Western Times News

Gujarati News

અત્યાર સુધીમાં ૮૦ જેટલા એમઓયુ પાંચમી કડીમાં ૧૬ એમઓયુ સાથે કુલ-૯૬ એમઓયુ થયા

ગાંધીનગર, આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતની પ્રગતિ તથા સફળતાને વિશ્વમાં ઉજાગર કરનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ જાન્યુઆરી ૧૦ થી ૧ર ર૦૨ર દરમ્યાન યોજાવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં ર૦૦૩થી શરૂ થયેલી આ વાયબ્રન્ટ સમિટે ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યુ છે.

વાયબ્રન્ટ સમિટની આગામી ૧૦મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના એમઓય કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ સોમવારે તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે પાંચમી કડીમાં ૧૬ એમઓયુ સંપન્ન થયા હતા.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ આ એમઓય સંબંધિત સૂચિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા.

આ સૂચિત રોકાણો માટેના જે એમઓયુ થયા છે તેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, વેસ્ટ-ટુ ઓઇલ પ્લાન્ટ ઉપરાંત પર્યાવરણ જાળવણીના નવતર અભિગમ સાથે વાયુ પ્રદૂષણ નિયંત્રીત કરવા અને વાયરસ, બેકટેરિયાના નિષ્ક્રિયકરણ માટે પેટન્ટેડ ઉપરકરણોના ઇન્સ્ટોલેશનના એમઓયુ મુખ્યત્વે રહ્યા છે.

વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના એમઓયુ પણ આ સોમવારે કરવામાં આવ્યા છે. આ હોટેલ પ્રોજેક્ટ વનબંધુ વિસ્તારના આદિજાતિ યુવાઓ માટે મોટા પાયે રોજગાર અવસર સર્જન કરશે. એટલું જ નહિ, સ્થાનિક સ્તરે સ્વરોજગારી પણ વિવિધ ગૃહ-હસ્તકલા ઉદ્યોગથી મળશે.

સોમવાર તા.ર૭મી ડિસેમ્બરે સંપન્ન થયેલી પ્રિ-વાયબ્રન્ટ એમઓયુની પાંચમી કડીમાં આ ઉપરાંત ૭૦ મેગાવોટના હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, જંતુનાશક ફોર્મ્યુલેશન પ્લાન્ટ, સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ રડારની સાધન-સમગ્રી ડિફેન્સના થર્મલ કેમેરા તેમજ ડિફેન્સની એસસરીઝ ઉત્પાદન સહિતના વિવિધ સૂચિત પ્રોજેકટ્‌સ માટે એમઓયુ થયા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે એમઓયુની દર સપ્તાહના પ્રથમ દિવસે યોજાતી શૃંખલામાં અત્યાર સુધી ચાર કડીમાં ૮૦ એમઓયુ થયા છે.

આ સોમવારે યોજાયેલી પાંચમી કડીમાં વધુ ૧૬ એમઓયુ મળી સમગ્રતયા ૯૬ જેટલા એમઓયુ પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે સંપન્ન થઇ ગયા છે. એમઓયુ એક્સચેન્જની આ પાંચમી કડીમાં રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ તથા એમઓયુકરનારા ઉદ્યોગકારો, રોકાણકારો સહભાગી થયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.