Western Times News

Gujarati News

ઘાટલોડીયાની યુવતીને લગ્નની લાલચ આપી ઓનલાઈન ગઠીયાએ સવા બે લાખ રૂપિયા ખંખેર્યા

Files Photo

પોતે કેનેડામાં ડોકટર હોવાની ઓળખ આપી યુવતીને ફસાવી

(પ્રતિનિધિ) અમદાવાદ, ઘાટલોડીયાની એક મહીલાએ લગ્ન કરવા માટે મેટ્રોમોનીયલ સાઈટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો જે પરથી માહીતી લઈ ગઠીયાએ પોતે કેનેડાના ડોકટરની ઓળખ આપીને આશરે સવાર બે લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હતી.

આ અંગેની વિગત એવી છે કે મેમનગર વિસ્તારની સોસાયટીમાં રહેતી પ્રિયંકા (કાલ્પનિક નામ) મુળ રાજસ્થાનની છે અને હાલમાં શહેરની એક પ્રતિષ્ઠિત હોસ્પીટલમાં ટેકનીશીયન તરીકે નોકરી કરે છે. ૪૧ વર્ષીય પ્રિયંકાના અગાઉ લગ્ન બાદ ડિવોર્સ થયા હોવાથી ફરી લગ્ન માટે તેણે પોતાની માહીતી શાદી ડોટ કોમ નામની વેબસાઈટ ઉપર મુકી હતી.

જેને આધારે કોઈ ગઠીયાએ વર્ષ ર૦ર૦ની નવરાત્રી દરમિયાન તેમને ફોન કરી પોતે કેનેડાથી ડો. દેવરાજ પટેલ બોલતા હોવાનું કહયું હતું અને હાલમાં પત્નીનું કેન્સરમાં અવસાન થતાં કેનેડા એકલા રહેતા હોવાનું જણાવ્યા બાદ પ્રિયંકાને વાતોમાં ફસાવી લગ્નની વાત કરી હતી ત્યારબાદ બંને ફોન ઉપર વાતો કરવા લાગ્યા હતા. ઓકટોબર ર૦ર૦માં દેવરાજે કુરીયરમાં ડોકયુમેન્ટ તથા ગિફટ મોકલાવી હોવાનું તથા રૂપિયાના કારણે કુરીયર અટકી ગયુ હોવાનું જણાવ્યું હતું બાદમાં અજાણ્યા શખ્શો કુરીયર કંપનીબોય તરીકે ફોન આવતા તેમણે ર૮,પ૦૦ રૂપિયા ભર્યા હતા.

આ દરમિયાન પણ બંને વચ્ચે વાતો થતી રહેતી હતી અને દેવરાજ નામના શખ્શે તેમની પાસેથી બે વખત ૯પ હજાર તથા એક વખત ૧૮,પ૦૦ રૂપિયા માંગતા પ્રિયંકાએ તેના જણાવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા જાેકે દેવરાજે વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખતા તેમણે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. બાદમાં તેમણે પોલીસ ફરીયાદ નોંધાવતા ઘાટલોડીયા પોલીસે હવે તેમણે જે એકાઉન્ટસમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેને આધારે ઓનલાઈન છેતરપીંડી કરી સવા બે લાખની રકમ ખંખેરનાર ગઠીયાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.