Western Times News

Gujarati News

સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી પાવન બનેલા સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઇ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વને ભૂલીને સમષ્ટિના હિતની પરંપરા. લોકોના કલ્યાણની ભાવના.સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આજે સૌથી વધુ નિર્વ્યસની, સંસ્કારી અને સમૃદ્ધ છે, તેના મૂળમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યક્તિત્વ નિર્માણના સમાજ સંસ્કારની પરંપરા છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ રાજ્યની એક વેળાની રાજધાની એવા આ સરધારનગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સબંધ છે. ભગવાન સ્વામિનારાયણે સરધારની આ ભૂમિ પર પગલાં કર્યા અને દરબાર ગઢમાં ચાર્તુમાસ ગાળ્યો હતો.

રાજવીઓ- ગામ લોકોએ તેમનું સામૈયુ કર્યુ ત્યારે ભગવાન સ્વામિનારાયણે અહિં એક ભવ્ય મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરેલી તે આજે સાકાર થઇ છે. યોગાનુયોગ આ વર્ષ આઝાદીનું પણ અમૃત પર્વ- અમૃત મહોત્સવ વર્ષ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ચિંધેલા સંસ્કાર- શિક્ષણ-સદાચારના સિંચનનું કાર્ય કરીને આ મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે યુવા પેઢીમાં નેશન ફર્સ્‌ટનો ભાવ પણ પાર પાડી રહ્યું છે, તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુલ, છાત્રાલય, શાળા-કોલેજ, હોસ્પિટલ અને સાંસ્કૃતિક કેન્દ્રો સમા મંદિરોનું નિર્માણ કરી વ્યક્તિના સ્વાસ્થ્ય, શિક્ષણ સંસ્કાર સિંચનના અદભૂત કાર્યો કર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સદવિદ્યા પ્રવર્તન અને સર્વ જીવ હિતાવહ એવી સેવાપ્રવૃત્તિનો સંદેશો આપ્યો છે, તેની શ્રી ભૂપેન્દ્ર પટેલે છણાવટ કરી હતી.

સંપ્રદાયની સેવાને બીરદાવતા મુખ્યમંત્રીએ કહયું કે કોરોના મહામારી, ભૂકંપ, ટાઢ, પૂર-અતિવૃષ્ટિ જેવી તમામ આફતો જ્યારે જ્યારે પણ ગુજરાત પર ત્રાટકી ત્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને આભ જેવડો ટેકો મળ્યો છે.

ભગવાન સ્વામિનારાયણના આશિષથી ગુજરાતના ખૂણે ખૂણે વિકાસની લહેર આપણે લઇ જવી છે અને ગુજરાતના વિકાસ થકી ભારતને જગદગુરુ બનાવવું છે તેમ જણાવી સંતો અને હરિભક્તોના સહયોગથી “આર્ત્મનિભર ભારત”ના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ આપણે આર્ત્મનિભર ગુજરાતથી પૂર્ણ કરવો છે તેમ પણ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીએ હેલીકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા સી.ડી.એસ જનરલ શ્રી બીપીન રાવત અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય દિવંગતોને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. સૌએ ઉભા થઇને બે મીનીટનું મૌન પાળ્યું હતુ.

આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ધર્મ અને રાજકારણ બંને એક બીજા થી અળગા ક્યારેય ન હોય કારણ કે ધર્મ વગરનું રાજકારણ અનીતિ નોતરે છે. સામાજિક જીવનમાં જ્યારે પણ સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે નીતિવિષયક ર્નિણયો લેવાના થાય છે. આવા સમયે દેશ, રાજ્યોના લોકો માટે ર્નિણય લેતી વખતે ધર્મએ હંમેશા સત્યની દિશા દોરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે યુવાનો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે.

આ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવે છે. વ્યક્તિત્વ નિર્માણના પરિણામો પણ અહીંથી જ મળી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય દેશહિત અને લોકહિતની જવાબદારી ઉઠાવીને દેશ અને સમાજ નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. કોરોનો મહામારી વખતે મદદ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સદા અગ્રેસર હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.