Western Times News

Gujarati News

પત્નીની હત્યામાં ૧૨ વર્ષથી કેદ પતિ-માતાનો છૂટકારો

નવી દિલ્હી, પત્નીની હત્યાના આરોપમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા એક યુવક અને તેના માતાને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ માતા-દીકરો પાછલા ૧૨ વર્ષથી જેલની સજા કાપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને તાત્કાલિક જેલમુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટના મત અનુસાર, માત્ર શંકા અને અનુમાનોને આધારે સજા સંભળાવી શકાય નહીં. ઉત્તરાખંડના તેહરી જિલ્લાના રહેવાસી માતા અને દીકરાને રાહત આપનારા આ ચુકાદામાં જસ્ટિસ સંજીવ ખન્ના અને બેલા એમ. ત્રિવેદીની પીઠે જણાવ્યું કે, માત્ર શંકાના આધારે આ બન્ને લોકોને કેસમાં દોષી માની લેવામાં આવ્યા હતા.

તેમના વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવો ઉપલબ્ધ નથી. તેમને દોષી જાહેર કરવામાં આવ્યા અને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. પીઠ દ્વારા કેસની તપાસમાં ચૂક બદલ રાજ્યની પોલીસની પણ ટીકા કરવામાં આવી હતી. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ જણાવ્યું કે, સમગ્ર ઘટના કેવી રીતે બની અને માતા-દીકરાને ગુનેગાર સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં નથી આવ્યા.

અત્યારે સજા કાપી રહેલા આરોપીઓએ જ ગુનો કર્યો છે કે નહીં તે કોર્ટ માની શકે તેવા પૂરાવા હાજર નથી. આ સિવાય કોર્ટ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા માત્ર શંકા અને અનુમાનોને આધારે આરોપીઓને ગુનેગાર સાબિત કરીને મોટી ભૂલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જેલની સજા કાપી રહેલા યુવક અને તેના માતાની નાણાંકીય સ્થિતિ એવી નહોતી કે તેઓ વકીલ રોકીને પોતાનો કેસ એપેક્સ કોર્ટમાં લડી શકે. પરંતુ સુપ્રીમ કોર્ટની લીગલ સર્વિસ કમિટી તેમની મદદમાં આગળ આવી અને એડવોકેટ શિખિલ સુરી તેમનો કેસ લડવા માટે તૈયાર થયા.

શિખિલ સુરીએ દલીલ કરી કે હત્યાની ઘટનાનો કોઈ સાક્ષી નથી અને આ કેસ માત્ર પ્રાસંગિક પુરાવાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ કેસની વિગતવાર વાત કરીએ તો ૨૭મી જૂન ૨૦૦૯ના રોજ એક મહિલા ગુમ થઈ ગઈ હતી. એક દિવસ પછી મહિલાનો મૃતદેહ ખેતરમાં મળી આવ્યો હતો અને તેના શરીરમાં દાઝવાના નિશાન પણ હતા. ટ્રાયલ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૦માં મહિલાના પતિ અને સાસુને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૧૩માં હાઈકોર્ટ દ્વારા પણ તે ચુકાદાને માન્ય રાખવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચુકાદાના નવ વર્ષ પછી બન્નેને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરોપીનો ગુનો સાબિત કરવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા નથી. તેમણે ગુનો કર્યો છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા જ નથી. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, સંજાેગો ગમે તેટલા મજબૂત કેમ ન હોય, તે પુરાવાનું સ્થાન નથી લઈ શકતા. તેના આધારે કોઈને ગુનેગાર સાબિત ન કરી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.