Western Times News

Gujarati News

ઇન્ટરનેટ સેક્ટરની અગ્રણી ગૂગલ ભારતી એરટેલમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે

નવીદિલ્હી, ઇન્ટરનેટ સેક્ટરની અગ્રણી કંપની ગૂગલ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં એક અબજ ડોેલરનું રોકાણ કરશે. આલ્ફાબેટની પેટા કંપની ગૂગલ ભારતી એરટેલનો ૧.૨૮ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે કંપનીનો એક શેર ૭૩૪ રૃપિયાના ભાવે ખરીદશે. આ માટે ગૂગલ ભારતી એરટેલને ૭૦ કરોડ ડોલર ચૂકવશે.

ગૂગલ દ્વારા ભારતીય ટેલિકોમં કંપનીમાં બીજું મોટું રોકાણ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઇ, ૨૦૨૦માં ગૂગલે મુકેશ અંબાણીના જીઓ પ્લેટફોર્મમાં ૪.૫ અબજ ડોલરનું રોકાણ કરીને ૭.૭૩ ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ હિસ્સોે ખરીદતી વખતે જીઓની કુલ ઇક્વિટીનું મૂલ્ય ૫૮.૧ અબજ ડોલર(૪.૩૬ લાખ કરોડ રૃપિયા) આંકવામાં આવ્યું હતું. ભારતી એરટેલનો ૧.૨૮ ટકા હિસ્સો ખરીદવા માટે ભારતી એરટેલની કુલ ઇક્વિટીનું મૂલ્ય ૫૪.૭ અબજ ડોલર(૪.૧ લાખ કરોડ) રૃપિયા આંકવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ ગૂગલે ભારતમાં આગામી પાંચથી સાત વર્ષમાં ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગૂગલના રોકાણથી અબજપતિ ઉદ્યોગપતિ સુનિલ મિત્તલના નેતૃત્ત્વવાળી ભારતી એરટેલને ફાઇવજી નેટવર્ક લોન્ચ કરવામાં અને માર્કેટ લિડર જીઓ સામે સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ મળશે.ગૂગલે ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટલાઇઝેશન ફંડના ભાગરૃપે આ રોકાણ કર્યુ છે.

ગૂગલે જુલાઇ, ૨૦૨૦માં જીઓમાં ૪.૫ અબજ ડોલર એટલે કે ૩૩,૭૩૭ કરોડ રૃપિયાનું રોકાણ કર્યુ હતું. આ રોકાણ ભારતી એરટેલમાં કરવામાં આવેલા રોકાણ કરતા ૬.૪ ટકા ગણું વધારે છે. ગૂગલે ભારતી એરટેલનો ૧.૨૮ ટકા હિસ્સો ખરીદવા ૭૦ કરોડ ડોલર એટલે કે ૫૨૫૦ કરોડ રૃપિયાનું રોકાણ કર્યુ છે.

ગૂગલના ભારતી એરટેલમાં કુલ એક અબજ ડોલરના રોકાણ પૈકી ૭૦ કરોડ ડોલરથી ૧.૨૮ ટકા હિસ્સો ખરીદાશે જ્યારે બાકીના ૩૦ કરોડ ડોલર કોમર્શિયલ સમજૂતી માટે ચૂકવવામાં આવશે.ભારતી એરટેલના બોર્ડે કંપનીની પાંચ રૃપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ૭,૧૧,૭૬,૮૩૯ ઇક્વિટી શેરો ગૂગલને આપવાની મંજૂરી આપી છે. પ્રતિ શેર ૭૩૪ રૃપિયા ભાવે આ મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી હેઠળ ગૂગલ ૫૨૩૪.૩ કરોડ રૃપિયા એટલે કે ૭૦ કરોડ ડોલર ચૂકવશે.

આ ઘટનાક્રમ અંગે સુનીલ મિત્તલે જણાવ્યું છે કે અમે ગૂગલ સાથે મળીને ભારતની ડિજિટલ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવીશું. બીજી તરફ આલ્ફાબેટ અને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ જણાવ્યું છે કે અમે ગૂગલ ફોર ઇન્ડિયા ડિજિટલાઇઝેશન ફંડના ભાગરૃપે ભારતી એરટેલમાં રોકાણ કરી રહ્યાં છીએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.