Western Times News

Gujarati News

ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં ડૉક્ટર ઓમિક્રોનથી સંક્રમિત

બેંગ્લુરુ, સાઉથ આફ્રિકા અને ઓમિક્રોન ફેલાયેલા દેશોમાંથી ભારત આવતા પ્રવાસીઓની કોરોનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ બેંગ્લુરુમાં ૪૬ વર્ષના ડૉક્ટરની ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવા છતાં તેઓ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હવે તેઓ જે લોકોને મળ્યા તેમાંથી કોઈ ઓમિક્રોનથી સંક્રમિત હોવાની આશંકા પણ ઉભી થઈ છે.

સીધી કે આડકતરી રીતે આ ડૉક્ટરના સંપર્કમાં જે પાંચ લોકો આવ્યા છે તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે જેમાં તેમના પરિવારના બે સભ્યો અને તેમની સાથે નોકરી કરતા એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ડૉક્ટરના સંપર્કમાં આવીને કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓના સેમ્પલ લઈને તેઓ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

આ ડૉક્ટર બન્નેરઘટ્ટા રોડ પર આવેલી હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને તેઓ ૨૨ નવેમ્બરે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમનામાં ઠંડી લાગવાના અને શરીર તૂટવાના કોરોનાના લક્ષણો દેખાયા બાદ તેમની તપાસ કરવામાં આવી હતી. તેમના સ્વેબના સેમ્પલ જીનોમિક સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમની સીટી વેલ્યુ ૨૫ કરતા ઓછી આવી હતી. ગુરુવારે તેમના જીનોમિક સિક્વન્સ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

ડૉક્ટરે રસીના બન્ને ડોઝ લઈ લીધા છે અને તેમને કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેઓ હોમ આઈસોલેટ થયા હતા. તેમના ૧૩ સીધા સંપર્ક અને ૨૦૫ આડકતરી રીતે સંપક્રમાં આવેલા લોકોના સેમ્પલ લઈને તપાસમાં મોકલવામાં આવ્યા છે, આ સેમ્પલ જીનોમિક સિક્વન્સ માટે પણ મોકલવામાં આવ્યા છે.

આ ડૉક્ટરના પત્ની પણ ડૉક્ટર છે, અને તેમની ૧૩ વર્ષની દીકરી કોરોના પોઝિટિવ આવી છે જ્યારે ૬ વર્ષનો દીકરો નેગેટિવ આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેમના દીકરાની ફરીથી તપાસ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડૉક્ટરના સંપર્કમાં આવેલા તેમના સહકર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, આ સહકર્મીના પત્ની અને તેમના સસરા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

આમ ૪૬ વર્ષના ડૉક્ટરના સીધા કે આડકતરી રીતે સંપર્કમાં આવેલા ૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હવે આ લોકો નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે નહીં તે જીનોમિક સિક્વન્સના પરિણામમાં જાણવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.