Western Times News

Gujarati News

ભારતના વિચારો અમેરિકા સાથે મેળ નથી ખાતા : બાઈડેન

વોશિંગ્ટન, રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે અમેરિકા ભારત સાથે વાત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને ગુરુવારે કહ્યું કે રશિયાના સૈન્ય અભિયાન બાદ વધેલા યુક્રેન સંકટ પર તેઓ ભારત સાથે વિચાર વિમર્શ કરશે. વાત જાણે એમ છે કે યુક્રેન સંકટ પર વ્હાઈટ હાઉસમાં એક પત્રકાર પરિષદ આયોજિત થઈ હતી.

આ દરમિયાન જ્યારે રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે શું ભારત રશિયાના હુમલા પર સંપૂર્ણ રીતે અમેરિકાની સાથે છે? તો તેના જવાબમાં તેમણે વિચાર વિમર્શ કરવાની વાત કરી. એવું સમજવામાં આવી રહ્યું છે કે યુક્રેન સંકટને લઈને ભારત અને અમેરિકાનું વલણ એક સમાન નથી.

રશિયાની સાથે ભારતની જૂની મિત્રતા છે. જ્યારે અમેરિકા સાથે તેની રણનીતિક ભાગીદારી છેલ્લા દોઢ દાયકામાં અભૂતપૂર્વ રીતે વધી છે. ભારતની આ મુદ્દે અત્યાર સુધી તટસ્થ પ્રતિક્રિયા આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે જે નિવેદન આપ્યું હતું તે રશિયાને પસંદ પડ્યું હતું.

આ બાજુ બાઈડેને પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન પર આક્રમણકારી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ પસંદ કર્યું. આ સાથે જ તેમણે રશિયા વિરુદ્ધ નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી પરંતુ રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનમાં અમેરિકાની સેના મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે દુનિયા રશિયા સામે એકજૂથ છે.

બાઈડેને કહ્યું કે જાે રશિયા અમેરિકા પર સાઈબર હુમલો કરશે તો અમેરિકા તેનો જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે નાટો દળોની સહાયતા માટે વધુ સૈનિકો મોકલવાની જાહેરાત પણ કરી. અમેરિકી પ્રમુખે કહ્યું કે રશિયન બેંકો, એલાઈટ્‌સ વર્ગ અને ઉચ્ચ ટેક્નોલોજીવાળા ક્ષેત્રોને નિશાન બનાવીને પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.