Western Times News

Gujarati News

અસમ-મેઘાલય સીમા વિવાદઃ સમાધાન માટે ૬ વિસ્તારોની ઓળખ કરાઇ

ગોવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામ-મેઘાલય સરહદ વિવાદ મુદ્દે તમામ પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યના કોઇનાધારા સ્ટેટ ગેસ્ટ હાઉસમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત આસામના મંત્રીઓ રનોજ પેગુ અને અશોક સિંઘલ અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવબ્રત સૈકિયા સહિત અન્ય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું છે કે વાતચીત દરમિયાન તમામ પક્ષોના પ્રતિનિધિઓને આ દિશામાં થયેલી પ્રગતિની જાણકારી આપવામાં આવી છે.આ બેઠક પછી આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પોતે ટ્‌વીટ કર્યું હતું કે ‘આસામ-મેઘાલય સરહદ વિવાદને ઉકેલવાના અમારા પ્રયાસો ફળ આપવા લાગ્યા છે. સંઘર્ષના ૧૨માંથી ૬ વિસ્તારોને ઉકેલ માટે ઓળખવામાં આવ્યા છે; અંતિમ સમાધાન માટે જે વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે તેમાં હાહિમ, ગીજાંગ, તારાબારી, બોકાલાપરા, ખાનપારા- પિલિંગ્કાટા અને રતાર્ચેરાનો સમાવેશ થાય છે.

સીએમના જણાવ્યા અનુસાર, ‘બંને રાજ્યોના પ્રતિનિધિઓ ધરાવતી ૩ પ્રાદેશિક સમિતિઓની ભલામણોના આધારે, સૌહાર્દપૂર્ણ ઉકેલ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.’ મુખ્યમંત્રીએ કહ્યું છે કે ‘આ મામલે મુખ્યમંત્રી સ્તરે અનેક રાઉન્ડની વાતચીત બાદ અમે આ સ્થિતિમાં પહોંચ્યા છીએ.’ આજની બેઠકમાં ઘણા ધારાસભ્યો, રાજ્યના મુખ્ય સચિવ જિષ્ણુ બરુઆ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

ગયા મહિને બંને મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી. આસામ અને મેઘાલય વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના સમાધાન માટે, બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ ગયા વર્ષે ૨૩ ડિસેમ્બરે તેમની છેલ્લી વાતચીત કરી હતી, જેમાં વિવાદના ૧૨માંથી પ્રથમ ૬ વિસ્તારોને ઉકેલવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે મેઘાલયની રચના ૧૯૭૨માં થઈ હતી અને ત્યારથી બંને રાજ્યો વચ્ચે ૮૮૫ કિલોમીટર લાંબી આંતરરાજ્ય સરહદ પર ૧૨ જગ્યાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. રાહતની વાત એ છે કે આ પૈકી ૬ જગ્યાએ મતભેદો ઉકેલવા તરફ આગળ વધી રહ્યા હોવાનું જણાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.