Western Times News

Gujarati News

વિન્ડિઝ વિરુદ્ધ સીરિઝમાં રવિ બિશ્નોઈ ટીમમાં સામેલ

નવી દિલ્હી, ઈજામુક્ત થઈને ફિટ બનેલો રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી વન-ડે અને ટી૨૦ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમની આગેવાની કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૬ ફેબ્રુઆરીથી સીરિઝનો પ્રારંભ થશે. બંને ટીમો વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સીરિઝ રમાશે.

આ માટે પસંદગીકારોએ બુધવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. જેમાં સ્પિનર કુલદીપ યાદવે કમબેક કર્યું છે. કુલદીપ યાદવ છેલ્લા છ મહિનાથી કોઈ પણ પ્રકારના સ્પર્ધાત્કમ ક્રિકેટમાં રમ્યો નથી, પરંતુ ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં એક વિકેટ ટેકિંગ બોલરની જરૂર છે અને તે માટે પસંદગીકારોએ કુલદીપ પર વિશ્વાસ મૂક્યો છે. જ્યારે રાજસ્થાનના બેટર દીપક હૂડાને પ્રથમ વખત વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રવિ બિશ્નોઈ એક નવો ચહેરો છે. ૨૧ વર્ષીય સ્પિનર રવિ બિશ્નોઈને પ્રથમ વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બિશ્નોઈને આઈપીએલ-૨૦૨૨માં પદાર્પણ કરી રહેલી ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્‌સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બિશ્નોઈએ આઈપીએલમાં અત્યાર સુધી ૨૩ મેચમાં ૨૪ વિકેટ ખેરવી છે.

હામસ્ટ્રિંગની ઈજાના કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ન જઈ શકેલો રોહિત શર્મા વન-ડે અને ટી૨૦ ટીમની કપ્તાની કરશે જ્યારે લોકેશ રાહુલ ઉપસુકાની રહેશે. ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીને બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ટી૨૦ ટીમમાં સામેલ કરાયો છે. સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી.

જાેકે, માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા હજી સંપૂર્ણ પણે ફિટ નથી. હાર્દિક પંડ્યા છેલ્લે ટી૨૦ વર્લ્‌ડ કપમાં રમ્યો હતો જેમાં બેટિંગમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જ્યારે ઈજાના કારણે તે બોલિંગ કરતો નથી. હાર્દિકને આઈપીએલની અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ તેની ટીમનો સુકાની બનાવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે વેન્યુ બદલ્યા હતા. જેમાં હવે વન-ડે સીરિઝ અમદાવાદમાં રમાશે. પ્રથમ વન-ડે છ ફેબ્રુઆરીએ રમાશે જ્યારે બીજી નવ અને ત્રીજી વન-ડે ૧૧ તારીખે રમાશે. જ્યારે ૧૬, ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીએ ટી૨૦ મેચ રમાશે. આ ત્રણેય મેચ કોલકાતામાં રમાશે.

ભારતીય વન-ડે ટીમઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, દીપક હૂડા, રિશભ પંત (વિકેટકીપર), દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન. ભારતીય ટી૨૦ ટીમઃ રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, રિશભ પંત (વિકેટકીપર), વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.