Western Times News

Gujarati News

એપોલો હોસ્પિટલના ડોકટરોએ 47 કિલોની ગાંઠ દૂર કરીને મહિલાને નવું જીવન આપ્યું

Apollo Hospital doctors removed 47kg tumor

– ભારતમાં અત્યાર સુધીમાં સૌથી મોટું નોન-ઓવેરિન ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઇ- મહિલાને છેલ્લાં 18 વર્ષથી ગાંઠ હતી

અમદાવાદ, અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે ડોક્ટર્સની ટીમે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી 47 કિલોની નોન-ઓવેરિયન ગાંઠ સફળતાપૂર્વક સર્જરીથી દૂર કરીને 56 વર્ષીય મહિલાને નવું જીવન આપ્યું છે. સરકારી કર્મચારી અને દેવગઢ બારિયાની રહેવાસી મહિલાને 18 વર્ષથી ગાંઠ હતી અને તે છેલ્લાં કેટલાંક મહિનાઓથી પથારીવશ હતાં.

ચીફ સર્જીકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડો. ચિરાગ દેસાઇના નેતૃત્વ હેઠળ ચાર સર્જન સહિત આઠ ડોક્ટર્સની ટીમે ગાંઠ ઉપરાંત સર્જરી દરમિયાન લગભગ 7 કિલોની પેટની દિવાલની પેશીઓ અને વધારાની ત્વચાને દૂર કરી હતી. સર્જરી બાદ મહિલાના શરીરનું વજન ઘટીને 49 કિલો થયું છે. તેઓ સીધા ઉભા રહી ન શકતાં હોવાને કારણે સર્જરી પહેલાં તેમના શરીરનું વજન માપી શકાયું ન હતું.

ડો. દેસાઇએ કહ્યું હતું કે, આ ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી હતી કારણકે મહિલાના આંતરિક અંગો જેમકે લીવર, હ્રદય, કિડની અને ગર્ભાશય પેટની દિવાલમાં ગાંઠને કારણે સર્જાયેલા દબાણને કારણે વિસ્થાપિત થઇ ગયાં હતાં. સીટી સ્કેન કરાવવો પણ મૂશ્કેલ હતો કારણકે ગાંઠના આકારે સીટી સ્કેન મશીનના ગેન્ટ્રીને અવરોધ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે રક્તવાહિની ઉપર દબાણને કારણે મહિલાનું બ્લડ પ્રેશર પણ બદલાઇ ગયું હતું તથા સર્જરી પહેલાં તેમને ખાસ સારવાર અને દવાઓ આપવી પડી હતી, જેથી સુનિશ્ચિત કરી શકાય કે ગાંઠ દૂર કર્યાં બાદ બ્લડ પ્રેશર ઘટવાને કારણે તેઓ કોલેપ્સ ન થઇ જાય.

ટીમનો હિસ્સો રહેલાં ઓન્કો-સર્જન ડો. નીતિન સિંઘલે કહ્યું હતું કે, પ્રજનન આયુ વર્ગમાં ઘણી મહિલાઓમાં ફાઇબ્રોઇડ સામાન્ય હોય છે, પરંતુ ભાગ્યે જ તે આટલું મોટું થાય છે. ટીમમાં એનેસ્થેટિસ્ટ ડો. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડો. સ્વાતિ ઉપાધ્યાય અને ક્રિટિકેર સ્પેશિયાલિસ્ટ ડો. જય કોઠારી સામેલ હતાં. આ તમામે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે મહિલામાં 18 વર્ષ પહેલાં સમસ્યાની શરૂઆત થઇ હતી, જે દરમિયાન તેમના પેટની આસપાસના વિસ્તારમાં વજન વધ્યું હતું. શરૂઆતમાં તેમણે આયુર્વેદિક સારવાર લીધી હતી,

પરંતુ તે નિરર્થક સાબિત થઇ। વર્ષ 2004માં તેમણે સોનોગ્રાફી કરાવી, જેમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું અને પરિવારે સર્જરી કરાવવાનું નક્કી કર્યું. જોકે, જ્યારે ડોક્ટરે સર્જરીની શરૂઆત કરી ત્યારે જણાયું કે ગાંઠ આંતરિક અંગો સાથે જોડાયેલું હતું. તેની સાથે સંકળાયેલા જોખમને જોતાં ડોક્ટર્સે સર્જરી કરવાનું ટાળ્યું.

ત્યારથી મહિલાના પરિવારજનોએ સંખ્યાબંધ ડોક્ટર્સની સલાહ લીધી, પરંતુ તે નિરર્થક સાબિત થયું. આ દરમિયાન ગાંઠનું કદ સતત વધતું રહ્યું છે અને છેલ્લાં બે વર્ષમાં તે લગભગ બમણું થયું, જેનાથી તેમના જીવનની ગુણવત્તાને અસર થવાનું શરૂ થયું.

આખરે પરિવારે અપોલો હોસ્પિટલ્સનો સંપર્ક કર્યો કે જ્યાં ડોક્ટર્સે સંપૂર્ણ તપાસ બાદ 27 જાન્યુઆરીએ સર્જરી કરવાનો નિર્ણય કર્યો. પોસ્ટ-ઓપરેશન કેર અને રિહેબિલિટેશન બાદ મહિલાને 14 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.