Western Times News

Gujarati News

મોદીની સુરક્ષામાં ચૂક મામલે ૧૮ કલાક બાદ FIR નોંધાઈ

ચંડીગઢ, પીએમ મોદીનો કાફલો બુધવારે પંજાબના મોગા-ફિરોઝપુર હાઈવે પર ફ્લાયઓવરમાં ફસાઈ ગયો હતો. પ્રદર્શનકારીઓના ટોળાએ પ્રધાનમંત્રીના કાફલાને રોક્યો હતો, પ્રધાનમંત્રી મોદીના કાફલાને ૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાવું પડ્યું. તેવામાં પીએમ જેવા મહત્વના વ્યક્તિની સુરક્ષામાં ખામી હોવાના મામલામાં આખરે ૧૮ કલાક બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર ૬ જાન્યુઆરીએ સવારે ૭.૪૦ વાગ્યે અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી હતી.

દેખાવકારોના એક જૂથે ૫ જાન્યુઆરીએ બપોરે ૧.૦૫ વાગ્યે રસ્તો બ્લોક કરી દીધો હતો. પીએમ ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા હુસૈનીવાલા ગામ જઈ રહ્યા હતા. આ રોડ જામ કેસમાં કાયદાની સાવ ચીલાચાલુ કલમો લગાવવામાં આવી છે.

જેમાં આઈપીસીની કલમ ૨૮૩ (જાહેર માર્ગમાં ખતરો અથવા અવરોધ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કિસ્સામાં દોષિતોને સજા તરીકે ૨૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ એફઆઈઆરમાં પીએમ મોદી ફસાયા હોવાનો કોઈ ઉલ્લેખ નથી.

પોલીસ અધિકારી બિરબલ સિંહની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું કે ૫ જાન્યુઆરીએ બપોરે ૨.૩૦ કલાકે તેઓ ફ્લાયઓવર પર પહોંચ્યા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેના દોઢ કલાક પહેલા જ પીએમ આ ફ્લાયઓવર પર ફસાયા બાદ ભટિંડા એરપોર્ટ પર પરત ફર્યા હતા. અને તેમણે પોતાના કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.

એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્સ્પેક્ટરને માહિતી મળી હતી કે મોગા-ફિરોઝપુર રોડ પર અજાણ્યા લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોના વિરોધના કારણે ભાજપની રેલી તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે વીઆઈપી સહિતની મૂવમેન્ટમાં બાધા ઉત્પન્ન થઈ હતી. કુલગારી પોલીસ સ્ટેશનના એસએચઓ બિરબલ સિંહે પોતાની ફરજ પૂરી કરી અને પોલીસ સ્ટેશન ગયા અને કેસ નોંધ્યો.

પંજાબ બીજેપી સેક્રેટરી સુખપાલ સિંહ સારાએ કહ્યું કે આ બાબત ખૂબ જ વિચિત્ર છે કે દેશના પીએમ બપોરે ૧.૦૫ વાગ્યે અટવાય જાય છે અને ફિરોઝપુર પોલીસને ૨.૩૦ વાગ્યે નાકાબંધી વિશે જાણ થાય છે. તો પછી એફઆઈઆર નોંધવામાં આટલો સમય કેમ લાગ્યો? પંજાબ સરકારે શુક્રવારે ગૃહ મંત્રાલયને સુરક્ષા ભંગ અંગે અહેવાલ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્ય પોલીસે એફઆઈઆર નોંધી છે અને આ મામલાની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમની મુલાકાતના એક દિવસ પહેલા, એમએચએને જાણ કરવામાં આવી હતી કે પંજાબ પોલીસે સુનિશ્ચિત કર્યું છે કે રસ્તો અવરોધિત ન થાય. ગૃહ મંત્રાલયના નાયબ સચિવ અર્ચના વર્માએ ભટિંડાના એસએસપી અજય માલુજાને કારણ બતાવો નોટિસ જારી કરીને શનિવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. તેમણે પૂછ્યું છે કે અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ), નિયમો, ૧૯૬૯ હેઠળ પીએમની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ક્ષતિઓ પર શા માટે કાર્યવાહી કરવામાં આવી ન હતી?

નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ૧ અને ૨ જાન્યુઆરીની મીટિંગમાં ઉઠાવવામાં આવેલી સુરક્ષાની ચિંતાઓને યોગ્ય રીતે સંબોધ્યા વિના રૂટ ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. નિયમ પુસ્તિકા અને સ્થાપિત પ્રક્રિયાઓ મુજબ, એસપીને વીવીઆપી મુલાકાતો દરમિયાન સુરક્ષા અને લોજિસ્ટિક્સ માટે પૂરતી વ્યવસ્થા કરવા અને સુરક્ષા દળોની પૂરતી સંખ્યામાં તૈનાત કરીને કટોકટીની યોજનાઓ બનાવવાનું ફરજિયાત છે.

એસએસપી મલુજાએ કહ્યું કે ભટિંડા પોલીસની ભૂમિકા જીડા ગામ સુધીની હતી અને તે દિવસે વિસ્તાર શાંતિપૂર્ણ હતો. ગૃહ મંત્રાલયની ત્રણ સભ્યોની ટીમે શુક્રવારે પંજાબમાં તેની તપાસ શરૂ કરી હતી.

કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેનાની આગેવાની હેઠળની ટીમે હુસૈનીવાલા, બીએસએફ સેક્ટર હેડક્વાર્ટર અને ભિસિયાણા એરપોર્ટ ખાતે શહીદ સ્મારકની મુલાકાત લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.