Western Times News

Gujarati News

SBIએ ખેડૂતોને સહ-ધિરાણ માટે અદાણી કેપિટલ સાથે જોડાણ કર્યું

Files Photo

SBIએ દેશના ધિરાણથી વંચિત ખેડૂત સમુદાયને ધિરાણ પ્રદાન કરવા અદાણી કેપિટલ સાથે સમજૂતી કરી

મુંબઈ: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ કૃષિ કામગીરીમાં કાર્યદક્ષતા વધારવા અને પાકની ઉપજ વધારવા ટ્રેક્ટર અને કૃષિ ઉપકરણોની ખરીદી કરવા માટે ખેડૂતોને સહ-ધિરાણ આપતી અદાણી ગ્રૂપની એનબીએફસી કંપની અદાણી કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ (અદાણી કેપિટલ) સાથે માસ્ટર સમજૂતી કરી છે.

આ જોડાણ સાથે એસબીઆઈ પાકની ઉપજ વધારવા કૃષિ યાંત્રિકીકરણની સ્વીકાર્યતા માટે આતુર દેશના અંતરિયાળ વિસ્તારના ખેડૂત ગ્રાહકોને લક્ષ્યાંક બનાવવા સક્ષમ બનશે. એસબીઆઈ ખેડૂતોની આવક બમણી કરવા ધિરાણનો પ્રવાહ વધારવા સક્રિયપણે કૃષિ યાંત્રિકીકરણ, વેરહાઉસ સીસિપ્ટ ફાઇનાન્સ, કૃષિ ઉત્પાદક મંડળીઓ (એફપીઓ) વગેરેને ધિરાણ કરવા માટે વિવિધ એનબીએફસી સાથે સહ-ધિરાણની તકો ઝડપવા આતુર છે.

એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું હતું કે, “અમને સહ-ધિરાણ કાર્યક્રમ અંતર્ગત અદાણી કેપિટલ સાથે જોડાણ કરવાની ખુશી છે. આ જોડાણ એસબીઆઈને ગ્રાહકનો વર્ગ વધારવામાં તેમજ દેશના કૃષિ ક્ષેત્રમાં ધિરાણથી વંચિત ખેડૂત વર્ગ સાથે જોડાણ કરવામાં અને ભારતના કૃષિ અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રદાન કરવામાં મદદ મળશે. અમે અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ ગ્રાહકો સુધી પહોંચવા અને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા વધુ એનબીએફસી સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.”

અદાણી કેપિટલના એમડી અને સીઇઓ ગૌરવ ગુપ્તાએ કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ ભારતના સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકોને વાજબી ધોરણે ધિરાણ ઉપલબ્ધ કરાવવાનો છે. એસબીઆઈ સાથે અમારું જોડાણ બેંકના ધિરાણથી વંચિત/ઓછું ધિરાણ મેળવતા ભારતીય ખેડૂતોને લક્ષ્યાંક બનાવશે. આ જોડાણ મારફતે અમારો ઉદ્દેશ કૃષિ યાંત્રિકીકરણમાં પ્રદાન  કરવાનો તથા કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની ઉપજ અને આવક વધારવા ચાવીરૂપ ભૂમિકા ભજવવાનો છે.”

આરબીઆઈએ અર્થતંત્રના ધિરાણથી વંચિત અને ઓછું ધિરાણ ધરાવતા ક્ષેત્રોમાં ધિરાણનો પ્રવાહ વધારવા પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર માટે બેંકો અને એનબીએફસી માટે સહ-ધિરાણની યોજના પર તેમજ વાજબી ખર્ચે ઋણધારકોને ફંડ ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. સહ-ધિરાણના મોડલનો ઉદ્દેશ ઋણધારકને શ્રેષ્ઠ વ્યાજદર અને વધારે પહોંચ પ્રદાન કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.