Western Times News

Gujarati News

હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા દશેરા મહોત્સવની ઉજવણીમાં આશરે 50,000 ભક્તો ભાગ લેશે

સમગ્ર શહેરના આશરે 50,000 કરતા પણ વધુ ભાવિક ભક્તો ઉત્સવમાં ભાગ લેશે 

ઉત્સવમાં રામ દરબાર, સ્વર્ણ રથ, રામલીલા પર નૃત્ય નાટીકા અને અંતમાં રાવણ દહન કરવામાં આવશે.

અમદાવાદ,  હરે કૃષ્ણ મંદિર, ભાડજ કે જેણે ભક્તોમાં તેના અસ્તિત્વના 4 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં અતિશય લોકપ્રિયતા મેળવી છે, તેઓ દ્વારા 08 ઓક્ટોમ્બરના રોજ દશેરા મહોત્સવ માટે ખાસ ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે, ભક્તો માટે મંદિરમાં ઉત્કૃષ્ટ ફુલોની સુશોભન સાથેના વિશેષ રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. સાંજે 6:30 વાગ્યે મંદિરના દેવતાઓ માટે એક વિશેષ સ્વર્ણ રથની સવારી સાથે ઉજવણી શરૂ થશે. આ પછી જે. જી. ગ્રુપ ઓફ પર્ફોમિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા રામલીલા વિષયવસ્તુ પર નૃત્યની રજૂઆત કરવામાં આવશે. સમી સાંજે 60 ફુટ જેટલા ઉંચા દશ માથાવાળા રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પૂતળાનું ફટાકડા સાથે દહન કરવામાં આવશે જે અસત્ય પર સત્યની જીત દર્શાવે છે. આ મહાકાય પૂતળાનું નિર્માણ ઉત્તરપ્રદેશના ખાસ આવડત ધરાવતા કારીગરો દ્રારા કરવામાં આવી રહ્યું છે જેનુ પ્લાનિંગ છેલ્લા એક મહિનાથી થઈ રહ્યું છે. હરે કૃષ્ણ મંદિર, ભાડજ એ ફકત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટેનું કેન્દ્ર નથી પણ એક સજાગ કેન્દ્ર છે જે સમાજને આધ્યાત્મિક, ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ અને દાનવૃત્તિ ક્ષેત્રોમાં બહુવિધ લાભો પ્રદાન કરે છે.

એપ્રિલ 2015 માં તેની સ્થાપના થઈ ત્યારથી, મંદિર દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, દશેરા, પાટોત્સવ, શ્રી રામ નવમી, દિવાળી, ગોવર્ધન પૂજા, હોળી – ગૌર પૂર્ણિમા, ગીતા જયંતી વગેરે સહિતના તમામ મોટા  તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તથા તમામ પેઢીઓમાં તહેવારો અને તેમાં અનુસરવામાં આવતી પરંપરાઓને તેઓમાં પુન:જીવત કરીને રસ જગાવે છે. આ મંદિર સમાજના સર્વગ્રાહી વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.

આ પ્રસંગના અનુસંધાને, હરે કૃષ્ણ મૂવમેન્ટ અમદાવાદના પ્રમુખ, હીસ ગ્રેસ શ્રી જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતું કે, નવરાત્રિ ઉપવાસના 9 દિવસના અંતમાં આવતો દશેરા તહેવાર ભારતભરમાં ઉજવાતો મુખ્ય તહેવાર છે. ભગવાન શ્રી રામ દ્વારા રાક્ષસ રાવણનો કરવામાં આવેલ સંહાર તેમજ દેવી મા દુર્ગા દ્રારા મહિસાસુર રાક્ષસનો કરવામાં આવેલ સંહારની યાદગીરીરૂપે આ દિવસ ઉજવવામાં આવે છે.

તેથી મૂળભૂત રીતે આ દિવસ અનિષ્ટ પર ઈષ્ટની વિજયની ઉજવણી છે. આ ઉજવણીથી આપણે સમાજમાં નૈતિક મૂલ્યો વિકસાવવાના અને લોકો દ્વારા સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની પ્રશંસા કરે એવા પ્રયાસ કરીએ છીએ કે જેને આપણે અનુસરીએ છીએ. અમો દ્વારા અમારા ભક્તો માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવાનો પ્રયાસ છે જે થકી તેમને એક મંગલમય અનુભવ થાય અને જીવન દરમ્યાન સ્મરણ રહે, તેમને ફરી ફરી મંદિરમાં આવવા અને ભગવાન સાથે જોડાયેલા રહેવાના કારણો આપશે એવા અમારા પ્રયત્નો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “વૈદિક સંસ્કૃતિ અનુસાર મંદિરો સમાજમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને અનિવાર્ય ભૂમિકા ભજવે છે. મંદિરો માત્ર ભગવાનની ઉપાસના માટે જ મર્યાદિત નથી પરંતુ તે આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક ખાદ્ય (પ્રસાદ) નું વિતરણ કરવા સક્રિય છે. જો બધા મંદિરો આ જવાબદારીઓ લેશે તો આપણો સમાજ ફરીથી તેની ભવ્ય ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિને હાંસલ કરશે.”

હરે કૃષ્ણ મંદિર અન્ય તમામ મંદિરો માટે ઉદાહરણરૂપ બને છે કે કેવી રીતે મંદિર ભગવાનની સેવા માટે અને સાથે સાથે માનવજાત વિકાસ માટેની સંસ્થા છે. ઉત્સવના આખા દિવસ દરમ્યાન ભગવાન શ્રી રામસીતાનું ગુણગાન ગાતા ભજન અને કિર્તન ગાવવામાં આવશે અને મંદિરની મુલાકાત લેનાર હરકોઈ દર્શાનાર્થીને પ્રસાદનો લાભ પણ મળશે.

ક્રાર્યક્રમની વિગત
તારીખ અને દિન – 08 ઓક્ટોમ્બર, 2019, મંગળવાર
શુભ સ્થળ – હરેકૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, ભાડજ ગામ, અમદાવાદ.

ઉજવણીની રૂપરેખા

દર્શન સમય                        – સવારના 7.15  થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
સ્વર્ણ રથોત્સવ                   – સંધ્યાકાળે 6.30 કલાકે
શ્રીરામલીલા નૃત્યનાટક – સંધ્યાકાળે 7.00 કલાકે
રાવણ દહન                        – રાત્રીના 8.15 કલાકે
મહા મંગલા આરતી         – રાત્રીના 8.30 કલાકે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.