Western Times News

Gujarati News

કાૅંગ્રેસે ‘યૂથ મૅનિફેસ્ટો’ જાહેર કર્યો; ૨૦ લાખ રોજગાર આપવાની જાહેરાત

(એજન્સી)નવીદિલ્હી, દિલ્હીમાં ઑલ ઇન્ડિયા કાૅંગ્રેસ કમિટીના મુખ્યાલય ખાતે કાૅંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ ‘ભરતી વિધાન’ના નામથી ”યૂથ મૅનિફેસ્ટો’ બહાર પાડ્યો હતો. યુપીમાં કાૅંગ્રેસ પાર્ટીએ કોઈની સાથે ગઠબંધન નથી કર્યું. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી કરવા માટે શુક્રવારે છેલ્લો દિવસ છે.

એક અનુમાન મુજબ યુપીમાં સાત કરોડ યુવાન છે, જેઓ મતાધિકાર ધરાવે છે તથા રોજગારની શોધમાં છે અને કાૅંગ્રેસ તેમને ધ્યાને લઈને આ જાહેરાત કરી છે.૧૦મી ફેબ્રુઆરીથી ૧૦મી માર્ચ દરમિયાન સાત તબક્કામાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ દરમિયાન ૪૦૩ બેઠક માટે ચૂંટણી યોજાશે.

આ તબક્કે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કાૅંગ્રેસ પાર્ટી નફરતનું રાજકારણ નથી કરતી. તેમણે સમજાવ્યું કે યુપીના યુવાનોને કેવી રીતે રોજગાર મળશે તથા કેટલો રોજગાર મળશે? આ અંગેની વ્યૂહરચના તૈયાર કરવા માટે યુપીના દરેક જિલ્લામાં કાૅંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ યુવાનો સાથે વાત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે યુવાનો માટે ભરતીની મુખ્ય સમસ્યા હોવાથી યુવા માટેના ચૂંટણીઢંઢેરાને ‘ભરતી વિધાન’ નામ આપવામાં આવ્યું છે.કૉગ્રેસ પાર્ટીએ ૨૦ લાખ રોજગાર આપવાની જાહેરાત કરી છે, જેમાં આઠ લાખ મહિલાઓને માટે અનામત રાખવામાં આવશે

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘યૂથ મૅનિફેસ્ટો’માં પરીક્ષાપ્રક્રિયામાંથી ભ્રષ્ટાચાર, કૌભાંડ તથા પેપરલીક વગેરેને કારણે યુવાનોને થતી હાલાકીને કેવી રીતે દૂર કરી શકાય, તેનું વિવરણ આપવામાં આવ્યું છે.કયા વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે અને કેવી રીતે ભરતી કરવામાં આવશે, તે અંગે ચર્ચા પણ તેમણે કરી.

સરકારી ભરતીપ્રક્રિયા માટે અરજીપત્રકની ફી વસૂલ કરવામાં નહીં આવે તથા બસ દ્વારા પરીક્ષાસ્થળ સુધી નિઃશુલ્ક પહોંચાશે.આ સિવાય ભરતી માટે કૅલેન્ડર બહાર પાડવામાં આવશે. જેમાં અરજીની તારીખ, પરીક્ષાની તારીખ, ઇન્ટરવ્યૂની તારીખ તથા નિમણૂકની તારીખ સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે

અને તેનું પાલન ગંભીરતાપૂર્વક કરાવવામાં આવશે. યુનિવર્સિટી તથા કૉલેજમાં વાઈફાઈ આપવામાં આવશે તથા વિદ્યાર્થીચૂંટણી બહાલ કરાશે.કાૅંગ્રેસ પાર્ટીએ ચૂંટણી દરમિયાન યુવાનો તથા મહિલાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે તથા ૪૦ ટકા ટિકિટ મહિલાઓને આપવાની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.