્રમયોગીઓનું રજીસ્ટ્રેશન ત્રણ રીતે થઇ શકે છે. (૧) સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે કે, સ્માર્ટ ફોન ઉપર જાતે (૨) કોમન સર્વિસ સેન્ટર તથા ઇ-ગ્રામ મારફત. (૩) ઇ-ગ્રામ કેન્દ્રો મારફત. આ પ્રમાણે નોંધણી કરાવતાં સ્થળ પર ઇ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણ મફત છે.

અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીત શ્રમયોગીઓ, ડોમેસ્ટીક વર્કર્સ, ખેત શ્રમયોગીઓ, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ, નાના દુકાનદારો, આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ, માછીમારો, પ્લાન્ટેશન વર્કર્સ, મિલ્ક મેન, મનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.

“ઇ-શ્રમ” પોર્ટલ પર નોંધાયેલા દરેક અસંગઠિત શ્રમયોગીને ૧ વર્ષ માટે રૂ. ૨ લાખનો અકસ્માત વીમો મંજૂર કરવામાં આવશે. જો ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કોઇ શ્રમયોગીને અકસ્માત થાય તો એને મૃત્યુ કે કાયમી વિકલાંગતાની સ્થિતિમાં રૂ. ૨ લાખ મળવા પાત્ર થશે અને અંશતઃ વિકલાગતાના કિસ્સામાં રૂ. ૧ લાખ મળશે અને. નોંધણી થયેથી શ્રમયોગીઓને ૧૨ અંકોના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) સાથેનું ઇ-શ્રમ કાર્ડ જારી થશે જે દેશભરમાં માન્ય ગણાશે.

e-SHRAM પોર્ટલ માટે શ્રમયોગીઓને લગતા પ્રશ્નો હલ કરવા માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ૧૪૪૩૪ અને ગુજરાત રાજ્ય માટે ફ્રી નંબર ૧૫૫૩૭૨ છે. આ કાર્ડ માટે ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમરના કોઇ પણ અસંગઠિત શ્રમયોગી નોંધણી કરાવી શકે છે, તેમ  સરકારી શ્રમ અધિકારીશ્રી, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.