Western Times News

Gujarati News

રસીના બંને ડોઝથી ઓમિક્રોનના ગંભીર લક્ષણ નહીં જોવા મળે

બેંગલુરુ, કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોને ભારતમાં દેખા દીધી છે. ચિંતાની વાત એ છે કે દેશમાં આ વાયરસથી સંક્રમિત એકમાત્ર ભારતીય એવા બેંગ્લોરના ડૉક્ટરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ સૂચવે છે કે ઓમિક્રોને હકીકતમાં આપણા દેશમાં ઘણા સમય પહેલા જ પ્રવેશ કર્યો હોવો જાેઈએ.

કદાચ જીનોમ સિક્વન્સિંગ દ્વારા તેની ઓળખ કરવામાં વિલંબ થયો હશે. અગાઉના તમામ પ્રકારોમાં કરતા વધુ ઝડપથી ફેલાતા ઓમિક્રોનના સંક્રમણને ટાળવાનો માર્ગ હાલમાં એક જ દેખાઈ રહ્યો છે, તે છે રસીના તમામ ડોઝ લેવા અને યોગ્ય માસ્ક સહિત અન્ય સાવચેતી રાખવી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આગ્રહ કર્યો છે કે નવા વેરિયન્ટ સામે લડવાની રીત એ જ જૂની છે જે અમે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. રોગ ગંભીર ન બને તે માટે રસીના તમામ ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, આપણે માસ્ક પહેરવાનું છે, તે પણ યોગ્ય રીતે. ભીડથી દૂર રહેવું, સામાજિક અંતર અને હેન્ડ સેનિટાઇઝેશન ચાલુ રાખવું પડશે.

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વીકે પૌલે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના આ નવા પડકાર પછી પણ રસીકરણ એ સૌથી મહત્વપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે રસી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમણે કહ્યું, ગભરાવાની જરૂર નથી. આપણે બધાએ જવાબદાર બનવાનું છે. અત્યારે વેરિયન્ટ્‌સ સંબંધિત નવી માહિતી બહાર આવી રહી છે અને આપણે બધા ઘણુ નવું નવું જાણી રહ્યા છીએ.

કર્ણાટકમાં જે ડૉક્ટરને ઓમિક્રોન વેરિયન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, અને જેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા તેઓ હાલમાં હોસ્પિટલમાં આઈસોલેશનમાં છે. અત્યાર સુધીમાં ડૉક્ટરના ૧૩ પ્રાથમિક સંપર્કો અને ૨૦૫ ગૌણ સંપર્કો શોધી કાઢવામાં આવ્યા છે.

બીજી તરફ ૬૬ વર્ષીય દક્ષિણ આફ્રિકાના નાગરિક કે જેમને ઓમિક્રોન ચેપની પુષ્ટિ થઈ છે તે દેશ છોડી ગયો છે. આ વ્યક્તિ ૨૦ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી બેંગ્લોર આવ્યો હતો, જે એટ રિસ્ક એટલે કે જાેખમમાં રહેલા દેશોમાં સામેલ છે. ત્યારબાદ તેને શહેરની હોસ્પિટલમાં આઇસોલેટ થવાનું કહેવામાં આવ્યું હતું. જાેકે તેના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગનું પરિણામ આવ્યું ત્યાં સુધીમાં તે વ્યક્તિ ૨૭ નવેમ્બરે દુબઈ જવા રવાના થઈ ગયો હતો.

હાલમાં સારી વાત એ છે કે દેશમાં મળી આવેલા ઓમિક્રોનના બંને દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જાેવા મળ્યા છે. આ બંનેએ રસીના બંને ડોઝ લીધા હતા. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જાેવા મળેલ કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ તમામ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે.

ઝડપી ફેલાવાના સંદર્ભમાં તે અન્ય વેરિયન્ટ કરતાં વધુ ચેપી લાગે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવો પ્રકાર સંભવતઃ ૫ ગણો વધુ ચેપી છે.

અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ્‌સમાં ઘણા બધા મ્યુટેશન જાેવા મળ્યા છે. તેના એમિનો એસિડમાં ૪૫ થી ૫૨ મ્યુટેશન છે, જ્યારે તેના સ્પાઇક પ્રોટીનમાં ૨૬-૩૨ મ્યુટેશન છે. વાયરસની અંદર રહેલ સ્પાઇક પ્રોટીન માનવ કોષોના સંપર્કમાં આવે છે અને તેના દ્વારા વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. ઓમિક્રોન વિશે સારા સમાચાર એ છે કે અત્યાર સુધી તેના દર્દીઓમાં હળવા લક્ષણો જાેવા મળ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે આ વેરિયન્ટ પર ચાંપતી નજર રાખી રહી છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ સહિત તમામ મુદ્દાઓ પર નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. ૨૬૪ લોકોની ઓળખ કરવામાં આવી છે જેઓ દક્ષિણ આફ્રિકાના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જેમાં ઓમિક્રોન ચેપની પુષ્ટિ થઈ છે. આમાંથી કોઈ પણ કોરોના પોઝિટિવ જણાયું નથી.

તેમજ ડૉક્ટરના કેસમાં કુલ ૨૧૮ સંપર્કો ટ્રેસ કરવામાં આવ્યા છે. તેમાંથી ૫ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જેમાં ૩ પ્રાથમિક સંપર્ક છે અને ૨ ગૌણ છે. ઓમિક્રોનના ૨ કેસ મળતા કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ શુક્રવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ, આરોગ્ય પ્રધાન અને કોવિડ ટેક્નિકલ સલાહકાર સમિતિના સભ્યો સાથે બેઠક કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.