Western Times News

Gujarati News

રાજકોટ- પોકરમાં ૭૮ લાખ હારી ગયા બાદ અંતે આપઘાત કરી લીધો

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ, ગુજરાતના રાજકોટ જિલ્લામાં ઓનલાઈન પોકર રમીને ૭૮ લાખ રૂપિયા હારી ગયા બાદ એક વ્યક્તિએ કથિતરીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આજે આ મુજબની માહિતી આપી હતી. કૃણાલ મહેતા નામની વ્યક્તિએ બુધવારે રાત્રે જિલ્લાના મોટા માવા વિસ્તારમાં કુવામાં કુદીને આપઘાત કરી લીધો હતો.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે, તેમનો મૃતદેહ આગલા દિવસે સવારે મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ મોબાઇલ ફોન ઉપર પોકર ગેમ રમવામાં ૭૮ લાખ રૂપિયા હારી ગયો હતો. અમને તેના આવાસ પરથી આપઘાતની નોંધ મળી આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી ૭૮ લાખ રૂપિયા લીધા હતા. કૃણાલ મહેતાની વય ૩૯ વર્ષ આંકવામાં આવી છે. એક આઈટી કંપનીમાં કામ કરી રહ્યો હતો.

સામાન્યરીતે પોકર રમવા માટે પૈસા ઉધાર લેતો હતો જેના કારણે તે મોટી રકમ હારી ચુક્યો હતો. મોબાઇલ ગેમના એપ પર પોતાના બેંક ખાતાની માહિતી પણ આપી હતી. મહેતાના મોત બાદ તેના ભાઈને બેંક સાથે લેવડદેવડને લઇને એક મેઇલ મળ્યો છે જેમાં વારંવાર હારી ગયા બાદ ગુમાવવામાં આવેલી રકમ અંગે માહિતી મળી છે. સાયબર સેલ દ્વારા પણ આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ભારે નાણાંકીય નુકસાન ઓનલાઈન પોકર ગેમમાં થયા બાદ રાજકોટના આ વ્યÂક્તએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. ૩૯ વર્ષીય આ વ્યક્તિને બે પુત્રો છે. કૃણાલ મહેતાના આપઘાતના કેસમાં તપાસ હજુ પણ ચાલી રહી છે.

પોલીસના કહેવા મુજબ ગરબાના કાર્યક્રમમાં પોતાની પત્નિ અને બાળકો સાથે ભાગ લીધા બાદ બુધવારે મોડી રાત્રે તે ખુલ્લા કુવામાં પડ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, તે ઓનલાઈન પોકર ગેમમાં નશાની ટેવ ધરાવતો હતો. ગુરુવારે સવારે મૃતદેહ મળી આવ્યા બાદથી નવી નવી વિગતો ખુલી રહી છે. બનાવના દિવસે ઘરે આવ્યા બાદ પત્નિ અને પોતાના બાળકોને ગરબા કાર્યક્રમમાં લઇ ગયો હતો. અંબિકા ટાઉનશીપમાં ઘરે પરત ફર્યા બાદ પરિવારના સભ્યો સુઈ ગયા હતા

પરંતુ તે નજીક આવેલા કુવા પાસે પહોંચી ગયો હતો અને તેમાં ઝંપલાવી દીધું હતું. આપઘાતની નોંધના આધારે તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. પોતાના આઈડી અથવા તો અન્યોની આઇડીથી પોકર ગેમ રમી રહ્યો હતો કે કેમ તેમાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર બનાવ અન્યો સામે પણ દાખલા સમાન અને બોધપાઠ સમાન બની ગયો છે. ઓનલાઈન પોકર ગેમ રમતા અને ઝડપથી પૈસા બનાવવાના પ્રયાસમાં રહેલા તમામ લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન પુરવાર થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.