Western Times News

Gujarati News

રેલ્વે વિભાગ પાસેથી મિલ્કતવેરાની વસુલાતમાં રાજકોટ ફાવી ગયુ: અમદાવાદના રૂા.ર૧ કરોડ બાકી

રેલ્વે વિભાગે માત્ર ૩૩ ટકા રકમ ચુકવવા તૈયારી દર્શાવી: સૂત્રો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલ્કતવેરાની બાકી વસુલાત માટે નાના વેપારીઓની મિલ્કતો સીલ કરવામાં આવે છે. દર વરસે ટેક્ષ ખાતા દ્વારા ખાસ સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે જેમાં ર૦ થી ૩૦ હજાર મિલ્કતો સીલ થાય છે પરંતુ સરકારી અને મોટા દેવાદારો સામે તંત્ર તરફથી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. શહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં કેન્દ્ર અને રાજય સરકારની મિલ્કતો છે.

જેના મિલ્કતવેરાની નિયમિત વસુલાત થતી નથી. કેન્દ્ર સરકારના કેટલાક વિભાગો દ્વારા થોડી-ઘણી રકમ પણ ભરપાઈ કરવામાં આવે છે. પરંતુ રેલ્વે વિભાગ દ્વારા મિલ્કતવેરા પેટે હજી સુધી રાતીપાઈ પણ જમા થઈ નથી, રેલ્વે પાસેથી મિલ્કતવેરા વસુલાતમાં “રાજકોટ” ફાવી ગયુ છે. જયારે અમદાવાદના શાસકો અને અધિકારીઓ હજી સુધી હવાતિયા જ મારી રહયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિ. રેવન્યુ કમીટીની દર પખવાડીએ થતી મીટીંગમાં જુના અને નવા લેણાની વસુલાત માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે જેમાં મહદ્‌ અંશે સફળતા પણ મળી છે.

પરંતુ કમીટી ચેરમેન હજી સુધી રેલ્વે પાસેથી રીકવરી કરી શકયા નથી. રેલ્વે વિભાગ પાસેથી મિલ્કતવેરા પેટે રૂા.ર૦.૮૮ કરોડની વસુલાત બાકી છે. જેના માટે છેલ્લા પાંચ વર્ષથી સતત મીટીંગો થઈ રહી છે. રેવન્યુ કમીટી ચેરમેને મિલ્કતવેરા વસુલાત માટે દિલ્હી સુધી પત્ર લખ્યા છે તથા મ્યુનિ. કોર્પોરેશનના જવાબદાર વિભાગોને રેલ્વેના પેમેન્ટ ન ચુકવા લેખિત સુચના પણ આપી છે, પરંતુ પરિણામ શૂન્ય છે.

નોંધનીય બાબત એ છે કે કમીટી ચેરમેનના પત્ર બાદ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા બ્રીજના કામનું સુપરવિઝન કરવા માટે રેલ્વે અધિકારીને રૂા.૧૬ લાખની મોંઘીદાટ નવી ગાડી ફાળવવામાં આવી છે, મ્યુનિ. શાસકોમાં સંકલનનો અભાવ હોવાના કારણે રેલ્વે પાસેથી રીકવરી થઈ શકતી નથી, જયારે રાજકોટ મનપાએ મિલ્કતવેરાની વસુલાત માટે રેલ્વે વિભાગ સાથે એગ્રીમેન્ટ પણ કરી લીધા છે તેમજ રેલ્વે દ્વારા નિયમ મુજબ પ૦ ટકા વેરો ભરપાઈ કરવા સમંતિ પણ આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મહાનુભવો રાજકોટના એગ્રીમેન્ટને ઢાલ બનાવીને ઉઘરાણી કરી રહયા છે. પરંતુ અમદાવાદ મનપાને માત્ર ૩૩ ટકા રકમ ચુકવવા જ રેલ્વે વિભાગે તૈયારી દર્શાવી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં રેલ્વે ખાતાની કુલ ૬૩૭ મિલ્કતો છે. જે પેટે કુલ રૂા.ર૦.૮૮ કરોડના વેરાની વસુલાત બાકી છે. મધ્યઝોનમાં માત્ર ૧૯ મિલ્કતો છે પરંતુ કાલુપુર રેલ્વે સ્ટેશનના કારણે મધ્યઝોનમાં જ બાકી વેરાની રકમ રૂા.૧૩.પ૪ કરોડ થાય છે.

જયારે ઉત્તરઝોનમાં રૂા.ર.૧ર કરોડ, દક્ષિણ ઝોનમાં રૂા.ર.૬૭ કરોડ તથા પશ્ચિમ ઝોનમાં રૂા.૧.૮૮ કરોડનો મિલ્કતવેરો બાકી છે. મિલ્કતવેરાના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ નળ, ગટર અને રોડ સહીતની તમામ સુવિધાનો રેલ્વે દ્વારા ઉપયોગ કરવામાં આવે તો ૧૦૦ ટકા વેરાની વસુલાત કરવાની થાય છે પરંતુ રેલ્વે વિભાગ તરફથી માત્ર ડ્રેનેજ નો જ ઉપયોગ થતો હોવાનો દાવો કરવામાં આવી રહયો છે તેથી ૩૩ ટકા રકમ ભરવા જ તૈયારી દર્શાવી છે. જયારે મ્યુનિ. કોર્પોરેશને ડ્રેનેજ, સફાઈ તથા બાહ્ય રોડના ઉપયોગની ગણતરી કરીને પ૦ ટકાની માંગણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.