Western Times News

Gujarati News

કેન્સરથી રોજ ૧૦૦થી વધારે લોકો જીવ ગુમાવી રહ્યા છે

અમદાવાદ, ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં કેન્સરના કેસની સંખ્યામાં નોધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે કેન્સરના કેસ અને મોતના આંકડા રજૂ કર્યા છે. જેમાં એક વાત ખૂલીને સામે આવી છે કે, ગત વર્ષમાં ગુજરાતમાં કેન્સરના કુલ ૨,૦૩,૫૩૦ કેસ નોધાયા હતાં. જ્યારે ગુજરાતમાં દરરોજ સરેરાશ ૧૦૦ લોકોથી વધારે કેન્સરના કારણે જીવ ગુમાવી રહ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે, સાથે જ ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણને કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે મહિલાઓમાં સ્તન કેન્સરનું જાેખમ સૌથી વધુ છે, જેમાં સ્તન કેન્સરમાં ત્રણ વર્ષમાં ૧૧,૫૩૩ મહિલાઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં દર વર્ષે કેન્સરના વધતાં કેસનું ઊંચકાતું પ્રમાણ ચિંતાજનક જણાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કેન્સરના નવા કેસની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, વર્ષ ૨૦૧૮માં ૬૬,૦૬૯ જેટલા નવા કેસ નોંધાયા હતા, એ પછીના વર્ષ ૨૦૧૯માં ૬૭,૮૪૧ અને ત્યાર બાદના વર્ષ ૨૦૨૦માં કેસો વધીને ૬૯,૬૬૦ થયા છે. દેશમાં વર્ષ ૨૦૨૦માં અંદાજે ૭.૭૦ લાખ જેટલાં દર્દીના મોત થયા છે, એ પહેલાં ૨૦૧૯માં ૭.૫૧ લાખ અને ૨૦૧૮માં ૭.૩૩ લાખનાં મોત થયાં હતાં.

શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા પર નજર નાંખીએ તો ગુજરાતમાં કેન્સરના કારણે વર્ષ ૨૦૨૦માં રોજના આશરે ૧૦૫ જેટલા લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં અંદાજે ૩૮,૩૦૬ જેટલાં લોકોનાં મોત થયાં છે, દર વર્ષે આ મોતનો આંકડો વધી રહ્યો છે, જે ગુજરાત માટે ચિંતાજનક છે, કેન્સર સહિતના અન્ય ગંભીર રોગમાં પણ મોતનું પ્રમાણ ઊંચકાયું છે, જેના કારણે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ અભિયાન છેડાઈ રહ્યું છે.

મહેનત વગરની જીવન શૈલી, તમાકુ, દારૂ અને બિન આરોગ્યપ્રદ ખોરાક તેમ જ વાયુ પ્રદૂષણના કારણે કેન્સરના રોગ વધી રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં ડેટા રિલીઝ કર્યો છે, જેમાં આ આંકડા સામે આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.