Western Times News

Gujarati News

શહેર ક્રાઈમબ્રાંચે વર્ષમાં કુલ ૯૦૦થી વધુ આરોપીઓને ઝડપી લીધા

ર૦૭ કિલોથી વધુ ગાંજો અને પ૦ પિસ્તોલો પણ જપ્ત: ર૦૩ વાહનો રીકવર
આઈએસઆઈનું કારસ્તાન ખુલ્લુ પાડ્યુ: નિકોલમાંથી ડ્રગ બનાવતી મીની લેબ પકડાઈ

(સારથી એમ. સાગર) અમદાવાદ, અમદાવાદ શહેરનો વ્યાપ વધવાની સાથે સાથે ગુનાખોરીનો આંક પણ વધી રહયો છે. ખાસ કરીને યુવાપેઢીને ડ્રગ્સના રવાડે ચડાવવાનો વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહયું છે જેનો પર્દાફાશ કરી શહેરમાંથી ડ્રગ્સ પેડલરોને ઝડપવાની કામગીરી અસરકારક રીતે કરવામાં આવી રહી છે. શહેરમાંથી હથિયારો સાથે પણ અનેક શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલામાં મોટાભાગના શખ્શો પરપ્રાંતિય છે. આ ઉપરાંત હત્યા અને હત્યાના પ્રયાસના ગુના પણ ચિંતાજનક રીતે વધી રહયા છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે ગયા વર્ષે ગંભીર ગુનામાં સંડોવાયેલા ૯૦૦ જેટલાં આરોપીઓને ઝડપી લીધા છે.

આ ઉપરાંત વિદેશી જાસુસી સંસ્થા દ્વારા રચાયેલા નાપાક ષડયંત્રનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આરોપીઓને ઝડપી લેવા ઠેરઠેર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે જેના પગલે ચેઈન સ્નેચીંગની ઘટનાઓમાં ૪૦૦થી વધુ ગુના ઉકેલી નાખવામાં આવ્યા છે. ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા-ફરતા પ૦૦ જેટલાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

ર૦ર૧માં ર૦૭ કિલોથી વધુ ડ્રગ પકડાયુંઃ ગાંજાે મોખરે
ગત વર્ષે રાજય પોલીસના વડા તરફથી આદેશ અપાયા બાદ યુવાનોને બરબાદ કરવામાં મોખરે રહેલા અને હાલમાં લગભગ આખા રાજયમાં સહેલાઈથી ઉપલબ્ધ થતાં અલગ અલગ પ્રકારના ડ્રગ વેચતા શખ્શો સામે તવાઈ શરૂ થઈ હતી જેમાં રાજયની વિવિધ એજન્સીઓએ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો પરંતુ શહેર ક્રાઈમબ્રાંચે ર૦૭ કિલો ૬૦૦ ગ્રામથી વધુ નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. કામગીરી દરમિયાન ર૦૦ જેટલી સીરપ બોટલ પણ મળી આવી હતી, વિગતે જાેઈએ તો ૧૪૭ કિલો ૩૦૪ ગ્રામ ગાંજાે, ર૧ર ગ્રામ અફીણ, ર૧૮ ગ્રામ એમડી (મેથા એમ્ફેટામાઈન), ૪૧૬ ગ્રામ મેફેડ્રોન, પ૦૦ ગ્રામ ચરસ અને પ૯ કિલો પોશના ડોડા તથા પાવડરનો જથ્થો ઉપરાંત ૩૦૦ સીરપ બોટલ પકડાઈ હતી ક્રાઈમબ્રાંચે એનડીપીએસનાં કુલ ર૦ કેસ કરીને ૪૯ આરોપીઓની અટક કરી હતી. જયારે વર્ષ ર૦ર૦માં ૮ કેસમાં રપ જ આરોપી પકડાયા હતા. ઉપરાંત નાર્કોટીકસના ગુનામાં વપરાયેલા ૧ર વાહનો પણ કબ્જે લીધા હતા.

પ૦ બંદુકો અને ૩૮૧ કારતુસો પકડાઈ
વર્ષ ર૦ર૧માં ક્રાઈમબ્રાંચ દ્વારા હથીયાર ધારા હેઠળ પણ કેસો કરવામાં આવ્યા હતા આવા કેસો કરીને ૩૬ ગુના શોધવામાં આવ્યા હતા જેમાં ૪પ આરોપીઓની ધરપકડ કરીને પ૦ વિવિધ બંદુકો જપ્ત કરવામાં આવી હતી. કુલ મુદ્દામાલમાં ૩૩ પિસ્તોલ, ૧ર તમંચા, ૪ રીવોલ્વર, ૧ બંદુક તથા ૩૮૧ કારતુસ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં અમદાવાદ શહેરમાં કેટલીક ગોળીબારની ઘટનાઓ પણ સામે આવી હતી જેમાં મોટાભાગના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જાેકે ક્રાઈમબ્રાંચે પકડેલા આરોપીઓ મોટાભાગે હથિયારોનો નિકાલ કરવા નીકળ્યા હોય ત્યારે પકડાયા હોવાનું સામે આવ્યંુ છે. તેમાંથી અમુક આરોપીઓએ તેમના સગાં અથવા મિત્રોએ પણ હથિયાર રાખી મુકવા આપ્યા હોવાનું કબુલ્યુ હતું. બીજી તરફ જપ્ત કરાયેલાં તમામ હથિયારોની કિંમત આશરે અગિયાર લાખ રૂપિયા જેટલી છે.

૮૦ ગંભીર ગુના ડિટેક્ટ કરી ૧૪૧ આરોપીની અટક
ગંભીર ગુનાની વાત કરીએ તો વર્ષ ર૦ર૦માં ક્રાઈમબ્રાંચે ગંભીર પ્રકારના ૧૬ ગુના શોધી ૩૬ આરોપીઓની અટક કરી હતી જયારે ગત વર્ષે ૮૦ ગુના ડિટેકટ કરીને ૧૪૧ આરોપીઓને ઝડપી લીધા છે. ગંભીર ગુનાઓનું વર્ગીકરણ કરીએ તો ખુનના ૩૩ ગુનામાં પ૦ આરોપી, હત્યાના પ્રયાસ ૧ર ગુનાના ૧૯ આરોપી, લુંટ-ધાડના ૧પ ગુનાના ર૩ આરોપી તથા એનડીપીએસ (નશીલા પદાર્થો)ના ર૦ ગુનાના ૪૯ આરોપીઓને જેલભેગાં કરવામાં આવ્યા હતાં.

વાહન ચોરીઃ આગલાં વર્ષ કરતાં ડબલ ગુના ડિટેક્ટ થયા
શહેર ક્રાઈમબ્રાંચે આગલાં વર્ષે એટલે કે વર્ષ ર૦ર૦માં વાહનચોરીના ૧૧૩ ગુના ડિટેક્ટ કરીને ૭૮ આરોપીઓને જેલભેગા કર્યા હતા જયારે ર૦ર૧માં બમણાં ર૦૦ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા હતા તથા ૧પ૩ વાહનચોરોને ઝડપી ૧૬૬ ટુ વ્હીલર, ૩૦ થ્રી વ્હીલર અને ૭ ફોર વ્હીલર મળીને કુલ ર૦૩ વાહનો રીકવર કરવામાં આવ્યા હતા જેમની કિંમત રૂપિયા એક કરોડની નજીક થાય છે.

ચોરી- સ્નેચીંગના ૪૦૦ જેટલા ગુના શોધાયા
વર્ષ ર૦ર૦માં ચોરીઓના કુલ ર૬ર ગુનામાં ર૦૦ આરોપીઓ પકડાયા હતા જયારે વર્ષ ર૦ર૧માં ગુના શોધનનો આંકડો ૩૯ર એ પહોચ્યો હતો જેમાં ૩૧૬ ગુનેગારોને પકડી લેવામાં આવ્યા. ચોરીમાં ર૦૦ વાહન ચોરીના ગુનામાં ૧પ૩ આરોપી, ૧૧૯ સાદી ચોરીના ગુનામાં ૧૦૮ આરોપી જયારે સ્નેચીંગના ૭૩ ગુનાસર પપ ચેઈન સ્નેચરોને ઝબ્બે કરવામાં આવ્યા હતા.

પ૦૦ નાસતાં ફરતાં આરોપીઓ ફરી જેલભેગાં કર્યા
ગુના કરીને ફરાર થઈ જનાર કુલ આરોપીઓમાંથી ક્રાઈમબ્રાંચે પકડેલા આરોપીઓની સંખ્યા પ૦પ હતી જેમાંથી ૩૯૭ નાસતાં-ફરતાં હતા. ૮૮ પેરોલ જમ્પ કરનાર હતા જયારે ર૦ મિસિંગ આરોપીઓ હતા જેની તુલનામાં અગાઉના વર્ષ ર૦ર૦માં નાસતા ફરતા ર૯૭, પેરોલ જમ્પ કરનાર ૬૮ તથા મિસિંગ ૧ર આરોપીઓ પકડાયા હતા. આ સંદર્ભે કહી શકાય કે રાજયના પોલીસ વડાએ પેરોલ જમ્પ તથા નાસતાં-ફરતા આરોપીઓને ઝડપી લેવા આદેશ આપ્યા બાદ એજન્સીઓ પણ દોડતી થઈ હતી.

ગત વર્ષે શોધાયેલા કેટલાંક મોટા કેસો
પ, માર્ચઃ હેબતપુર ડબલ મર્ડર કેસઃ વર્ષ ર૦ર૧માં માર્ચ મહીનાની શરૂઆતમાં જ શહેરના પોશ એવા થલતેજ વિસ્તારમાં આવેલા શાંતિ પેલેસના બંગલા નં.ર માં રહેતા અશોક પટેલ તથા જયોત્સના પટેલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેમાં લુંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ક્રાઈમબ્રાંચે પણ તપાસ શરૂ કરી હતી. કુલ અઢી લાખ રૂપિયાની મત્તાની લુંટના બનાવના છેડા છેક મધ્યપ્રદેશ સુધી પહોચ્યા હતા અને ૩ ગ્વાલીયર તથા ૧ ને ભીંડ જીલ્લામાંથી ઝડપી લેવાયા હતા તપાસમાં ઘાટલોડીયામાં રહેતા અને સુથારી કામ કરતા પાંચમા આરોપીએ ટીમ આપ્યાનું સામે આવ્યું હતું આ જ કેસનો છેલ્લો અને છઠ્ઠો આરોપી તાજેતરમાં એમપી થી પકડાયો હતો જેની પુછપરછમાં નવરંગપુરામાં ધાડનો ગુનો પણ બહાર આવ્યો છે.

ર૦ માર્ચઃ રેવડી બજારની આગમાં આઈએસઆઈ કનેકશન
ડબલ મર્ડરના દસ દિવસ બાદ શહેરની રેવડી બજારની કેટલીક દુકાનોમાં અચાનક આગ લાગી હતી જેને પહેલાં તો સામાન્ય સમજીને અકસ્માતે આગ લાગ્યાની જાણવા જાેગ ફરિયાદ દાખલ કરાઈ હતી. જાેકે બાદમાં શહેર પોલીસ કમિશ્નરને આ ઘટનામાં આઈએસઆઈ પાકિસ્તાનનો હાથ હોવાના ઈનપુટ મળતાં તપાસ ફરી ક્રાઈમબ્રાંચના હાથમાં આવી હતી. જે દરમિયાન સીસીટીવીમાં આગ લગાડતા ૩ શખ્શો જાેવા મળ્યા હતા.

અમરાઈવાડીના આ શખ્શોને ઝડપી લઈ પુછપરછ કરતાં આઈએસઆઈનું કનેકશન બહાર આવ્યું હતું જેમાં એક શખ્શનો ફેસબુક દ્વારા પાકિસ્તાની ઈસમે તેને પ્રલોભનો આપીને દુકાનો સળગાવવા તથા કોઈ પ્રખ્યાત વ્યક્તિને મારી નાખવા જેવી પ્રવૃતિઓ કરવા કહયું હતું પાકિસ્તાની વ્યક્તિના ફેસબુક એકાઉન્ટના ટેકનીકલ એનાલીસીસમાં નેપાળથી ઓપરેટ થતા વધુ બે પેજ સામે આવ્યા હતા આમ, ભારતમાં અરાજકતા ફેલાવવા ભારતીય નાગરીકોનો જ ઉપયોગ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

ર, નવેમ્બરઃ ઘાટલોડીયામાં દંપતિનું મર્ડર
ઘાટલોડીયાના પારસમણી ફલેટમાં રહેતા વૃધ્ધ દંપતી દયાનંદ સુબરાવ તથા તેમની પત્ની વિજયલક્ષ્મીનુ અજાણ્યા શખ્શોએ ઘરમાં ઘુસી છરી વડે ગળું કાપી હત્યા કરી હતી ડબલ મર્ડરનો કેસ થતાં ક્રાઈમબ્રાંચ પણ સક્રીય થઈ હતી. જાેકે લુંટ કે ચોરીના સગડ મળ્યા નહતા. સઘન તપાસને અંતે ઘાટલોડીયામાં જ રહેતાં ઝારખંડનાં બે હત્યારાઓ ઝડપાયા હતા જેમણે ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા બાદ દયાનંદે એક શખ્સને પકડી લેતાં ગભરાટમાં તેમનું અને બાદમાં તેમની પત્નીનું ગળુ કાપી ખૂન કર્યુ હતું હત્યાનો બનાવ અચાનક બની જતાં બંને ગભરાઈ જઈને છરી ત્યાં જ છોડી ચોરી કર્યા વગર ભાગી ગયા હતા.

૭ ડિસેમ્બરઃ ઘરમાં જ MD ડ્રગની મીની લેબ પકડાઈ
રાજયમાં નશીલા પદાર્થો સામે ડ્રાઈવ શરૂ થયા બાદ ડિસેમ્બરમાં સોલામાંથી બે શખ્શોની એમડી ડ્રગ્સ સાથે અટક કરવામાં આવી હતી આ તપાસનો છેડો ડ્રગ પેડલરો તથા અન્યો સુધી પહોચ્યો હતો જેમાં શહેરની પ્રતિષ્ઠીત ફાર્માસ્યુટીકલ ફાર્મામાં કામ કરતા અધિકારીઓના નામ સામે આવ્યા હતા જેમાંથી એક નિકોલમાં રહેતા પોતાના ઘરમાં જ એમડી ડ્રગ બનાવવા માટે મીની લેબ શરૂ કરી હતી આખા નેટવર્કમાં સંડોવાયેલા બે મુખ્ય ગુનેગારો કોરોનાગ્રસ્ત થયા બાદ પહેલી વખત હોસ્પીટલમાં મળ્યા હતા. જયાંથી ડ્રગ રેકેટ સુધી વાત પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.