Western Times News

Gujarati News

મુંબઈ-દિલ્હી સહિત પાંચ શહેરોમાં ડ્રોનથી ડિલિવરી

નવી દિલ્હી, જાે તમે સ્વિગી કે ઝોમેટો પરથી ભોજન ઓર્ડર કરો અને થોડા સમય બાદ તમારી બારીએ ડ્રોન ટકોરા મારે તો ચોંકતા નહીં. ટૂંક સમયમાં જ આ વિચાર વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, તમે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પરથી સામાન ઓર્ડર કરશો તો તેને તમારા ઘરે પહોંચાડવા માટે પણ ડ્રોન આવી શકે છે. છેવાડાની જગ્યાઓ સુધી ડ્રોન વડે ડિલિવરી કરવા માટે કંપનીઓ પોતાના તરફથી સંપૂર્ણપણે તૈયારી કરી રહી છે.

લાસ્ટ માઈલ ડિલિવરી કંપની ઝેપ ઈલેક્ટ્રિકે ગત સપ્તાહે જણાવ્યું કે, તે ડ્રોન લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અત્યાર સુધી ઈલેક્ટ્રિક વ્હીકલ વડે ડિલિવરી કરી રહેલી કંપનીએ ડ્રોન વડે સામાન પહોંચાડવા માટે ટેસ્વા ડ્રોન્સ સાથે હાથ મિલાવ્યો છે. કંપની હાલ પહેલા ફેઝમાં માર્કેટમાં ૨૦૦ ડ્રોન ઉતારવા જઈ રહી છે. આ ડ્રોન હાલ દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં ડિલિવરી કરશે.

ઉલ્લેખનીય છે કે, ટેસ્વા ડ્રોન્સ ડિલિવરી કરવા માટેના ડ્રોન ડેવલપ કરે છે. કંપની પહેલેથી જ અનેક ડ્રોન તૈયાર કરી ચુકી છે જેને ખાસ રીતે ડિલિવરી માટે જ ડેવલપ કરવામાં આવેલા છે. કંપનીની વેબસાઈટ પર ડિલિવરી ડ્રોનના ૨ મોડલની જાણકારી આપવામાં આવેલી છે. પહેલું મોડલ મારુતી ૨.૦ છે જે ઓછા અંતરની ડિલિવરી (૪૦ કિમી રેન્જ) માટે છે. જ્યારે બીજું ડ્રોન એડરાનાની ડિલિવરી રેન્જ ૧૧૦ કિમી સુધીની છે. આ બંને મોડલ ૫ કિગ્રા સુધીનું વજન ઉંચકી શકે છે.

જેપ એલેક્ટ્રિકે જણાવ્યું કે, હાલ ડિલિવરીમાં જેટલા પણ ડ્રોન ઉતારવામાં આવી રહ્યા છે તે સૌમાં સ્માર્ટ લોકર હશે. ડિલિવરી મગાવનારા ગ્રાહકો પાસે એક ઓટીપી જશે જેને નાખીને સ્માર્ટ લોકર ખોલી શકાશે. તેના કારણે ડિલિવર થઈ રહેલા સામાનની સુરક્ષા સુનિશ્ચિત થશે. ડ્રોન વડે ડિલિવરી શરૂ થશે તો લોકોના સમયની પણ ભારે બચત થશે.

આ ડ્રોન ફક્ત રિમોટ લોકેશન જ નહીં પણ શહેરોના એપાર્ટમેન્ટમાં પણ ડિલિવરી આપશે. તે પોતાની જાતે લોકેશન ટ્રેક કરવાની ટેક્નોલોજીથી સજ્જ હશે. તે સિવાય ડિલિવરી ડ્રોનમાં રિમોટ-આઈડી અને ડિટેક્ટ એન્ડ અવોઈડ જેવી ન્યૂ એજ ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તે ડ્રોનને રસ્તામાં કોઈ ઉડતી વસ્તુ કે, કોઈ બિલ્ડિંગ વગેરે સાથે અથડાતાં બચાવશે. હાલ આ સુવિધા મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં શરૂ થશે. સાંકડી ગલીઓમાં ડ્રોન ઓપરેટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. મહોલ્લામાં ડ્રોન વડે ડિલિવરી કરવામાં સૌથી મોટી અડચણ તાર-કેબલની જાળ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.