Western Times News

Gujarati News

છેલ્લા ૩ દિવસમાં સિંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો થયો

રાજકોટ, સરકાર ગમે તેટલા પ્રયાસો કરે તેમ છતા લોકો ગરીબી તરફ ધકેલાઈ રહ્યાં છે. ગરીબી અને અમીરી વચ્ચેને ભેદ રેખા મોટી થઈ રહી છે. લોકોના જીવન જરૂરી વસ્તુઓની ખરીદીમાં પણ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ સપનામાં પણ નહિ વિચારી શકે કે, ખાદ્ય તેલના ભાવ એવા આસમાને પહોંચી જશે કે લોકોને બાફેલો ખોરાક ખાવાના દિવસો આવી જશે.

આમને આમ, લોકો ડાયેટિંગ કરતા થઈ જશે. ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા ૩ દિવસમાં સિંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં મગફળીની દૈનિક આવક વધી છતાં સિંગતેલમાં ભાવ વધારો થયો છે.

સિંગતેલમાં છેલ્લા ૩ દિવસમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાના ભાવ ૨૪૨૦ ની આસપાસ પહોંચ્યા છે. સૌરાષ્ટ્રની મિલોમાં સીંગતેલનું દૈનિક ઉત્પાદન ૩૦૦ ટન છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૩૫૦ ની આસપાસ પહોંચ્યો છે. આમ, ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.

સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પ્રકારનો અંકુશ નથી. ચાર દિવસ પહેલા જ સિંગતેલમાં ૩૦ રૂપિયાનો અને કપાસિયા તેલમાં ૨૦ રૂપિયાનો ભાવ વધારો થયો હતો.

તો પામ તેલમાં ૨૦ રૂપિયાનો ભાવ વધારો, સોયાબીનમાં ૧૦ રૂપિયા ભાવ વધારો, સનફ્લાવર ઓઈલમાં ૧૦ રૂપિયા ભાવ વધારો અને મકાઈના તેલમાં ૧૫ રૂપિયાનો ભાવ વધારો થયો હતો. છતા ચાર દિવસમાં ફરીથી તેલના ભાવ વધ્યા છે. અન્ય તેલના ભાવ પર નજર કરીએ તો, પામતેલનો ડબ્બો ૨૨૦૦ રૂપિયા, સોયાબીન તેલનો ડબ્બો ૨૨૫૦ થી ૨૩૦૦ રૂપિયા, સનફ્લાવર્સ તેલનો ડબ્બો ૨૧૫૦ રૂપિયા અને મકાઈના તેલનો ડબ્બો ૨૦૮૦ રૂપિયા પર પહોંચ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.