Western Times News

Gujarati News

ફ્રોઝન ફુડના જનક અને અલ કબીરના સંસ્થાપક ગુલામુદ્દીન એમ શેખનું નિધન

નવી દિલ્હી, ફ્રોઝન ફુડના જનક અને અલ કબીરના સંસ્થાપક ગુલામુદ્દીન એમ શેખનું અવસાન થયું છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એમ શેખ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને પરિવારજનોએ તેમના અવસાનની જાણકારી આપી હતી. 85 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું છે અને તેમને 2 દીકરાઓ અને 2 દીકરીઓ છે.

તેઓ વિશ્વમાં ફ્રોઝન ફુડના પ્રસાર માટે જાણીતા હતા. ગુલાબભાઈ તરીકે ઓળખાતા અલ કબીરના સંસ્થાપક પોતાની વિનમ્રતા અને ઈમાનદારી માટે પણ પ્રખ્યાત હતા. તેમણે 1979માં અલ કબીર સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતમાંથી મટન અને બીફની નિકાસ કરતી આ કંપનીનું નામ થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવ્યું હતું.

હકીકતે સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાયરલ થયો હતો કે, ‘એશિયાના સૌથી મોટા કતલખાનાનું નામ અલ કબીર છે. નામ પરથી એવું લાગશે કે કોઈ મુસ્લિમ હશે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, બધા જ 11 ડાયરેક્ટર બ્રાહ્મણ અને વાણીયા છે અને એમાંથી 9 ડાયરેક્ટર ગુજરાતી છે. આ કતલખાનામાં રોજની 1000 ગાયોની કતલ કરવામાં અને અલ કબીરનું લાયસન્સ અટલજીની સરકાર દ્વારા 40 ટકા સબસિડી સાથે આપવામાં આવ્યું હતું.’

જોકે, આ દાવાના ફેક્ટ ચેક દરમિયાન કંપનીની વેબસાઈટ પર તે સંપૂર્ણ મુસ્લિમ માલિકીની કંપની તરીકે વર્ણવવામાં આવી છે તેવું સામે આવ્યું હતું.

બાદમાં એવું સત્ય સામે આવ્યું હતું કે, તે કંપનીની સ્થાપના 1979માં ગુલામુદ્દીન મકબુલ શેખ અથવા ગુલામુદ્દીન એમ શેખે કરી હતી. જોકે બાદમાં ઘણાં લોકો પાછળથી કંપની ચલાવવા તેમના સાથે જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.