Western Times News

Gujarati News

કાંકરીયા ફ્રન્ટના મુખ્ય આકર્ષણ ટોય ટ્રેન અને બલુન પોણા બે વર્ષથી બંધ

૨૦૨૦ની સરખામણીએ કાંકરીયા ફ્રન્ટમાં સહેલાણીઓ અને આવકમાં ત્રણ ગણો વધારો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ૨૦૦૮ની સાલમાં ઐતિહાસિક કાંકરીયા તળાવનું રૂા.૩૮ કરોડના ખર્ચથી નવનિર્માણ કરવામાં આવ્યું છે. કાંકરીયા લેઈક ફ્રન્ટની જાળવણી થાય તે હેતુથી તત્કાલીન શાસકો દ્વારા “પ્રવેશ ફી” જાહેર કરવામાં આવી હતી.

જે હજી સુધી યથાવત છે. કાંકરીયા તળાવની કિલ્લેબંધી કર્યા બાદ તેના નવીનીકરણનો જેટલો લાભ મનપા અને નાગરીકોને થયો છે તેના કરતા વધુ લાભ કોન્ટ્રાક્ટરોને થઈ રહ્યો છે.

કાંકરીયા ફ્રન્ટ, કીડ્‌સ સીટી, ઝૂ તેમજ અન્ય એક્ટીવીટીની આવક તેનો નિભાવ ખર્ચ ખૂબ જ વધારે છે. કાંકરીયા ફ્રન્ટના મુખ્ય આકર્ષણ ટોય ટ્રેન અને બલુન બે વર્ષથી બંધ છે. જ્યારે અન્ય એક્ટીવીટીઝમાંથી મનપાને નહીંવત હિસ્સો મળી રહ્યો છે. કોરોનાકાળના કારણે ૨૦૨૦માં સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યારે ૨૦૨૧માં તેમાં સામાન્ય વધારો થયો છે.

ઐતિહાસિક કાંકરીયા તળાવમાં સહેલાણીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. જેનું મુખ્ય કારણ અટલ એક્સપ્રેસ છે. જે પોણા બે વર્ષથી બંધ છે. જ્યારે વાવાઝોડામાં બલુન તૂટી પડ્યા બાદ તેને ફરીથી શરૂ કરવાની દિશામાં વિચારણા થઈ નહતી. તેમજ બલુન બંધના સમયગાળામાં જ તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે. જાેકે, વહીવટીતંત્ર દ્વારા બલુનની જગ્યા પરત લેવામાં આવી નથી. ૨૦૨૧ના વર્ષમાં મનપાને બુલનપેટે રાતીપાઈની આવક થઈ નથી.

જ્યારે ૨૦૨૦ના વર્ષમાં બલુન પેટે કુલ આવક રૂા.૫૩૯૧૧ થઈ હતી. આ જ પરિસ્થિતિ ટોય ટ્રેનની પણ છે. ૨૦૨૦ના વર્ષમાં બે ટોયટ્રેનની કુલ આવક ૧૪૧૭૪૨ થઈ હતી. ૨૦૨૦માં કોરોના અને લોકડાઉનના કારણે ૧૬ માર્ચ ૨૦૨૦થી ૩૧ ઓક્ટોબર-૨૦૨૦ સુધી ટોયટ્રેન બંધ નહીં હતી. ત્યારબાદ રીપેરીંગના નામે તેને બંધ કરવામાં આવી છે. જેના કારણે ૨૦૨૧માં ટોયટ્રેનની આવક શૂન્ય છે. આવી જ પરિસ્થિતિ કીડ્‌સ સીટીની પણ છે.

કાંકરીયા પરિસરમાં તૈયાર કરવામાં આવેલા કીડ્‌સ સીટીમાં ૨૦૨૦ની સાલમાં ૭૨૯૦ અને ૨૦૨૧માં ૧૫૪૦૧ સહેલાણીઓ આવ્યા હતા. જે પેટે અનુક્રમે રૂા.૫૫૨૩૩૦ તથા રૂા.૧૧૪૯૦૯૦ આવક થઈ હતી. જેની સામે કીડ્‌સ સીટીના નિભાવ ખર્ચ પેટે ૨૦૧૮-૧૯માં રૂા.૪૪.૩૧ લાખ, ૨૦૧૯-૨૦માં ૫૦.૯૬ લાખ તથા ૨૦૨૦-૨૧માં રૂા.૩૬.૧૧ લાખનો ખર્ચ થયો હતો. ૨૦૨૦ના વર્ષની આવક માટે “કોરોના અને લોકડાઉન” જવાબદાર છે તે બાબત સર્વવિદિત છે.

મ્યુનિ.શાસકો દ્વારા સહેલાણીઓ માટે રેવન્યુ શેરીંગ સીસ્ટમથી વિવિધ એક્ટીવીટી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. ૨૦૨૦ની સાલમાં રીક્રીએશન પેટે કુલ રૂા.૭૩૧૦૫૬ તથા ૨૦૨૧માં રૂા.૧૧૪૧૩૫૪ની આવક થઈ હતી. મ્યુનિ.શાસકો દ્વારા લાદવામાં આવેલ પ્રવેશ ફીના કારણે તળાવની વ્યવસ્થિત જાળવણી થઈ શકી છે. તેમજ સહેલાણીઓનો ઘસારો પણ રહે છે. પરંતુ ૨૦૨૦માં લોકડાઉનના કારણે માત્ર ૮૯૩૨૨૮ મુલાકાતીઓ જ આવ્યા હતા.

જ્યારે ૨૦૨૧માં મુલાકાતીઓ અને આવકમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. ૨૦૨૦માં ટિકિટ ફી પેટે રૂા.૮૦૬૬૦૯૧ની આવક થઈ હતી. જેની સામે ૨૦૨૧માં રૂા.૨,૪૨,૫૪,૧૦૧ની આવક થઈ છે. જાેકે, કાંકરીયા પરિસરના નિભાવ પેટે દર વરસે કરોડો રૂપિયા ખર્ચ થાય છે. કાંકરીયા તળાવની જાળવણી માટે રૂા.૩.૪૪ કરોડ અને ૨૦૧૯-૨૦માં રૂા.૨.૪૮ કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે લાઈટબીલ પેટે ૨૦૧૮-૧૯માં રૂા.૫૦.૧૫ લાખ અને ૨૦૧૯-૨૦માં રૂા.૪૭.૧૯ લાખ ચૂકવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.