Western Times News

Gujarati News

૨૦૨૨થી ધોરણ ૬થી૧૦ના વિદ્યાર્થીને વૈદિક ગણિત ભણાવાશે

અમદાવાદ, રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૬થી૧૦માં વૈદિક ગણિતનો અભ્યાસ કરવવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદ થનારી ૨૦ હજાર સ્કૂલોમાં તબક્કાવાર અમલ કરવામાં આવશે. જ્યારે અન્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોએ સ્થાનિક પરિસ્થિતિના આધારે સ્વૈચ્છિક અમલ કરાવાનો રહેશે.

૨૦૨૨-૨૩માં ધોરણ ૬-૭ અને ૯માં અમલ કરાશે. જ્યારે ૨૦૨૩-૨૪માં ધોરણ ૮ અને ૧૦માં અમલ કરાવાનું આયોજન કરાવામાં આવશે. વૈદિક ગણતિને લઈને વિદ્યાર્થીઓને બ્રીજ કોર્સ પણ કરાવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં શિક્ષણમાં જણાવેલી ભારતીય જ્ઞાન પ્રણાલી અન્વયે ગુજરાત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય તે માટે સરકારે મહત્વનો ર્નિણય લીધો છે.

ભારતમાં પ્રાચીન સમયથી ગણિત ક્ષેત્રે ઘણું કાર્ય થતું આવ્યું છે. આ કાર્યમાં વૈદિક ગણિત આ વિષયનો વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બનાવામાં અને તેનું સરળીકરણ કરવામાં ઉપયોગી થાય છે. વૈદિક ગણિતનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં આ વિષય પરત્વેનો ઉત્સાહ, આનંદ અને આત્મવિશ્વાસ વધારી શકાય છે.

જેથી વૈદિક ગણિતનો પરિચય કરાવવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. દરમિયાન સરકારે વૈદિક ગણિતને અભ્યાસક્રમમાં સમાવવાનો ર્નિણય કર્યો છે.

જે મુજબ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત તબક્કાવાર પસંદ થનારી ૨૦ હજાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વૈદિક ગણિતનો ફરજિયાત અમલ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક ધોરણે અમલ કરવાનો રહેશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી વૈદિક ગણિતનું તબક્કાવાર અમલીકરણ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ૬-૭ અને ૯માં વૈદિક ગણિતનો અભ્યાસ શરૂ કરાવાશે. જ્યારે બીજા તબક્કામાં એટલે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ ૮ અને ૧૦માં વૈદિક ગણિત શીખવવાનું શરૂ કરાશે.

આમ, બે વર્ષમાં ૬-૧૦ સુધીના તમામ ધોરણમાં વૈદિક ગણિતનો અમલ શરૂ કરવાનું આયોજન કરાયું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રથમ તબક્કે ધોરણ ૭ અને ૯માં અને ત્યાર પછીના વર્ષોમાં જરૂરિયાત મુજબ અન્ય ધોરણોમાં પણ બ્રીજ કોર્સ શરૂ કરવાનો રહેશે. અભ્યાસક્રમ અંગેની જરૂરિયાત મુજબની તાલીમ શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા યોજવાની રહેશે.

ધોરણ ૬થી૮ માટેનું સાહિત્ય અને ધોરણ ૯ અને ૧૦ માટેનું સાહિત્ય ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. શાળાઓમાં વૈદિક ગણિત આધારિત વિશેષ દિવસની ઉજવણી, ક્વીઝ અને કોયડા ઉકેલ જેવી સ્પર્ધાઓ અને ગણિત પ્રદર્શન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાની રહેશે. વૈદિક ગણિત અંગેનું સાહિત્ય ગુજરાત રાજ્ય પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવશે.

શિક્ષણ વિદ ભાસ્કર પટેલે સ્થાનિક અખબારને જણાવ્યું કે, રાજ્યમાં ધોરણ ૧૧ બોર્ડની પ્રથા હતી ત્યારે ૩ ગણિત ભણાવાતા હતા. જેમાં અકગણિત, બીજ ગણિત અને ભૂમિતિનો સમાવેશ થતો હતો. ત્યારબાદ ધોરણ-૧૦ની પદ્ધતિ આવતા એક જ ગણિત રાખવામાં આવ્યું હતું. હવે ફરી ધોરણ ૧૦માં ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ એમ બે ગણિત આવ્યા છે. વૈદિક ગણિતની વાતો છેલ્લા ૧૦ વર્ષથી રાજ્યમાં ચાલે છે. ભારતના અન્ય રાજ્યોએ હજુ વૈદિક ગણિત દાખલ કર્યું હોય તેવું જાણમાં નથી. રાજ્યમાં વૈદિક ગણિત ફરજિયાત રાખવાના બદલે એક ઓપ્શનલ વિષય તરીકે મૂકી શકાય તેવું માનવું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.