Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં વધુ બે ખિલખિલાટ વાનનું લોકાર્પણ

સાંસદ સેવા કેન્દ્ર, નડિયાદથી કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ ખિલખિલાટ વાનનું લોકાર્પણ કર્યું

(માહિતી) નડિયાદ, ગુજરાત સરકાર અને જી.વી.કેઈ.એમ.આર.આઈના પી.પી.પી. ધોરણે ચાલતી ખિલખિલાટ વાનમાં આજરોજ બે નવી વાન ઉમેરાતા કુલ ૧૭ ખિલખિલાટ વાન માતાઓ અને બાળકોની સેવામાં ખેડા જિલ્લામાં કાર્યરત થશે. આજે લોકાર્પિત થયેલ બે નવી ખિલખિલાટ વાનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણ અને મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આજે નવી બે ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વાન હલધરવાસ અને કપડવંજના સી.એચ.સી કેન્દ્રો પરથી સેવાઓ આપશે એમ આજે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે સાંસદ સેવા કેન્દ્ર નડિયાદથી ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું.

વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધી ખેડા જિલ્લાના માતા અને બાળકોની સેવામાં ખિલખિલાટ વાન દ્વારા ૨,૩૪,૭૭૯ જેટલા લાભાર્થીઓને સેવા પુરી પાડવામાં આવી છે. ડીસેમ્બર-૨૦૨૧માં આ સેવાઓ લાભ અંદાજીત ૬૫૦૧ લાભાર્થીઓએ લીધો હતો. ખિલખિલાટ વાનની સેવાનો મુખ્ય ઉદેશ માતાઓ અને નવજાત શિશુઓને ગુણવત્તા યુક્ત સેવાઓ પુરી પાડવાનો છે.

જિલ્લાને જરૂરિયાત મુજબ સરકાર દ્વારા વખતોવખત ખિલખિલાટ વાનની સંખ્યા વધારવામાં આવે છે. જે સરકાર આપણી સતત ચિંતા કરતી હોય એ ફલિત થાય છે. આ સેવાઓ હાલમાં સરકારની સિવિલ હોસ્પિટલ નડિયાદ અને જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ છે.

આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ ખેડા જિલ્લાની જનતાને મળી રહયો છે. દરમ્યાન કોરોનાની સંભાવિત ત્રીજી લહેર સામે જનતાને વધુ જાગૃત રહેવાની અપીલ કરતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી અને મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈએ સંયુક્ત અપીલ કરતા જણાવ્યું હતું કે,

આપણે કોરોનાની અગાઉની પરિસ્થિતીમાં જે રીતે તંત્ર સાથે રહીને લડત આપી છે તે રીતે નવા સંભવિત પડકાર સામે સૌએ સરકારની નિયત ગાઈડલાઈનનું પાલન કરવું, માસ્ક પહેરીશુ, સોશ્યલ ડીસ્ટન્સ જાળવીશુ અને માનવજીવન સાચુ મુલ્ય સમજાવીશું, તંત્રને સહકાર આપશું આ ઉપરાંત કોરોનાને લીધે ઉપસ્થિત થનારી કોઈપણ પરિસ્થિતીને પહોચી વળવા જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓને વધુ સુદઢ બનાવી દેવાઈ છે.

આક્સિજનનો પર્યાપ્ત જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ છે. સમગ્ર ખેડા જિલ્લામાં છેવાડાના માનવીને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે તાલુકા કક્ષાએ સી.એચ.સી નડિયાદ અને ખેડા ખાતે સિવિલ હોસ્પિટલ તથા ડાકોર મુકામે આવેલ રેફરલ હોસ્પિટલને પણ અપગ્રેડ કરી અદ્યતન બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ કઠલાલ મુકામે પણ અદ્યતન સી.એચ.સી સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈ, અગ્રણીશ્રી જયંતભાઈ(બોસ્કી), ૧૦૮ સેવાના મેનેજરશ્રી સંદિપભાઈ ગઢવી સહીત અગ્રણી નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.