Western Times News

Gujarati News

મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ૧૫ ટકાનો વધારો

મુંબઈ, દેશમાં ફરી એકવાર ઝડપથી કોરોનાના નવા કેસમાં વધારો થવાનું શરુ થઈ ગયું છે. આજે સવારે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં ૩૭,૩૭૯ કેસ નોંધાયા છે અને તેમાં દિવસેને દિવસે વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આવામાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૫૬૮ કેસ છે.

મુંબઈમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતા હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થતા પાછલા ચાર દિવસની અંદર હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ૧૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલોમાં બેડ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, આ સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા પણ નોન-કોવિડ વોર્ડને કોવિડ વોર્ડમાં કન્વર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સોમવારે શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં ૫૭૪ દર્દીઓ દાખલ થયા હતા, આ પહેલા રવિવારે ૫૦૩, શનિવારે ૩૮૯ અને શુક્રવારે ૪૯૭ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કેટલીક હોસ્પિટલોમાં આઈસીયુવોર્ડમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેમાં ઘણાં ઓક્સિજન લેવલ ઓછું થવાના કારણ દાખલ થયા છે.

બીએમસીના સોમવારના આંકડા પ્રમાણે શહેરના કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ ૩૦,૫૬૫ બેડમાંથી ૩,૭૩૫ (૧૨.૨%) બેડ ભરાઈ ગયા છે. કુલ બેડમાંથી ૨,૭૨૦ આઈસીયુબેડ છે જેમાંથી ૧૪% ભરાઈ ગયા છે. શહેરમાં પાછલા બે અઠવાડિયાથી નવા કેસમાં ઉછાળો નોંધાયો છે, જેમાં પહેલી અને બીજી લહેર કરતા એકદમ અલગ કેસ જાેવા મળી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે સોમવારે ખાનગી હોસ્પિટલના ૫,૧૯૨ કોવિડ વોર્ડમાંથી ૮૩૮ (૧૬%) ભરાઈ ગયા છે અને તેમાંથી ૧૮૦ (૩%) ભરાયેલા બેડ આઈસીયુ છે. ગોરેગાંવમાં આવેલા નેસ્કો જમ્બો સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ૨૬ ડિસેમ્બરે ૭ દર્દીઓ દાખલ થયા હતા જે સંખ્યા સોમવારે લગભગ ૧૨૦ પર પહોંચી ગઈ હતી. હોસ્પિટલના ૧,૧૭૨ બેડમાંથી ૫૧૦ બેડ સોમવારે બપોર સુધીમાં ભરાઈ ગયા હતા.

હોસ્પિટલના ડીન ડૉ. નીલમ આંદ્રે જણાવે છે કે, તેઓ તમામ ૨,૭૩૮ બેડને ૧૦ જાન્યુઆરી સુધીમાં એક્ટિવેટ કરવા માટે હેલ્થકેર વર્કર્સની દરરોજ ભરતી કરી રહ્યા છે. આઈસીયુમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ૫ અઠવાડિયા પહેલા કરતા ભરતી વધીને ૨૦ થઈ છે, આઈસીયુના ૪૮ બેડમાંથી ૪૨% ભરાઈ ગયા છે.

ડૉ. આંદ્રેએ જણાવ્યું કે રવિવારે ૩ દર્દીઓ દાખલ થયા હતા જેની દૈનિક સંખ્યા રવિવારે ૬ થઈ ગઈ હતી. તેઓએ કહ્યું કે, દર્દીઓને ઓક્સિજનની જરુર પડે છે પરંતુ તેમને અન્ય કોઈ સપોર્ટ પર મૂકવાની જરુર ઉભી થઈ નથી. તેમણે એ પણ ઉમેર્યું કે, જે લોકોએ રસી નથી લીધી હોય કે પછી ગંભીર બીમારીઓથી પીડાતા હોય તેમને જ આઈસીયુબેડની જરુર પડે છે. આ સિવાય શહેરની અન્ય હોસ્પિટલોમાં પણ કોવિડ રિઝર્વ બેડમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.