Western Times News

Gujarati News

મ્યાનમારમાં સૈન્યએ ૫ બાળકો સહિત ૧૧ પ્રદર્શનકારીઓને જાહેરમાં સળગાવતા હોબાળો

સગાઈંગ, મ્યાનમારમાં લશ્કરે પાંચ બાળકો સહિત ૧૧ પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતાં સળગાવી દીધા હતાં. સગાઈંગ પ્રાંતના ડોન તાવ ગામમાં બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ એમેનેસ્ટી ઈન્ટરનેશનલ અને સંયુક્ત રાષ્ટ્રસંઘે માનવ અધિકાર બાબતે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.

મ્યાનમારમાં ફેબ્રુઆરી માસમાં લશ્કરી બળવો થયા બાદ સૈન્યએ ક્રૂરતાની હદ પાર કરી છે. પ્રદર્શનકારીઓ ઉપર અમાનૂષી અત્યાચાર થઈ રહ્યા છે. ક્યારેય પ્રદર્શનકારીઓના ટોળાં ઉપર ટ્રક ઘૂસાડીને લોકોને કચડી નાખવામાં આવે છે. તો ક્યારેય જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને ઠાર મારવામાં આવે છે.

ક્રૂરતાની હદ પાર કરતો બનાવ મ્યાંમારના સગાઈંગ પ્રાંતમાં બન્યો હતો. ડોન તાવ નામના ગામમાં સૈન્યના ક્રૂર સૈનિકો ત્રાટક્યા હતાં. ત્યાં સૈન્યનો વિરોધ કરી રહેલાં બાળકો સહિત ૧૧ લોકોને જીવતા સળગાવી દીધા હતાં. જીવતા સળગાવ્યા એ દરમિયાન સૈન્યએ તેમને ગોળીઓ પણ ધરબી હતી. તો કેટલાંક અગ્નિમાં તરફડતા તરફડતા ભડથું થઈ ગયાં હતાં.

આ ઘટનાથી આખાયા પ્રાંતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ ક્રૂર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. એ વીડિયો વાયરલ બન્યો ત્યાર બાદ એમેનેસ્ટી ઈન્ટરનેશનલે માનવ અધિકાર બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ લોકો પર થતાં અત્યાચારો બાબતે ગહેરી ચિંતા વ્યક્ત મ્યાંમારના સૈન્યને આવું કૃત્ય ન કરવાની તાકીદ કરી હતી.

હ્મુમન રાઈટ્‌સ વોચડોગે આવો બર્બર હુકમ આપનારા મ્યાંમારનાસૈન્ય અધિકારીઓ ઉપર યુએન પ્રતિબંધ મૂકે એવી માગણી પણ કરી હતી.

હ્મુમન રાઈટ્‌સ વોચડોગે તો એટલે સુધી દાવો કર્યો હતો કે હવે મ્યાંમારના મિલિટરી રાજમાં આવા બનાવો સામાન્ય થઈ પડયા છે, પરંતુ આ પહેલો બનાવ એવો છે કે જે કેમેરામાં કેદ થયો છે. ભારે હોબાળો થયો તે પછી લશ્કરે સત્તાવાર ટીવી ચેનલમાંથી આ ઘટનાનો ઈનકાર કર્યો હતો.

પણ સ્થાનિક લોકોએ સાક્ષી આપી હતી એ પ્રમાણે લશ્કરના ૫૦ જવાનોએ ગામને ધમરોળ્યું હતું અને લશ્કરની આણ વર્તાવી હતી. થોડાં દિવસ પહેલાં પ્રદર્શનકારીઓ ઉપર લશ્કરનો ટ્રક ફરી વળ્યો હતો, જેમાં ત્રણ લોકો કચડાઈને માર્યા ગયા હતા તેમજ અસંખ્ય લોકોને ઈજા પહોંચી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.