Western Times News

Gujarati News

આપે પેપર લીક બાબતે અવાજ ઉઠાવ્યો ત્યારે ઈશુદાન ગઢવી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા: કેજરીવાલ

નવીદિલ્હી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ આ પરીક્ષા પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, હેડ ક્લાર્કની પરીક્ષાનુ પેપર ફૂટી ગયું છે.

ત્યારબાદ આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે, જે પ્રિન્ટિંગ પ્રેસમાં આ પેપર છાપવામાં આવ્યા હતા, તેના કર્મચારી દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યુ હતું. પેપર ફૂટ્યું હોવાની કબૂલાત રાજ્ય સરકારના ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ પરીક્ષા રદ કરવામાં આવી.

આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનું રાજીનામુ લેવામાં આવે તેવી માગણી સાથે આમ આદમી પાર્ટીના નેતા ભાજપની પ્રદેશ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. તે સમયે ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા ઈશુદાન ગઢવી પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ઈશુદા ગઢવી નશાની હાલતમાં વિરોધ કરવા આવ્યા હતા અને તેમને મહિલાની છેડતી કરી હતી.

આ ઘટના બાદ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.ત્યારબાદ ઈશુદાન ગઢવીના સિવિલ હોસ્પિટલમાં લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિતના નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

૧૨માં દિવસે આ તમામ નેતાઓ બહાર આવ્યા ત્યારબાદ ઈશુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે ઈશુદાન ગઢવી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ઈશુદાન ગઢવીએ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે, આજ સુધીમાં મેં ક્યારેય દારૂ પીધો નથી.

તો રિપોર્ટ કઈ રીતે પોઝિટિવ આવે.ત્યારે હવે આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ એક્શનમાં આવ્યા છે. તેમને એક ટ્‌વીટ કરીને કહ્યું છે કે, ગુજરાતમાં વારંવાર પેપર લીક કરીને યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે આમ આદમી પાર્ટીએ આ બાબતે અવાજ ઉઠાવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા. ૨૭ વર્ષથી સત્તામાં બેસેલી ભાજપ યુવાનોને રોજગારી ન આપીને ગંદી રાજનીતિ કરી રહી છે.

ઈશુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને જણાવ્યું કે, ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે, મેં દારૂ નથી પીધો અને પીવાનો પણ નથી. મને ગોળી મારો તો પણ જનતા માટે મરી જવા હું તૈયાર છું.

ઈશુદાન ગઢવીએ એવું પણ જણાવ્યું હતું કે, પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવે તો બીજાે રિપોર્ટ પોઝિટિવ કઈ રીતે આવ્યો? ઘટનાના ૧૨ દિવસ પછી શા માટે આ રિપોર્ટ આવ્યો? આ ઉપરાંત ઘટનાના CCTV ફૂટેજ હજુ સુધી બહાર કેમ નથી આવ્યા? આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે જેલમાં હતા ત્યારે પીઆઇને કહ્યું હતું કે મને પ્રાઈવેટમાં રિપોર્ટ કરાવવા દો ત્યારે મને પીઆઇ દ્વારા પણ કહેવામાં આવ્યું કે, તમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ ઉપરાંત મારા લીગલ સેલ દ્વારા પણ મને કહેવામાં આવ્યું હતું કે, રિપોર્ટ નેગેટિવ છે. તો પછી આ રિપોર્ટ અત્યારે પોઝિટિવ કઈ રીતે આવી શકે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.