Western Times News

Gujarati News

પેટલાદ પાલિકાના કર્મચારીઓની આજથી હડતાળ પગાર વંચિત કર્મચારીઓ કામથી અળગા રહેશે

(પ્રતિનિધિ દ્વારા) પેટલાદ, પેટલાદ નગરપાલિકાની આર્થિક સ્થિતી દિન પ્રતિદિન કથળતી જાય છે. પગાર માટે પાલિકા પાસે નાણાં નથી. કાયમી કર્મંચારીઓના પગાર માટે સરકાર જે ગ્રાન્ટ આપે છે તે નાણાંમાંથી હંગામી કર્મચારીઓનો પગાર કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે કાયમી ઓફિસ સ્ટાફ નો પગાર હજી પણ થયો નથી.

આ અંગેની લેખિત રજૂઆત બે – ત્રણ દિવસ અગાઉ ચીફ ઓફિસર અને પ્રમુખને કરવામાં આવી હતી. પરંતુ પગારના હજી પણ થયો નહિં હોવાના કારણે કાયમી કર્મચારીઓ પૈકી ઓફિસ સ્ટાફ તમામ આવતીકાલથી હડતાળ ઉપર ઉતરનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત આ સ્ટાફ નોકરીના સમયે પાલિકામાં આવી કામથી અળગા રહેશે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાના સ્વભંડોળની તિજાેરી તળીયા ઝાટક થઈ ગઈ છે. જેને કારણે કર્મંચારીઓના પગાર કરવાના પણ ફાંફાં પડી ગયા છે. જાે કે સૌથી મહત્વની બાબત એ છે કે કાયમી કર્મચારીઓના પગાર માટે સરકાર દર મહિને લગભગ રૂપિયા ત્રેવીસ લાખ આપે છે.

પરંતુ પાલિકાના અણઘડ વહિવટ ને કારણે તે ગ્રાન્ટમાંથી કાયમી કર્મચારીઓ પૈકી ઓફિસ સ્ટાફ સિવાયના તમામ રોજમદારો તથા હંગામી કર્મચારીઓના પગાર કરી દેવામાં આવ્યા હતા. જેથી ઓફિસ સ્ટાફનો જાન્યુઆરી ૨૦૨૨નો પગાર હજી પણ પાલિકા કરી શકી નથી.

કારણકે ઓફિસ સ્ટાફના કાયમી, કોન્ટ્રાક્ટ હેઠળ તથા હંગામી કર્મચારીઓને પગાર કરવા આશરે રૂપિયા વીસ લાખ થાય છે. જ્યારે પાલિકા પાસે હાલ સ્વભંડોળમાં માત્ર રૂપિયા આઠેક લાખ હોવાનું જાણવા મળે છે. એટલે ઓફિસ સ્ટાફના કાયમી તથા હંગામી કર્મચારીઓનું કહેવું એમ છે કે જે લોકો હડતાળ પાડે તેઓનો પગાર પાલિકા દ્વારા કરી દેવામાં આવે છે.

ગત સમયમાં જ્યારે કાયમી સહિત રોજમદાર સફાઇ કામદારોએ હડતાળ કરી ત્યારે ઓફિસ સ્ટાફ તેમાં જાેડાયા ન્હોતા. જેતે તેઓ પગારથી વંચિત રહ્યા હોવાનું કાયમી કર્મચારીઓ જણાવે છે. એટલે હવે આવતીકાલ તા.૨૪ ફેબ્રુઆરીથી પાલિકાના ઓફિસ સ્ટાફના તમામ કર્મચારીઓ કામથી અળગા રહી હડતાળ ઉપર ઉતરવાના છે.

આ અંગે ઓફિસ સ્ટાફના કર્મચારીઓની એક બેઠક આજરોજ સાંજે પાંચ કલાકે ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટના કાર્યાલયમાં મળી હતી. જે બેઠકમાં કામથી અળગા રહેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

સામાન્ય સભાનું શું ?
પેટલાદ પાલિકાના વેરા બાકીદારો માટે સરકાર દ્વારા પેનલ્ટી – વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જેનું અમલીકરણ કરવા પાલિકાએ ઠરાવ કરવો જરૂરી છે. જે માટે તા.૨૫ના રોજ ખાસ સાધારણ સભા રાખવામાં આવી છે. આ સભાના આગલા દિવસથી જ તમામ ઓફિસ સ્ટાફ હડતાળ ઉપર ઉતરનાર છે, તો ખાસ સાધારણ સભાનું આયોજન અને સંચાલન કેવી રીતે શક્ય બનશે ? તેવા પ્રશ્નો પણ પાલિકા કેમ્પસમાં ઉઠવા પામ્યા છે. (તસ્વીરઃ દેવાંગી ઠાકર, પેટલાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.