Western Times News

Gujarati News

ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલરને પાર કરે તેવી વકી

મુંબઈ, ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, જે ભારત જેવા દેશ માટે મોટી ચિંતાનું કારણ છે. ભારત મોટા ભાગે ઓઈલની આયાત પર ર્નિભર હોવાથી ક્રૂડના ભાવમાં જેટલો વધારો થાય તેટલા પ્રમાણમાં ભારતે નુકસાન ભોગવવું પડે છે.

રશિયા- યુક્રેન કટોકટીના કારણે ક્રૂડ ઓઈલનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં ૯૬ ડોલર સુધી પહોંચી ગયો હતો અને પછી ઘટીને ૯૪ ડોલર થયો છે. પરંતુ આ ભાવ ગમે ત્યારે બેરલ દીઠ ૧૦૦ ડોલરને પાર કરી જશે તેમ માનવામાં આવે છે.

ક્રૂડના ભાવનો આધાર હવે ઇરાન ડીલ પર રહેલો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ત્રણ સપ્તાહની અંદર ઈરાન સાથે અણુશસ્ત્રો અંગે સોદો કરવામાં નહીં આવે તો ક્રૂડના ભાવમાં ફરી આગ લાગશે અને ભારતની રાજકોષીય ખાધમાં જંગી વધારો થશે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે.

કન્સલ્ટિંગ ગ્રૂપ એફજીઈના સ્થાપક અને ચેરમેન ફેરિડન ફેશારાકીએ ક્રૂડના ભાવમાં ત્રણ સપ્તાહની અંદર વધારાની આગાહી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકાર ગ્રીન એનર્જી પર ઘણી આશા રાખે છે પરંતુ આ ગણતરી ખોટી સાબિત થઈ શકે છે.

એક મુલાકાતમાં તેમણે કહ્યું કે અત્યારે ફંડામેન્ટલ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો ક્રૂડનો ભાવ ૮૦થી ૮૫ ડોલર વચ્ચે જ હોવો જાેઈએ. કારણ કે અત્યારે ફેબ્રુઆરી ૨૦૨૨ ચાલે છે અને ક્રૂડની ડિમાન્ડ ૨૦૧૯ના સ્તરે છે. અત્યારે ઓપેક દેશો રોજના ચાર લાખ બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે. પરંતુ તેમાંથી માત્ર ૫૦થી ૬૦ ટકા ઓઇલ બજારમાં આવેછે.

તેનું કારણ છે કે વધારાનું વોલ્યુમ ખરીદવા માટે કેપેસિટી જ નથી. હાલમાં અમેરિકા અને ઇરાન વચ્ચે ડખો ચાલે છે અને તે ક્રૂડના ભાવ પર ૩થી ૫ ડોલર જેટલી અસર કરી શકે છે. એક સમયે ક્રૂડની જંગી આયાત કરતું અમેરિકા હવે ક્રૂડ ઓઈલનું નિકાસકાર છે. તેના કારણે પણ માર્કેટની સ્થિતિ બદલાઈ ગઈ છે. ૨૦૨૫ પછી ક્રૂડ ઓઇલનો નોર્મલ ભાવ ૭૦થી ૮૦ ડોલર પ્રતિ બેરલ હશે.

૨૦૨૫ અગાઉ નોર્મલ ભાવની રેન્જ ૮૫થી ૯૫ ડોલર પ્રતિ બેરલ રહેશે. ઇરાન સાથે કેવી વાટાઘાટ થાય છે તેના પર બધો આધાર છે. આગામી ત્રણ સપ્તાહમાં ઇરાન ડીલ થઈ જાય તો ભાવમાં પાંચથી ૧૦ ડોલરનો ઘટાડો આવશે અને ૮૦ ડોલરથી પણ નીચે ભાવ જઈ શકે છે. પરંતુ જાે ઈરાન સાથે ડીલ નહીં થાય તો ભાવ તરત વધીને ૧૦૦ ડોલરને પાર કરી જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.