Western Times News

Gujarati News

પત્નીનાં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ માટે પતિએ ૩૦ કલાક કાર ડ્રાઈવ કરી

અમદાવાદ, પ્રેમ માટે કેટલી હદ સુધી જઈ શકો છો? ફૈઝલ ખારાવાલાએ પત્ની મિસબાહનું સ્કીન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ૩૦ કલાક ડ્રાઈવ કરીને ૨,૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રસોડામાં ચા બનાવતી વખતે મિસબાહના કપડાંએ આગ પકડી લીધી હતી.

૭૦ ટકા દાઝી ગયેલી મિસબાહ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. એપ્રિલ ૨૦૨૦ની આ ઘટના છે જ્યારે કોરોનાની પહેલી લહેર ચાલી રહી હતી.

દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ મિસબાહ માટે થઈ હતી કારણકે દુર્ઘટના બાદ તેને એલજી હોસ્પિટલમાં લવાઈ ત્યારે તે કોરોના પોઝિટિવ હતી. જેથી બાદમાં તેને એસવીપી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. દાઝવાના કારણે તેની ચામડી ઉતરી ગઈ હતી અને બીજા હેલ્થ કોમ્પ્લિકેશન્સ પણ હતા.

એસવીપી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ અને પ્રોફેસર ડૉ. વિજય ભાટિયાએ કહ્યું, તેણીની બચવાની સંભાવના ખૂબ ઓછી હતી પરંતુ તેના શરીરે ટ્રીટમેન્ટ સારી રીતે સ્વીકારી હતી. મહામારીની શરૂઆત હતી અને લોકડાઉન પણ ચાલતું હતું. અમે સ્કીન ટ્રાન્સપ્લાન્ટ માટે શોધ આદરી હતી પરંતુ અમારા સામાન્ય સ્ત્રોત હતા તેમની પાસેથી કોઈ મદદ મળી શકી નહોતી. બાદમાં અમને ખબર પડી કે, કર્ણાટકના બેલગામમાં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે, તેમ ડૉક્ટરે ઉમેર્યું.

આશાનું આ એક કિરણ ફૈઝલ માટે પૂરતું હતું. સતત ૩૦થી વધુ કલાક સુધી તેણે ગાડી ચલાવી અને પત્નીનું ટ્રાન્સપ્લાન્ટ થાય તે સુનિશ્ચિત કર્યું હતું. મેડિકલ કાર્ગો લઈને જઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કરતો પત્ર તેણે ડૉક્ટર પાસેથી લખાવી લીધો હતો. મારો એકમાત્ર ઉદ્દેશ તેની જિંદગી બચાવવાનો હતો અને મને યાદ પણ નથી કે એ દિવસો કેવી રીતે પસાર થતા હતા, તેમ ફૈઝલે કહ્યું.

મિસબાહ પોતાની બીજી જિંદગીનો સંપૂર્ણ શ્રેય પતિને આપે છે. તેણે કહ્યું, તેણે એક વર્ષથી વધુ સમય મારી સંભાળ લીધી અને અસંખ્યવાર મારી સાથે હોસ્પિટલની મુલાકાત લીધી. તેણે અમારા નાના બાળકની પણ ખૂબ કાળજી રાખી, જે મને ખૂબ યાદ કરતું હતું. બધી બાજુએથી મુશ્કેલીઓ હતી પરંતુ તેણે મને એકવાર પણ નહોતું કહ્યું કે તે થાકી ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.