Western Times News

Gujarati News

બનાસકાંઠામાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતઃ પાંચનાં મોત

લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા

(એજન્સી)બનાસકાંઠા, બનાસકાંઠામાં રવિવારની વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમા પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ધાનેરાથી થરાદ જતા હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ૫ લોકોના મોત નિપજ્યા છે.

ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. એક સાથે પાંચ લોકોના મોત થતા ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. આજે વધુ એક અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, મોડી રાત્રે ધાનેરાથી થરાદ તરફ જતા પાવડાસણ ગામ પાસે ટ્રક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકોના કરૂણ મોત થયા.

લાખણી તાલુકાના ભાકડીયાલ તેમજ જડિયાળ ગામના વતની ધાનેરાથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના અંધકારમાં ટ્રેક્ટર ન દેખાતા અલ્ટો કાર ટ્રેક્ટરના ટ્રોલી પાછળ ઘૂસી હતી. પૂર ઝડપે સર્જાયેલા અકસ્માતમાં અલ્ટો કારમાં બેસેલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પાંચ લોકોના મોત થયા છે.

તમામ મૃતદેહોને ધાનેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકો પૈકી ત્રણ પુરૂષ જ્યારે બે બાળકોના મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોત થતાં ઠાકોર સમાજમાં માતમનો માહોલ ફેલાયો છે.

કાંકરેજ તાલુકાના બારીયા ચામુંડા માતાજીના મંદિર આગળ થરા-ખારીયા હાઈવે પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલકનું મોત થયું હતું. આ ઉપરાંત હિંમતનગરમાં શારદાકુંજ સોસાયટી નજીક બીજી એક અકસ્માતની ઘટનામાં બાઈક સ્લીપ થતાં યુવકનું મોત થયું હતું.

મૃતકોમાં ગેમરજી ઠાકોર, ૫૫ વર્ષ, રમેશભાઈ ઠાકોર ૩૫ વર્ષ, અશોકભાઈ ઠાકોર ૩૦ વર્ષ, ટીપું ઠાકોર ૭ વર્ષ અને શૈલેષ ઠાકોર ૨ વર્ષનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.