Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ ઉપર ત્રણ દિવસમાં વિદેશથી આવેલાં ૨૨૦ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરાયા

અમદાવાદ, મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા વિદેશમાંથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પેસેન્જર્સના આરટી-પીસીઆર ટેસ્ટ કરાઇ રહ્યા છે. હેલ્થ વિભાગ દ્વારા ત્રણ દિવસમાં કુલ ૨૨૦ વિદેશી પેસેન્જર્સના ટેસ્ટ કરાયા હતા, જે પૈકી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યાનો તંત્રનો દાવો હતો.

આ ૨૨૦ પેસેન્જર્સ પૈકી હાઇ રિસ્ક દેશ અને હાઇ રિસ્ક સિવાયના દેશમાંથી પણ પેસેન્જર્સ આવ્યા હતા અને તેમના આરટી-પીસીઆર ટેસ્ટ પેસેન્જર્સને સાત દિવસ હોમક્વોરન્ટાઇન અને તે પછી ફરી ટેસ્ટ કરાવવાની તાકીદ કરાઇ હતી.

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પગલે વિશ્વભરમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થઇ છે, પરંતુ ગુજરાતના જામનગરમાં પણ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. નવસારીના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં પણ ઓમિક્રોનને લઇ તંત્રમાં ભારે તકેદારી જાેવા મળે છે.

અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનના પગલે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરાયુ છે, જાેકે ગઇકાલે યુકેથી આવેલી એક મહિલામાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ નજરે પડતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા ઓમિક્રોન વેરિઅન્ટને લઇ ગઇ કાલે રાતે મ્યુનિ. તંત્રમાં ભારે ચિંતા ફેલાઇ ગઇ હતી. યુકેથી આવેલી ફ્લાઇટની એક મહિલા પેસેન્જરનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા મ્યુનિ. સત્તાવાળાઓ હબક ખાઇ ગયા હતા. આ મહિલા પેસેન્જર અમદાવાદ કે અમદાવાદ આસપાસના વિસ્તારની નથી, પરંતુ વડોદરા સાથે સંકળાયેલી હોઇ તેમને કરમસદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

મહિલાનું જીનોમ સિક્વન્સિંગ સેમ્પલ લેવાયુ હોઇ તેને ગાંધીનગરની લેબમાં મોકલાવાયુ છે. ત્યાં સેમ્પલમાં ઘાતક વાઇરસ ઓમિક્રોનની હાજરી તપાસ કરાશે અને વધુ તપાસ માટે જીનોમ સીક્વન્સિંગના સેમ્પલને પુણેની લેબમાં પણ મોકલાવાશે.

મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ગઇકાલ સાંજ સુધીના રિપોર્ટમાં આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા, પરંતુ રાતે પોઝિટિવ કેસ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો ગાંધીનગર સાથેનો સંપર્ક વધી ગયો છે. ગાંધીનગરના આરોગ્ય વિભાગે મ્યુનિ. હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાકીદનું તેડુ મોકલાવતા આજે સવારે ત્યાં બેઠકનો ધમધમાટ શરૂ કરાયો છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન મહિલા દર્દીનો કેસ સંભાળશે

યુકેથી ગઇકાલે રાતે ફ્લાઇટમાં આવેલી એક મહિલાનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને કોરોનાગ્રસ્ત જાહેર કરાયા છે, પરંતુ હજુ સુધી તેઓ ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી છે, જાેકે આ મહિલા દર્દીનો કેસ વડોદરા મ્યુનિ. કોર્પોરેશન સંભાળશે.

મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન સામે તકેદારીના પગલારૂપે તમામ પેસેન્જર્સના ટેસ્ટ, ટ્રેસ અને ટ્રીટમેન્ટની ટી-ક્યુબ મેડિકલ મેથડ પર ભાર મુકાઇ રહ્યો છે એટલે જે પેસેન્જર્સના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે છે તેઓ પણ તંત્રના કડક ઓબ્ઝર્વેશન હેઠળ હોઇ તેમણે આઠમા દિવસે ફરી ટેસ્ટ કરાવવા પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.