Western Times News

Gujarati News

૨૨-૨૩ના બજેટમાં ઈન્ફ્રાસ્ટકચર પર જોર, સામાન્ય પ્રજાને ઠેંગો

એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ આખરી તૈયારી કરી લેવાઈ, રિઝર્વ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ

નવી દિલ્હી, દેશનું વર્ષ ૨૦૨૨-૨૩નું સામાન્ય બજેટ આજે નાણાંમંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા રજૂ કરી દેવાયું છે. જેમાં ૪૦૦ નવી વંદે ભારત ટ્રેનો શરુ કરવા ઉપરાંત, ૨૫,૦૦૦ કિમીના હાઈવે બનાવવાની તેમજ રિઝર્વ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે.

એજ્યુકેશન ક્ષેત્રે પણ હવે સરકાર ડિજિટલ બનવા માગે છે, જેના ભાગરુપે ડિજિટલ યુનિ. તેમજ સ્કૂલના શિક્ષણ માટે વન ક્લાસ-વન ચેનલ શરુ થશે. સરકારે ગામડાં અને ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત કરી છે. શહેરોને વધુ સારા બનાવવા પ્રયાસો શરુ કર્યા છે, અને એર ઈન્ડિયાના વેચાણ બાદ એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ આખરી તૈયારી કરી લીધી છે.

જાેકે, બીજી તરફ બજેટમાં પગારદાર વર્ગને રાહત થાય તેવી એકેય જાહેરાત નથી કરાઈ. બહુચર્ચિત ક્રિપ્ટોકરન્સીમાં તો સરકારે એવું સ્ટેન્ડ લીધું છે કે ‘ખોટ ટ્રેડરની અને નફામાં સરકારનો ૩૦ ટકા ભાગ’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હોમ લોન કે પછી ૮૦C હેઠળ પગાદાર વર્ગને મળતી રાહતોમાં પણ કોઈ વધારો નથી કરાયો. નાણાંમંત્રીએ આજે પોતાની સમગ્ર બજેટ સ્પીચમાં ઈનકમ ટેક્સ શબ્દનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો. જેના કારણે પગારદાર વર્ગને નિરાશા સાંપડી છે.

બીજી તરફ, સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમમાં છૂટનો વ્યાપ ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવામાં આવ્યો છે. રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થાય તો તેને સુધારવા માટે પણ બે વર્ષનો સમય આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.

કસ્ટમ ડ્યૂટીના દરોમાં કરવામાં આવેલા ફેરફારને કારણે લેધરની આઈટમ્સ, કપડાં, મોબાઈલ ચાર્જર સસ્તા થશે. આ ઉપરાંત, ખેતીનો સામાન અને પોલિશ્ડ ડાયમંડ તેમજ જેમ્સ પણ સસ્તાં થશે. અત્યારસુધી ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં થતી કમાણી પર અધર ઈનકમ સોર્સ ગણીને ટેક્સ વસૂલાતો હતો.

જાેકે, હવે તેમાં થતાં નફા પર ૩૦ ટકા જેટલો તગડો ટેક્સ ભરવો પડશે. એટલું જ નહીં, ક્રિપ્ટોના ટ્રેડિંગમાં કોઈ લોસ થાય તો તે પણ નફામાંથી બાકાત નહીં મળે. મતલબ કે લોસ ટ્રેડરનો પોતાનો રહેશે, અને નફામાંથી સરકાર ૩૦ ટકા ટેક્સ લઈ જશે.

આ સિવાય રિઝર્વ બેંક આગામી વર્ષે ડિજિટલ કરન્સી શરુ કરશે તેવું પણ આજે ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું. કોર્પોરેટ ટેક્સને ૧૮ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. તેના પર લાગતો સરચાર્જ પણ ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરી દેવાયો છે.

કંપનીઓ માટે સ્વેચ્છાએ કારોબારમાંથી બહાર થવા માટેની સમયસીમા બે વર્ષથી ઘટાડીને છ મહિના કરી દેવામાં આવશે. ડિફેન્સ ક્ષેત્રે દેશને આર્ત્મનિભર બનાવવા માટે બજેટમાં ખાસ ભાર મૂકાયો છે. તેના માટે ખાનગી ઉદ્યોગો, સ્ટાર્ટ-અપનો સહયોગ લેવાશે.

પ્રાઈવેટ સેક્ટરને મિલિટરી પ્લેટફોર્મ્સની ડિઝાઈન તૈયાર કરવા તેમજ વિવિધ પ્રોડક્ટ્‌સ વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવશે. ટેસ્ટિંગ અને સર્ટિફિકેટના કામકાજ માટે સ્વતંત્ર બોડીની રચના કરવામાં આવશે. દેશના ૭૫ જિલ્લામાં ૭૫ ડિજિટલ બેન્કની સ્થાપના કરવામાં આવશે.

તે જ રીતે આગામી નાણાકીય વર્ષથી ચિપ આધારિત ઈ-પાસપોર્ટ પણ ઈશ્યૂ કરવામાં આવશે. બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું હતું કે રેલવે નાના ખેડૂતો, MSME માટે નવી સેવા શરુ કરશે. આ ઉપરાંત, હાલ દિલ્હી-વારાણસી વચ્ચે દોડી રહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત જેવી નવી ૪૦૦ ટ્રેન આગામી ત્રણ વર્ષમાં શરુ કરવામાં આવશે.

આગામી નાણાકીય વર્ષમાં દેશમાં હાઈવેના નેટવર્કમાં પણ ૨૫ હજાર કિમીનો વધારો થશે તેમ તેમણે સંસદમાં જણાવ્યું હતું. દેશમાં હવે ૫જી સર્વિસ માટે વધુ સમય રાહ નહીં જાેવી પડે. ખાનગી કંપનીઓ માટે ૨૦૨૨-૨૩માં ૫ય્ સ્પેક્ટ્રમ માટે હરાજી શરુ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત નાણાંમંત્રીએ બજેટમાં ડિજિટલ યુનિ. બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. જેનું નિર્માણ હબ અને સ્પોક મોડેલ પર કરવામાં આવશે. કોરોનાકાળમાં બાળકોનો અભ્યાસ બગડ્યો હોવાથી સરકાર ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓને પૂરક શિક્ષણ પૂરું પાડવા માટે વન ક્લાસ-વન ટીવી ચેનલ શરુ કરશે.

આજના બજેટમાં પૂર્વોત્તર ભારતમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે પીએમ વિકાસ પહેલ નામની નવી યોજનાની જાહેરાત કરાઈ છે. જેના હેઠળ દેશની ઉત્તરી સીમા પર સ્થિત ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવશે.

કઈ વસ્તુ સસ્તી થશે, કઈ વસ્તુ મોંઘી થશે?
બજેટની ભાષાને સમજતા તજજ્ઞોને પણ થોડો સમય લાગતો હોય છે, આવામાં સામાન્ય જનતા માટે તે સમજવું ઘણું જ અઘરું બની જતું હોય છે. પરંતુ બજેટના દિવસે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની નજર શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર રહેતી હોય છે. આવો જાણીએ કે આજના બજેટમાં સરકારે કરેલી જાહેરાતોના કારણે કઈ વસ્તુઓ પર કેવી અસર પડશે. નાણામંત્રી ર્નિમલા સિતારમને આજે રજૂ કરેલા બજેટમાં સંખ્યાબંધ વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ફેરફારની જાહેરાત કરી છે.જેના પગલે આ વસ્તુઓના ભાવ પર પણ અસર પડવાની છે. બજેટની જાહેરાતો પર ધ્યાન આપવામાં આવે તો સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટીમાં અપાયેલી છુટ એક વર્ષ માટે વધારવામાં આવી છે.બીજી તરફ અનપોલિશ્ડ ડાયમંડ તેમજ જેમ્સ અને જ્વેલરી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરાઈ છે.હાલમાં આ ડ્યુટી ૭.૫ ટકા છે.
શું સસ્તું થશે?
¨ કપડા
¨ ચામડાનો સામાન
¨ મોબાઈલ ફોન
¨ હીરાના ઘરેણા
¨ ખેતીનો સામાન
¨ વિદેશથી મંગાવાતી વસ્તુઓ
¨ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ
¨ સ્ટીલ
¨ બટન
¨ ઝિપર
¨ પેકિજિંગ બોક્સ
¨ મેથોનોલ
શું મોંઘું થશે?
¨ દારુ
¨ કોટન
¨ ખાદ્ય તેલ
¨ એલઈડી લાઈટ
¨ ઈમિટેશન જ્વેલરી
¨ છત્રીઓ
¨ બ્લેન્ડિંગ વગરનુ ફ્યુલ કે જેના પર પ્રતિ લિટર બે રુપિયા એક્સાઈઝ ડ્યુટી લાગશે.

પાછલા બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું?
નાણામંત્રી ર્નિમલા સીતારમણે ડિરેક્ટ ટેક્સ આપનારા લોકોને ૨૦૨૧ના બજેટમાં કોઈ રાહત નહોતી આપી. જાેકે, સરકારે દારુ, કાબુલી ચણા, વટાણા, મસૂરની દાળ સહિત ઘણાં ઉત્પાદનો પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાની જાહેરાત કરી હતી. ર્નિમલા સીતારમણે કસ્ટમ્સમાં ૪૦૦ કરતા વધારે છૂટની સમીક્ષા કરવાની રજૂઆત કરી. ઘણાં સામાન પર કસ્ટમ ડ્યુટી વધારી અને કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર ડ્યુટી હટાવી છે. આ સિવાય કોપર સ્ક્રેપ પર ડ્યુટી ૫% ઘટાડીને ૨.૫% કરવામાં આવી છે. મોબાઈલના કેટલાક પાર્ટ્‌સ પર ૨.૫% ડ્યુટી લગાવી છે.
પાછલા બજેટમાં કોટન, સિલ્ક, પ્લાસ્ટિક, લેધર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ઓટો પાર્ટ્‌સ, સોલાર પ્રોડક્ટ્‌સ, મોબાઈલ, ચાર્જર, ઈમ્પોર્ટેડ કપડા, રત્નો, એલઈડી બલ્બ, ફ્રીઝ/એસી અને દારુ મોંઘા થયા. જ્યારે બીજી તરફ નાયલોનના કપડા, લોખંડ, સ્ટીલ, તાંબાની વસ્તુઓ, સોના, ચાંદી અને પ્લેટેનિયમ જેવી વસ્તુઓ સસ્તી થઈ હતી.

બજેટ-૨૨-૨૩માં નાણાંપ્રધાને કરેલી મુખ્ય જાહેરાતો
નાણામંત્રી ર્નિમલા સીતારમણ બજેટ રજુ કર્યું છે જેમાં તેમણે ડિફેન્સ, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચકર, શહેરી વિકાસ, ફાઇનાન્સ સહિતના વિવિધ સેક્ટર માટે મહત્ત્વની જાહેરાતો કરી છે.

ડિફેન્સ રિસર્ચ માટે ૨૫% બજેટ
ડિફેન્સ સેક્ટરમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ વધારવા માટે ડિફેન્સના રિસર્ચ બજેટમાં ૨૫ ટકા હિસ્સો આર એન્ડ ડી માટે રાખવામાં આવ્યો છે. ડીઆરડીઓ અને અન્ય સંસ્થાઓ ટેકનોલોજી વિકસાવી શકશે. ડિફેન્સ રિસર્ચના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને તક આપવામાં આવશે. ડિફેન્સ સેક્ટરમાં ૬૫ ટકા સ્વદેશી ટેક્નોલોજીને ઉત્તેજન અપાશે.

સેઝ ની જગ્યાએ નવો કાયદો
સેઝ (સેઝ)ની જગ્યાએ નવો કાયદો ઘડવામાં આવશે. સોલર એનર્જીના ઉત્પાદન માટે ૧૯,૫૦૦ કરોડ રૂપિયા ફાળવાશે.

એક દેશ, એક રજિસ્ટ્રેશન નીતિ
દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં બેન્કો અને મોબાઈલ આધારિત સેવાઓ આપવા સર્વિસ એલોકેશન ફંડ ફાળવાશે. દરેક ગામના લોકો ડિજિટલ સાધનોનો ઉપયોગ કરી શકે તે લક્ષ્ય છે. તેથી એક દેશ એક રજિસ્ટ્રેશન નીતિ લાગુ કરાશે. ગામડામાં બ્રોડબેન્ડ સર્વિસને ઉત્તેજન અપાશે.

ચાલુ વર્ષથી જ ૫જી સર્વિસ શરૂ
નાણામંત્રીએ જણાવ્યું કે ઇ-પાસપોર્ટ સેવા શરૂ કરાશે. ૨૦૨૨-૨૩માં ચિપ્સ વાળા પાસપોર્ટ અપાશે. ૨૦૨૨થી ફાઈવ-જી સેવા શરૂ કરાશે. કંપનીઓને બંધ કરવાની યોજનામાં અત્યારે બે વર્ષ લાગે છે જેને ઘટાડીને છ મહિના કરવામાં આવશે. બેન્ક ગેરંટીની જગ્યાએ શ્યોરિટી બોન્ડને સરકારી ખરીદી વખતે સ્વીકારવામાં આવશે.

શહેરી આયોજન માટે જાહેરાત
શહેરી આયોજનની પદ્ધતિ બદલવામાં આવશે. બિલ્ડિંગ બાય-લોઝને આધુનિક બનાવાશે, ટાઉન પ્લાનિંગને પણ સુધારવામાં આવશે. તેના માટે અમૃત યોજના લાગુ કરાશે. હાલની પાંચ સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જાે આપવામાં આવશે. આ તમામ સંસ્થાઓને ૨૫૦૦ કરોડનું ફંડ અપાશે.

૭૫ જિલ્લામાં ૭૫ બેન્કિંગ યુનિટ
નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા ખેડૂતોને સુવિધા અપાય છે. સરકાર દેશના ૭૫ જિલ્લામાં ૭૫ બેન્કિંગ યુનિટ સ્થાપિત કરશે. લોગો વધુમાં વધુ ડિજિટલ ચુકવણી કરી શકે તેને ઉત્તેજન અપાશે. પોસ્ટ ઓફિસને બેન્કો સાથે જાેડવામાં આવશે. તેમની વચ્ચે આંતરિક લેવડદેવડ થઈ શકશે.

પીએમ આવાસ યોજના હેઠળ ૮૦ લાખ ઘર બનશે
પીએમ આવાસ યોજના ૨૦૨૨-૨૩માં લોકોને ૮૦ લાખ ઘર પૂરા પાડવામાં આવશે. તેના માટે ૪૮ હજાર કરોડ રૂપિયા ફાળવાયા છે. તેના માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવામાં આવશે.

મિશન શક્તિ, મિશન વાત્સલ્ય યોજના લોન્ચ
મહિલાઓ અને બાળકો સુધી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવશે. દેશમાં ૫.૫ કરોડ ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. તે માટે રૂ. ૬૦,૦૦૦ કરોડ ફાળવાયા છે.

ફળ અને શાકભાજી માટે યોજના
ફળો અને શાકભાજીઓનું ઉત્પાદન વધારવા માટે એક વ્યાપક પેકેજ લોન્ચ કરાશે. મધ્યમ અને નાના ઉદ્યોગો માટે સ્કોપ વધારવામાં આવશે. બીટુબી સેવાઓ માટે સરકાર ઘણી ચીજાેને પ્રોત્સાહન આપશે. એમએસએમઈની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા ઇમરજન્સી ક્રેડિટ લાઇનથી સારો રિસ્પોન્સ મળ્યો છે.

વિદ્યાર્થીઓ માટે ઇ-વિદ્યા યોજના
શાળામાં ભણતા બાળકોને પીએમ ઈ-વિદ્યા યોજના હેઠળ એક ચેનલ એક ક્લાસ માટે ચેનલોની સંખ્યા ૧૨થી વધારીને ૨૦૦ કરવામાં આવશે. ધો. ૧થી ૧૨ સુધીના બાળકોને તેમની પ્રાદેશિક ભાષામાં શિક્ષણ અપાશે. તેમાં ભારતની તમામ ભાષાઓને સમાવવા પ્રયાસ કરાશે.

ડ્રોન સ્ટાર્ટઅપને વેગ
હોટેલ સેક્ટરને મદદ કરવા માટે સરકાર પ્રયાસ કરશે. ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને વેગ આપવામાં આવશે. ઇશાન ભારતના વિકાસ માટે ૧૫૦૦ કરોડ રૂપિયાનું પેકેજ.

૬૦ લાખ નોકરી, ત્રણ વર્ષમાં ૪૦૦ વંદે ભારત ટ્રેન શરૂ કરાશે
પીપીપી મોડેલ દ્વારા રેલવેને ચાર જગ્યાએ ઉત્પાદનો પહોંચાડવા માટે સક્ષમ બનાવવામાં આવશે. ૬૦ લાખ નવી રોજગારી પેદા કરવાનું વચન, ૪૦૦ નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષની અંદર વંદે ભારત ટ્રેનોને શરૂ કરવામાં આવશે.
એલઆઈસીનો આઇપીઓ ટૂંક સમયમાં, પીએમ ગતિ શક્તિને વેગ મળશે

નાણામંત્રીએ જણાવ્યું કે ટૂંક સમયમાં એલઆઈસીનો આઇપીઓ લાવવામાં આવશે. પીએમ ગતિશક્તિ દ્વારા હાઈવે નેટવર્ક વધારવામાં આવશે. વધુ ૨૫,૦૦૦ કિમીના રોડ બનાવવામાં આવશે. ૧૦૦ વર્ષ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વધારવાનો પ્રયાસ કરાશે.

રૂપિયા ક્યાંથી આવશે, ક્યાં જશે?(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧
નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે મંગળવારે ૨૦૨૨-૨૩ માટે ૩૯.૪૫ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેના સામાન્ય બજેટની નકલ પણ રજૂ કરી હતી. તેમણે લોકસભામાં તેમનું બજેટ ભાષણ પૂરું કર્યા પછી તરત જ રાજ્યસભામાં ૨૦૨૨-૨૩ માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચ (બજેટ)નું નિવેદન રજૂ કર્યું. બજેટમાં નાણાં ક્યાંથી આવશે અને ક્યાં જશે તેની વિગતો નીચે મુજબ છે.

રૂપિયા ક્યાંથી આવશે?
¨ દેવાં અને જવાબદારીઓમાંથી ૩૬ ટકા.
¨ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી ૧૫ ટકા.
¨ આવકવેરામાંથી ૧૪ ટકા.
¨ કોર્પોરેટ ટેક્સમાંથી ૧૩ ટકા.
¨ કેન્દ્રીય આબકારી જકાતમાંથી આઠ ટકા.
¨ કર સિવાયની આવકમાંથી છ ટકા.
¨ દેવા વગરની મૂડીમાંથી પાંચ ટકા.
¨ કસ્ટમ ડ્યુટીમાંથી ત્રણ ટકા.

રુપિયા ક્યાં જશે?
¨ વ્યાજની ચુકવણી પર ૨૦ ટકા.
¨ કર અને ડ્યુટીમાં રાજ્યોના હિસ્સા પર ૧૬ ટકા.
¨ કેન્દ્ર સરકારની પ્રાદેશિક યોજનાઓ પર ૧૪ ટકા.
¨ ફાઇનાન્સ કમિશન અને અન્ય ટ્રાન્સફર પર ૧૦ ટકા.
¨ અન્ય ખર્ચ પર ૧૦ ટકા.
¨ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ પર નવ ટકા.
¨ આઠ ટકા સબસિડી.
¨ સંરક્ષણ ક્ષેત્ર પર આઠ ટકા.
¨ પેન્શન પર પાંચ ટકા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.