Western Times News

Gujarati News

૯.૪૬ કરોડ ગુજરાતીઓએ વેક્સીન લઈને કોરોનાને હંફાવ્યો

(એજન્સી) અમદાવાદ, દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનું ૧ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતે વૈશ્વિક મહામારીને નાથવા રસીકરણ મહાઅભિયાનમાં કેવી ભૂમિકા નિભાવી તેના રસપ્રદ આંકડા જાહેર થયા છે. આ આંકડા પ્રમાણે દરેક ૧૦ ગુજરાતીમાંથી ૯ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે.

દેશમાં ૬૫ કરોડ લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. તો ૧૮ વર્ષથી ઉપરની ૯૭ ટકા વસ્તીને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઈ ગયો છે. રસીકરણના એક વર્ષમાં ગુજરાતમાં રસીના રોજ સરેરાશ ૨.૬૪ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યારે આ સરેરાશ ૧ લાખ ૭૬ હજાર આસપાસની છે. ગુજરાતમાં પુખ્ત વયના ૯૦%ને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે, પીએમ મોદીના જન્મદિવસે ગુજરાતમાં અને દેશમાં સૌથી વધુ રસીકરણ થયું હતું. જાે કે દેશમાં હજુ ૬૬% લોકોએ જ રસીનો પહેલો ડોઝ લીધો છે. રસી લેવામાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે છે.
કોરોના વેકસીનેશનની સફળતાને એક વર્ષ પૂર્ણ થયુ છે.

ગત વર્ષે ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વિરુદ્ધ વિશ્વનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન શરૂ થયુ હતું. એક વર્ષમાં ૧૫૬ કરોડ, ૭૬ લાખ, ૧૫ હજાર, ૪૫૪ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ શરૂ થયેલું વેક્સીનેશનમાં સૌ પ્રથમ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની શરૂઆત કરાઈ હતી. તે સમયે ભારત પાસે એક સાથે બે વેક્સીન ઉપલબ્ધ થઈ હતી.

કોરોના સામે રક્ષણ મળે એ હેતુથી કોવિશિલ્ડ અને કોવેકસીનના ડોઝ ભારતભરમાં યુદ્ધના ધોરણે આપવાની શરૂઆત કરાઈ હતી. કોરોના વોરિયર્સ બાદ, કો-મોરબીડ સિનિયર સિટીઝન ત્યારબાદ ૪૫ થી વધુ વયના અને એ પછી ૧૮ વર્ષથી ઉપરના તમામને કોરોના વેક્સીનનો ડોઝ અપાયો હતો.

૩ જાન્યુઆરીથી દેશભરમાં ૧૫ થી ૧૮ વયના તરુણોને પણ વેક્સીનનો ડોઝ આપવાની શરૂઆત થઈ છે. ૧૦ જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રિકોશન એટલે કે બુસ્ટર ડોઝ દેશભરમાં આપવાની શરૂઆત થઈ છે.

ભારતની સફળ વેક્સીન આજે વિશ્વના અનેક દેશોમાં સપ્લાય કરાઈ રહી છે. આજ દિન સુધીમાં દેશભરમાં કોરોના વેક્સીનના ૧૫૮ કરોડ, ૧ લાખ, ૪૬ હજાર, ૧૫ ડોઝ સપ્લાય કરાયા છે. દેશભરમાં અલગ અલગ રાજ્યો પાસે ૧૪ કરોડ, ૧૩ લાખ, ૪૪ હજાર, ૬૪૧ ડોઝ ઉપલબ્ધ છે.

કોરોનાની વેકસીન બાદ દેશભરમાં મૃત્યુદર પર લગામ લાગ્યો છે. કોરોના થવા છતાં મહત્તમ દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર નથી પડી રહી. બીજી લહેરમાં અનેક દર્દીઓને ઓક્સિજનની ઘટ અનુભવાતી હતી, એ સમસ્યાથી મુક્તિ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.