Western Times News

Gujarati News

વડોદરાની નિશાકુમારીએ મધ્યરાત્રિએ ૧૫ કિલો વજન સાથે ગિરનારનું આરોહણ કર્યું

એક સાહસ અને પર્વત ચઢાણનો મહાવરો કેળવવા ૬ કલાકમાં તળેટીથી ટોચ અને ટોચથી તળેટીની યાત્રા પૂરી કરી

(માહિતી બ્યુરો) વડોદરા, વડોદરાના નિશાકુમારીએ સાહસ અને પર્વત ચઢવાના મહાવરા રૂપે મધ્ય રાત્રિએ કડકડતી ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે ગિરનારનું આરોહણ કર્યું હતી. તેના બેકપેક અને જેકેટ સહિત અંદાજે ૧૫ કિલો વજન લઈને એને ગરવા ગિરનારના આરોહણ અને અવરોહણનું આ સાહસ પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન તેણે લગભગ ૧૧ કિમી થી વધુ અંતર કાપ્યું હતું.

પૂર્વ સૈનિક અધિકારીની પુત્રી અને ગણિતની આ અનુસ્નાતક એક ઝનૂન સાથે સાહસિક પ્રવૃત્તિઓ કરી રહી છે અને તેનું ધ્યેય હિમાલયના બરફીલા શિખરો સર કરવાનું છે.તેના વાતાવરણ ની અનુભૂતિ મેળવવા તેણે શીતળ રાત્રિના સમયે ગિરનાર આરોહણ કર્યું હતું.

તેણે મધ્ય રાત્રિના લગભગ પોણા બે વાગે તળેટી થી ચઢવાનું શરૂ કરીને પરોઢિયે પાંચ વાગે દત્ત શિખર સુધીની આરોહણ યાત્રા પૂરી કરી હતી.તે પછી અવરોહણ શરૂ કરી સવારના પોણા સાત વાગ્યાના સુમારે તેણે તળેટી સુધીની વળતી યાત્રા પૂરી કરી હતી.આ કોઈ વિરલ સિદ્ધિ નથી પણ પર્વતારોહણ માં સફળતા મેળવવા માટેની ઝંખના અને ધગશ થી કરવામાં આવેલો વ્યાયામ છે.

તેને સાહસિક પ્રવૃત્તિઓમાં પીઠબળ આપતાં રીબર્થ એડવેન્ચર ના નિલેશ બારોટે જણાવ્યું કે ૯૯૯૯ પગથિયાં ચઢીને આ પવિત્ર પર્વતની ટોચે પહોંચાય છે.આ પ્રકારનો મહાવરો કેળવવા નિશાકુમારી નજીકના પાવાગઢનું આરોહણ અવરોહણ શક્ય બને ત્યાં સુધી નિયમપૂર્વક અઠવાડિયામાં એકવાર કરે છે.

પાલનપુર નજીક જેસોર ના ડુંગર પર પણ તેણે આ પ્રયોગો કર્યાં છે જ્યારે ગિરનારનું આરોહણ અત્યાર સુધી ચાર વાર કર્યું છે.આ ઉપરાંત તે લગભગ દૈનિક ૫ કિમી થી વધુ અંતરની દોડ લગાવે છે.તેનો ઇરાદો હવે પછી વડોદરાથી નવી દિલ્હી સુધીની પગપાળા અને સાયકલ યાત્રા યોજવાનો છે જેના મહાવરા રૂપે તે આ પ્રકારે તૈયારીઓ કરી રહી છે.

તે આ સાહસિક પ્રવૃત્તિઓ ની સાથે બેટી બચાવો,બેટી વધાવો અને બેટી પઢાઓ નો સામાજિક સંદેશ આપે છે.કોરોના કાળમાં લેહ વિસ્તારમાં સાયકલ યાત્રાની સાથે તેણે કોરોના રસી અવશ્ય લેવાનો સંદેશ આપ્યો હતો.

તેણે તાજેતરમાં યોજાયેલી ગિરનાર આરોહણ હરીફાઈમાં જાેડાવાને બદલે એકલ સાહસ કર્યું હતું.તેનું કહેવું છે કે સ્પર્ધામાં ઝડપ મુખ્ય છે જ્યારે તેનો હેતુ હિમાલય સહિતના ઊંચા શિખરો સર કરવાનો છે જેમાં ઝડપ નહિ પણ સ્થિરતા સાથે ચઢાણ ની અગત્યતા છે.

આ ઉચ્ચ શિક્ષિત દીકરી યુવા સમુદાયને શિક્ષણની સાથે સાહસિકતા અને સામાજિક સુધારણા નો સમન્વય કરવાની પ્રેરણા આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.