Western Times News

Gujarati News

લિંકન ફાર્મા.નો FY2022ના Q3 ગાળાનો ચોખ્ખો નફો 30.50 ટકા વધીને રૂ. 17.60 કરોડ થયો

ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 17.60 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 13.49 કરોડના ચોખ્ખા નફા કરતાં 30.50 ટકાનો વધારો દર્શાવે છે.

નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવકો રૂ. 122.52 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષ વર્ષના આ જ ત્રિમાસિક ગાળાના રૂ. 115.39 કરોડના કુલ આવકો કરતાં 6.18 ટકા વધુ હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 26.09 કરોડની એબિટા દર્શાવી હતી

જે નાણાંકીય વર્ષ 2021ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 20.72 કરોડની એબિટા કરતાં 25.90 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં શેરદીઠ ઈપીએસ રૂ. 8.79 રહી હતી જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ. 6.73 હતી.

કંપનીના નાણાંકીય પ્રદર્શન અંગે લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “કંપની તેના લાંબા ગાળાના ગ્રોથ રોડમેપર પર આગળ વધી રહી છે અને અમે તેની કામગીરીથી સંતુષ્ટ છીએ. અમારો આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્થાનિક બિઝનેસને સારી રીતે પૂરક બની રહ્યો છે જેનાથી ઉદ્યોગમાં અમારી સ્થિતિ વધુ મજબૂત બની છે. સિફેલોસ્પોરિન પ્રોડક્ટ્સના લોન્ચ માટે મહેસાણા પ્લાન્ટના વિસ્તરણની કામગીરી શિડ્યુલ મુજબ આગળ વધી રહી છે. આગળ જતાં તમામ મોરચે અમારા વૃદ્ધિને લગતા બધા જ આંકડામાં સુધારો થવાનો અમને વિશ્વાસ છે. વ્યૂહાત્મક વિકાસ પહેલ, પ્રોડક્ટ અને ભૌગોલિક વિસ્તરણ, ઉચ્ચ કાર્યદક્ષતા જેવા પરિબળોના લીધે ટૂંકાથી મધ્યમ ગાળામાં તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થવાની સંભાવના છે.”

ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 377.64 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળા માટે રૂ. 346.71 કરોડના કુલ વેચાણો કરતાં 8.92 ટકા વધુ હતા. 9MFY22 માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 58.33 કરોડ રહ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના આ જ સમયગાળા માટે રૂ. 49.68 કરોડ રહ્યો હતો જે 17.42 કરોડની વૃદ્ધિ દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.