Western Times News

Gujarati News

હાર્દિક વિન્ડીઝ-શ્રીલંકા સામેની શ્રેણીઓ ગુમાવશે

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે એક ખરાબ સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યાને ટી૨૦ વર્લ્‌ડ કપ બાદથી જ પસંદગીકારોએ ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દીધો હતો. હાર્દિક પંડ્યાને ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી૨૦ સિરીઝમાં પણ તક મળી નહતી.

હાર્દિક પંડ્યા માટે મુસીબતો ઓછી થવાનું નામ જ લેતી નથી. હવે એપ્રિલમાં રમાનાર આઈપીએલ ૨૦૨૨ અગાઉ ક્રિકેટના મેદાન પર વાપસી કરવું હાર્દિક માટે શક્ય જાેવા મળી રહ્યું નથી. ભારત આગામી વર્ષે ૬થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી ઘર આંગણે વેસ્ટ ઈન્ડિઝ સાથે ૩ વનડે અને આટલી જ મેચોની ટી૨૦ સિરીઝ રમશે. ત્યારબાદ શ્રીલંકાની ટીમ ૨૫ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી ૨ ટેસ્ટ અને ૩ ટી૨૦ મેચોની સિરીઝ માટે ભારત આવશે.

હાર્દિક પંડ્યા માટે આ બંને સિરીઝમાં રમવું શક્ય બનશે નહીં. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે જાે હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી હોય તો એનસીએમાં પોતાની ફિટનેસ પર કામ કરવું પડશે. ત્યારબાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાને સાબિત કરવો પડશે. ઈનસાઈડસ્પોર્ટ્‌સના રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ) ને રિપોર્ટ કરવાનું કહ્યું છે.

હાર્દિક પંડ્યા પસંદગી માટે પોતાના નામ પર વિચારવાની જગ્યાએ નવા વર્ષમાં એનસીએમાં એક્સપર્ટ્‌સની નિગરાણીમાં પોતાની બોલિંગ ફિટનેસ પર કામ કરશે. આઈપીએલ ૨૦૨૨ ની હરાજી જાન્યુઆરીમાં થવાની છે અને હજુ પણ હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ છે. અત્રે જણાવવાનું કે આ વખતે આઈપીએલ ૨૦૨૨ સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પણ હાર્દિક પંડ્યાને રિટેન કર્યો નથી.

૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮(એશિયા કપ ૨૦૧૮ હાર્દિક પંડ્યા)ના એ ખરાબ દિવસને હાર્દિક ક્યારેય યાદ રાખવા માંગશે નહીં. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલુ હતી. પંડ્યા ટીમ માટે ૧૮મી ઓવર નાખી રહ્યો હતો અને અચાનક તે પીચ પર સૂઈ ગયો. હાર્દિક પંડ્યાની ઈજા એટલી ગંભીર હતી કે તેને સ્ટ્રેચર પર મેદાનથી બહાર લઈ જવાયો. ત્યારબાદ તે ઓવર રાયડુએ પૂરી કરી હતી. અચાનક મેદાનમાં આવું બનવાથી સન્નાટો છવાઈ ગયો હતો.

મેડિકલ ટીમ આવી અને તેને સ્ટ્રેચર પર સૂવાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. ત્યારબાદ મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું જેમાં કહેવાયું કે તેની પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ છે. હાર્દિક પંડ્યાને જે સમયે આ ઈજા થઈ ત્યાં સુધી એ ખબર નહતી કે આ ઈજા એટલી ગંભીર હશે કે તેની કરિયર પર આંચ આવી જશે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં સફળ સર્જરી થઈ. હાર્દિકે પોતાની એક તસવીર શેર કરતા કહ્યું કે તે જલદી ક્રિકેટ મેદાન પર વાપસી કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.