Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ૮૦ ટકા જેટલા ઓમિક્રોનના

અમદાવાદ, રાજ્યમાં ગઈકાલે કોરોનાના ૧૭ હજારથી વધુ રેકોર્ડબ્રેક કેસો નોંધાયા બાદ રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી કોવિડ ટાસ્ક ફોર્સમાં સામેલ એક્સપર્ટ ડૉક્ટર્સે ઓમિક્રોનને સામાન્ય તાવ ના સમજવા ચેતવણી આપી છે. આ ઉપરાંત, રાજ્યમાં હાલ જે પણ નવા કેસ નોંધાઈ રહ્યા છે તેમાના ૭૦ ટકાથી વધારે ઓમિક્રોનના કેસ છે તેવું પણ ટાસ્ક ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જાેકે, ઓમિક્રોન વધારે ઘાતક નથી, પરંતુ જે લોકો કોમોર્બિડિટી ધરાવે છે તેમણે ખાસ ધ્યાન રાખવું જાેઈએ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ડૉ. સુધીર શાહે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે વેક્સિનેશન, માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ મુખ્ય હથિયાર છે.

તેમણે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયંટ ફેફસાંને વધારે ડેમેજ કરતો હતો, તેની અસરથી નાની ઉંમરના લોકો પણ બાકાત નહોતા રહી શક્યા. જેની સરખામણીએ ઓમિક્રોન ફેફસાંને ઓછું ડેમેજ કરે છે. હાલ હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ માંડ બે ટકા જેટલું છે, પરંતુ જાે કેસોનો આંકડો લાખોમાં પહોંચી ગયો તો હોસ્પિટલો પર ભારણ વધી શકે છે.

ડૉ. અતુલ પટેલના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના દર્દીમાં પણ લૉ રિસ્ક અને હાઈ રિસ્ક એમ બે કેટેગરીનો સમાવેશ થાય છે. જેમાં લૉ રિસ્ક દર્દીઓને માત્ર મોનિટર અને સિમ્પ્ટોમેટિક સપોર્ટિવ કેરની જરુર છે, જ્યારે વધુ ઉંમર તેમજ કોમોર્બિડિટી ધરાવતા હાઈ રિસ્ક પેશન્ટ્‌સના ફેફસાં પર ઓમિક્રોન અસર કરી શકે છે.

આ સ્થિતિમાં તેમને એડમિટ કરવા પડી શકે છે. જાે આવા દર્દીને રેમડેસિવિયર આપવામાં આવે તો ૮૯ ટકા દર્દીને આઈસીયુમાં એડમિટ નહીં કરવા પડે. તેમણે બીજી વેવની માફક મ્યૂકરમાઈકોસિસના કેસ ફરી ના વધે તે સુનિશ્ચિત કરવું મહત્વનું હોવાનું પણ કહ્યું હતું. ટાસ્ક ફોર્સના સભ્ય દિલિપ માવળંકરના જણાવ્યા અનુસાર, કોરોનાની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન થાય તે જરુરી છે.

લોકો કારણ વિના ઘરની બહાર નીકળવાનું ટાળે. તેમણે એમ પણ કહ્યું હતું કે જાે કોઈ નવો વેરિયંટ ના સર્જાયો તો કદાચ આ મહિનામાં જ કેસોની સંખ્યા ઘટી જશે. ડાયબેટોલોજિસ્ટ ડૉ. વી.એન. શાહે જણાવ્યું હતું કે ઓમિક્રોનને સામાન્ય તાવ સમજવાની ભૂલ ના કરવી જાેઈએ. લાખો બાળકોને હજુય કોઈ વેક્સિન નથી મળી, જેથી આપણે સાવધાની રાખવાની જરુર છે. હાલ ચાલી રહેલી ત્રીજી લહેરની પીક જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આવી શકે છે. ઓમિક્રોનના લક્ષણોની વાત કરતાં ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, નાક બંધ થઈ જવું, તાવ, શરદી તેમજ ઉધરસ તેના મુખ્ય લક્ષણ છે.

ઘણા દર્દીને ગળામાં અસહ્ય દુઃખાવો પણ થાય છે. પરંતુ ગભરાવવાની જરુર નથી. ત્રણ-ચાર દિવસમાં જ દર્દીની તબિયતમાં સુધારો આવી જાય છે. જાેકે, ગળામાં દુઃખાવાના કારણે ક્યારેક દર્દી ડરી જાય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજની પ્રેસ કોન્ફરન્સમાં લોકોને સામાજિક મેળાવડા ટાળવા તેમજ તે સિવાય પણ ટોળામાં ભેગા ના થવા અને જરુર ના હોય તો ટેસ્ટ ના કરાવવા માટે અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, લોકો જાતે પણ ટેસ્ટ કરી રહ્યા છે, જાે તેમણે સરકારને આ અંગે જાણ ના કરી તો તેમનો આંકડો રેકોર્ડ પર નહીં લાવી શકાય. સરકારે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પણ તમામ તૈયારી કરી લીધી છે, સાથે જ સરકારને આશા છે કે સ્થિતિ એટલી પણ નહીં વણસે કે ઓક્સિજન બેડની તંગી ઉભી થાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.