Western Times News

Gujarati News

વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુ સંદર્ભે વળતર-સહાયના નવા દરો નિયત કરાયા

નવીદિલ્હી, રાજયમાં આવેલ વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજય સરકારે નોધપાત્ર સુધારો કરી નવા દરો નિયત કર્યા છે.

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ/ઈજા તથા પશુ મૃત્યુના પ્રસંગોએ રાજય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના નવા દર મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ પહેલાં રૂ. ૪,૦૦,૦૦૦ની સહાય અપાતી હતી તે હવે રૂ. ૫,૦૦,૦૦૦ની સહાય ચૂકવાશે.

એ જ રીતે માનવ ઇજા સંદર્ભે ૪૦ ટકાથી ૬૦ ટકા અપંગતા હોય તેવા કિસ્સામાં રૂ. ૫૯,૧૦૦ને બદલે હવે રૂ. ૧,૦૦,૦૦૦ની સહાય અપાશે. ૬૦ ટકાથી વધુ અપંગતા હોય તો રૂ.૨,૦૦,૦૦૦ અને ૩ દિવસ થવા તેથી વધુ સમય ઇજા પામેલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલા સહાય આપવામાં આવતી નહોતી તેના બદલે હવે રૂ. ૧૦,૦૦૦ની સહાય ચૂકવાશે.

આ ઉપરાંત દૂધાળા પશુઓ માટે પણ  પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે જે અંતર્ગત ગાય/ભેંસ માટે  રૂ. ૩૦,૦૦૦ના બદલે હવે રૂ. ૫૦,૦૦૦ ઊંટ માટે રૂ. ૩૦,૦૦૦ના બદલે રૂ. ૪૦,૦૦૦, ઘેટાં/બકરા માટે રૂપિયા ૩,૦૦૦ના બદલે રૂપિયા ૫,૦૦૦/ની સહાય તથા બિન દૂધાળા પશુઓમાં ઊંટ ઘોડા/બળદ માટે રૂ. ૨૫,૦૦૦ તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી/ ગધેડો/પોની વગેરે માટે રૂ.૧૬,૦૦૦ના બદલે રૂ. ૨૦,૦૦૦ની સહાય ચૂકવાશે.

આ નવા દરોનો અમલ તા.૫મી જાન્યુઆરીથી કરાશે અને આ ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જાે કોઇ વળતર ચુકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચુકવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨માં દર્શાવેલ વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ / ઇજા તથા પશુ મૃત્યુ થયેલ હોય તેવા કિસ્સામાં આ વળતર ચુકવવાનું રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.