Western Times News

Gujarati News

સલાબતપુરા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલાઈ ગયો

સુરત, શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના PI સહિત આખા સ્ટાફની સામુહિક બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે રવિવારે સાંજે સલાબતપુરા પોલીસ સ્ટેશનના આખા સ્ટાફ બદલીનો હુકમ કર્યો હતો.

જેમાં બે વર્ષથી સલાબતપુરાના પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા પીઆઈ એમ.વી.કીકાણી, ૧૧ પીએસઆઈ તથા એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એલઆર મળીને ૧૦૪ પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દીધી હતી.

સાથે જ બદનામ પોલીસ સ્ટેશનોનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયતના ભાગરૂપે પણ આખેઆખો સ્ટાફ બદલાયો હોય તેવી પણ ચર્ચા છે. પ્રાપ્ત માહતી અનુસાર કોરોના લોકડાઉનમાં ૭ યુવકોને ખોટી રીતે માર મારવાના મુદ્દે પણ સલાબતપુરા પોલીસ વિવાદમાં આવી હતી. આ મામલે હાઈકોર્ટમાં પોલીસે ખોટી રીતે માર માર્યો હોવાની ફરિયાદ થઈ હતી.

કોર્ટમાં માત્ર એક પ્રતિવાદીને ત્રણ વાર મહેતલ અપાઈ છતાંય જવાબ રજૂ કર્યો નહોતો. જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને સલાબતપુરાના ૪ પોલીસકર્મીને ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે આ તવાઈ આવી હોવાની પોલીસ બેડામાં જ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કાપડ માર્કેટમાં છેતરપિડીના બનાવો વધી જવા સાથે વેપારી સંગઠનોની ફરિયાદોના અનુસંધાને પોલીસ કમિશનરે ૧૦૪ પોલીસકર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચી ગયો છે. શહેર પોલીસના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એક પોલીસ સ્ટેશનમાં ટોપ ટુ બોટમ આખા સ્ટાફની બદલી કરી દેવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે, સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ટેક્સટાઈલ માર્કેટ વિસ્તાર આવેલો છે.

મીડિયા અહેવાલો અનુસાર કાપડ માર્કેટમાં ચીટર વેપારીઓના ઉઠમણાં અને ઘોડા બેસાડતી ટોળકીનું ન્યુસન્સ છે. તેમાય છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં ચીટિંગના બનાવો વધ્યા હતા. જેથી વિવિધ વેપારી સંગઠનોએ પણ સ્થાનિક પોલીસની કામગીરી અંગે પોલીસ કમિશનરને વ્યાપક ફરિયાદો કરી હતી.

જેથી કદાચ તે બાબતોને પણ ધ્યાનમાં લઈને સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફને બદલી નાંખવાનો ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો હોઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.