Western Times News

Gujarati News

ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એસ.આર.પી. ગ્રાઉન્ડ, ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. કેબિનેટ મંત્રી રાઘવજીભાઈએ આ પ્રસંગે પોતાના

સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના જરૂરિયાતમંદ-ગરીબ નાગરિકોને સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓનાં લાભો સ્થળ પર સીધા મળે, લાભ મેળવવા ખોટો ખર્ચ ન થાય, લાભ આપવાની સમગ્ર પ્રક્રિયામાંથી વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત કરી શકાય

તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણમેળાઓની શરૂઆત કરાવી રાજ્ય દ્વારા લાભ વિતરણ વ્યવસ્થામાં એક આમૂલ પરિવર્તનની શરૂઆત કરી હતી.

જેને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આગળ ધપાવતા ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી એમ સતત ત્રણ દિવસ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કર્યું છે. જે અંતર્ગત આજે પંચમહાલ જિલ્લામાં યોજાયેલ મેળામાં ૧૫ થી વિભાગોની ૫૦ જેટલી વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે,

જે લાભાર્થીઓનું જીવન સરળ બનાવવા, તેમને જીવનમાં પ્રગતિ સાધવામાં મક્કમ ટેકો બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ખેડૂતોની આવક બમણી કરવાનાં નિર્ધારને પૂર્ણ કરવા કટિબધ્ધ ગુજરાત સરકાર દ્વારા પણ ભૂમિપુત્રોની આવકમાં વધારો થાય, ખેતી વધુ ઉત્પાદનક્ષમ, વધુ વળતરદાયી બને તે માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

ખેડૂત સમૃદ્ધ બનશે તો જ ગામડા સમૃદ્ધ બનશે અને ગામડાઓથી દેશ સમૃદ્ધ બનશે તેમ જણાવતા કેબિનેટ મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા કિસાનોનાં કલ્યાણ હેતુ લેવાયેલ શ્રેણીબધ્ધ પગલાઓ વિશે વિગતવાર વાત કરી હતી. ગરીબ કલ્યાણ મેળાઓ સહિતની પહેલો થકી ગરીબોનાં ઉત્થાન અને વિકાસની પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહેશે તેમ મંત્રી ઉમેર્યું હતું.

એક અગત્યની જાહેરાત કરતા મંત્રીએ કાંટાળી વાડની યોજનાનો લાભ ખેડૂતો વ્યક્તિગત રીતે પણ મેળવી શકે અને પ્રમાણમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ મેળવી શકે તે માટે લઘુત્તમ જમીન વિસ્તારની મર્યાદા દૂર કરવા સહિતનાં સુધારા કરી યોજનાનું પુનર્ગઠન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત, ભૂંડ સહિતનાં પશુઓ દ્વારા ખેડૂતોનાં પાકનાં ભેલાણને રોકવા નવી પધ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજીએ પોતાનાં પ્રાંસગિક પ્રવચનમાં પંચમહાલ જિલ્લામાં ખેતીનો વિકાસ કરવા સરકારે સિંચાઈ સહિતની સુવિધાઓ માટે કરેલી કામગીરી વિશે વિગતવાર વાત કરી હતી.

કૃષિમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે મેળાનાં ૨૦ જેટલા લાભાર્થીઓને પ્રતીકાત્મક સ્વરૂપે સ્ટેજ પરથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાયરેક્ટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ શાબ્દિક સ્વાગત તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ બાદ મંત્રીનાં હસ્તે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૧૦ જેટલી ઈકોવાનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સર્વ સી.કે. રાઉલજી, જયદ્રથસિંહ પરમાર, સુ સુમનબેન ચૌહાણ, જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.