Western Times News

Gujarati News

કોરોના મહામારીમાં AMTSની કડક ગાઈડલાઈન સાથે ઉત્તમ સવારી

રૂપાલીથી ઈસ્કોન, આંબાવાડી, ગુજરાત કોલેજ, લો ગાર્ડન તરફ જવા બસરૂટ ઓછા: રૂટો ડાયવર્ટ થતા મુસાફરો પરેશાન

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એ.એમ.ટી.એસ)ની બસોની પ્રશંસનીય કામગીરીને કારણે એક તરફ મુસાફરોને થોડીક અગવડતાને બાદ કરતા બસ મળી રહે છે પરંતુ લાલદરવાજા ટર્મીનસ પર કામગીરી ચાલતી હોવાથી બસોને વિભાજીત કરી નાંખવામાં આવી છે. અમુક બસો અન્ય રૂટ પરથી જાય છે તો અમુક બસો રૂપાલીથી ઉપડે છે. પરંતુ આમા ઘણા મુસાફરો અટવાઈ જાય છે.

રૂપાલી બસ સ્ટેન્ડે ઈસ્કોન, આંબાવાડી, ગુજરાત કોલેજ સહીતના રૂટ પર જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો સહન કરવાનો વારો આવે છે. તેવી જ રીતે નહેરુબ્રીજ સહિતના બસ સ્ટેન્ડો પર બસો મળતી નથી. મોટાભાગના એ તરફના રૂટ ડાયવર્ટ થયા હોવાથી મુસાફરોને ફરી ફરીને જવુ પડે છે તેના કરતા તમામ બસો રૂપાલીથી પસાર થાય તેવુ કરાય તો ? જાેકે કોરોનાને કારણે બસ સ્ટેન્ડો પર ભીડભાડ વધી જતી હોવાથી કદાચ રૂટ અલગ-અલગ ડીવાઈડ કરાયા હોય તેવુ બની શકે.

બીજી તરફ લાલબસ સાથે સંકળાયેલા મતલબ નોકરી કરતા યુવાનો (કંડકટર) કોમ્પીટીશન એકઝામ આપવા ગયા હોવાથી કેટલાક રૂટની બસોની સંખ્યામાં ઘટાડો થયો છે તેથી બસો પ્રમાણમાં ઓછી દોડી રહી છે તેમ છતા લાલબસના કર્મચારીઓ- અધિકારીઓ મુસાફરોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખી રહયા છે.

ઈસ્કોન સહિતના સ્થળોએ જવા માટે એકમાત્ર સાણંદની બસ મળે છે અને તેના રૂટ ઘણા ઓછા છે પરિણામે ઇસ્કોન, આંબાવાડી તરફ જવા માટે રૂપાલીથી લગભગ બસ જ નથી તેવુ કહી શકાય. આ તરફના રૂટ શરૂ કરાય તો પ્રમાણમાં સારા એવા પેસેન્જર મળી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એ.એમ.ટી.એસ બસોની ઉત્તમ સગવડ અને કોરોનાની ગાઈડલાઈનનું કડકપણે પાલન થતુ હોવાથી મુસાફરો સલામત મુસાફરી કરી શકે છે. એક સીટમાં એક જ પેસેન્જર બેસાડાતા હોવાથી કોરોનાની મહામારીના સમયગાળામાં બેઠક વ્યવસ્થા ઉત્તમ છે વળી વેક્સિનના સર્ટીફીકેટની ચકાસણી થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.