Western Times News

Gujarati News

ભારતીય છાત્રોને વધારાના ૩-૫ વર્ષના વિઝા મળશે

નવી દિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં એવા કરાર થયા છે જેના કારણે ઓસ્ટ્રેલિયા ભણવા જવા માંગતા ભારતીય સ્ટુડન્ટ્‌સને વિઝા મેળવવામાં ઘણો ફાયદો મળશે. તાજેતરમાં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય કરાર થયા છે. તે મુજબ ભારતીય સ્ટુડન્ટ્‌સને વધારાના ત્રણથી પાંચ વર્ષ માટે ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાની વિચારણા છે.

ભારતે ઘણા સમયથી માંગણી કરી હતી કે ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયા સરળ થવી જાેઈએ. તાજેતરના વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજી ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશનના આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં કુલ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્‌સમાં ૨૧ ટકા જેટલા ભારતીય વિદ્યાર્થીઓ હોય છે. ઓસ્ટ્રેલિયામાં લેબર ફોર્સની અંદર પણ ભારતીય સ્ટુડન્ટનો રેશિયો ઘણો ઊંચો છે.

ચીન જેવા દેશ કરતા પણ ભારતીય સ્ટુડન્ટ અહીં લેબર ફોર્સમાં વધારે ઊંચું પ્રમાણ ધરાવે છે. ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૫માં ૧૫,૮૦૦ ભારતીય સ્ટુડન્ટ ઉચ્ચ અભ્યાસ કરતા હતા જેની સંખ્યા ૨૦૧૯માં વધીને ૩૪,૫૦૦ને પાર કરી ગઈ હતી. ત્યાર પછી પણ તેમાં સતત વધારો થયો હતો.

ઓસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા, કેનેડા, યુકે અને જર્મની પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે ફેવરિટ સ્થળ છે. ઓસ્ટ્રેલિયા ભારતથી ૯૮થી ૯૯ ટકા ગુડ્‌સની ડ્યૂટી-ફ્રી ઇમ્પોર્ટને મંજૂરી આપવા વિચારે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ યુકેને પણ આવી છૂટછાટ આપી છે. એજ્યુકેશન અને આયાત-નિકાસ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજાે મહત્ત્વનો મુદ્દો કોલસાની આયાતનો હતો. ભારત દ્વારા ઓસ્ટ્રેલિયામાંથી મોટા પ્રમાણમાં કોલસાની આયાત થાય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણા સમયથી આ મુદ્દે વાતચીત ચાલતી હતી પરંતુ અચાનક વાતચીતને અટકાવી દેવાઈ હતી જે ફરી શરૂ થઈ છે. ૨૦૨૦-૨૧માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો વ્યાપાર ૧૨.૩ અબજ ડોલરનો હતો જે ૨૦૧૯-૨૦માં ૧૨.૬૩ અબજ ડોલરનો હતો. હાલમાં ટ્રેડ ગેપ ઓસ્ટ્રેલિયાની ફેવરમાં છે.

ભારત દ્વારા ઓસ્ટ્રેલિયામાં રિફાઈન્ડ પેટ્રોલિયમ, દવાઓ, રેલવે વ્હીકલ્સ, હોવર ટ્રેઈન્સ, મોતી, જેમ્સ અને જ્વેલરીની નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ટેક્સ્ટાઈલ્સની પણ નિકાસ થાય છે. ભારત દ્વારા ઓસ્ટ્રેલિયાથી કોલસો, કોપર, ગોલ્ડ, શાકભાજી, ઉન અને ફળની આયાત કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.