Western Times News

Gujarati News

બર્ગર બોય તરીકે કામ કરતા ઝાઓ વિશ્વના ટોચના ધનિક

બેઈજિંગ, બિટકોઇન ક્રિપ્ટોકરન્સીના કારણે દુનિયાના ઘણા લોકોનું નસીબ બદલાઈ ગયું છે. તેમાં એક વ્યક્તિ એવી છે જે અગાઉ મેકડોનલ્ડની રેસ્ટોરન્ટમાં બર્ગર બોય તરીકે કામ કરતી હતી, પરંતુ અત્યારે તેની સંપત્તિનું મૂલ્ય મુકેશ અંબાણીની મિલ્કતો કરતા પણ વધુ છે.

આ વ્યક્તિ છે ચાંગપેંગ ઝાઓ. તેઓ માત્ર સાડા ચાર વર્ષની અંદર ટોચના ધનિક બની ગયા છે. બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે તેમની નેટવર્થ એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કરતા વધુ છે.

ઝાઓ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બિનાન્સના સીઈઓ છે. તેમણે ૨૦૧૭માં તેની શરૂઆત કરી હતી અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવામાં તેમને માત્ર સાડા ચાર વર્ષનો સમય લાગ્યો છે. બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ પ્રમાણે ઝાઓની નેટવર્થ ૯૬ અબજ ડોલર છે જ્યારે અંબાણીની નેટવર્થ ૯૩.૩ અબજ ડોલર છે.

બ્લૂમબર્ગે સૌથી પહેલી વખત ૪૪ વર્ષના ઝાઓની નેટવર્થનો અંદાજ લગાવ્યો છે પરંતુ તેમની નેટવર્થ આ આંકડા કરતા અનેક ગણી વધારે હોઈ શકે છે. કારણ કે આ મિલ્કતમાં તેમના અંગત ક્રિપ્ટો હોલ્ડિંગનો સમાવેશ નથી કરાયો. તેઓ બિટકોઈન અને પોતાની કંપનીના ક્રિપ્ટો બિનાન્સ કોઈનમાં પણ તગડી હિસ્સેદારી ધરાવે છે.

ગયા વર્ષમાં બિનાન્સ કોઈનમાં ૧,૩૦૦% નો ઉછાળો આવ્યો હતો. પરંતુ તેમની પર્સનલ ક્રિપ્ટોકરન્સીના હોલ્ડિંગને પણ ગણતરીમાં લેવામાં આવે તો તેમની નેટવર્થ ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ગૂગલના સંસ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિન કરતા પણ વધારે હોઈ શકે છે. તેમની નેટવર્થ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્‌સની સમકક્ષ હોવાની શક્યતા છે. ગેટ્‌સ અત્યારે વિશ્વમાં ચોથા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની નેટવર્થ ૧૩૪ અબજ ડોલર છે.

ઝાઓ એટલા બધા અમીર છે કે આરબ શેખો પણ તેમની મહેમાનગતિ કરવા માટે દોટ મુકે છે. અબુ ધાબી ગ્રાં પ્રી વખતે આરબ શાહજાદા, મુવી સ્ટાર્સ અને વિશ્વભરની જાણીતી હસ્તિઓ યસ આઇલેન્ડ ખાતે એકઠી થાય છે. ગયા મહિને ઝાઓએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

ઝાઓનો જન્મ ચીનમાં થયો હતો, પરંતુ તેઓ કેનેડાના નાગરિક છે. તેમના પિતા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ વખતે તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.